બલુચિસ્તાનમાં ટ્રેન હાઈજેક ઘટના પર ચીન ધૂંધવાયું : પાકિસ્તાનને પૂરેપૂરો ટેકો આપ્યો
- ગ્વાડરમાં ચીની મથકો ઉપર આતંકી હુમલા થાય છે
- 'અમે કોઈ પણ પ્રકારના આતંકવાદની કડક નિંદા કરીએ છીએ, ચીન કોઈ પણ પ્રકારના આતંકવાદને વખોડી કાઢે છે' : ચીનના પ્રવકતા
બૈજિંગ : બલુચિસ્તાનમાં ટ્રેન હાઈજેકની ઘટના અંગે ચીને કહ્યું : અમે તે રિપોર્ટનો ઊંડો અભ્યાસ કર્યો છે અને તે આતંકવાદી હુમલાની ઉગ્ર ટીકા કરીએ છીએ. ચીન કોઈ પણ પ્રકારના આતંકવાદનો સખત વિરોધ કરે છે.
તે સર્વવિદિત છે કે, પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હાઈજેક કરાયેલી જાપર-એક્સપ્રેસના તમામ બંધકોને છોડાવી દીધા છે. જો કે આતંકીઓએ ૨૧ યાત્રીઓ અને અર્ધ સૈનિક દળોના ૪ જવાનોની હત્યા કરી હતી. આ સમાચાર જાણી ચીન ભડકી ઊઠયું છે અને પાકિસ્તાનને પૂરેપૂરો ટેકો જાહેર કર્યો છે. સાથે આતંકવાદ સામેની લડતમાં પાકિસ્તાનને ટેકો આપ્યો છે.
તે સર્વવિદિત છે કે બલુચિસ્તાનના દક્ષિણ પશ્ચિમ છેડાના ભાગે આવેલા ગ્વાડર બંદરના ઉત્કર્ષમાં ફાળો આપવાનું કહી ચીની ઇજનેરો તથા અન્ય નાગરિકો ઉપર બલુચ લિબરેશન આર્મી ખરેખરૃં ગિન્નાયું હતું અને તેના જવાનો ચીનના સખત વિરોધી છે. તેઓ વારંવાર ત્યાં હુમલા કરતા જ રહે છે તેથી ચીન સતત ચિંતાતુર રહ્યું છે.
આ હુમલાથી ચીન ગિન્નાય તે સહજ છે. આ ઘટના અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા મારનો ચિંગને પોતાના નિયમિત બ્રિફીંગમાં પત્રકારોએ પૂછેલા તે હુમલા સંદર્ભે પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, અમે તે રિપોર્ટ ધ્યાનપૂર્વક વાંચ્યો છે. અમે દરેક પ્રકારના આતંકવાદની કડક નિંદા કરીએ છીએ.
તેઓએ વધુમાં કહ્યું, 'અમે આતંકવાદનો મુકાબલો કરવામાં પાકિસ્તાનની સાથે છીએ. તેમજ ત્યાં સામાજિક ઐક્ય બની રહે તે જોવા માગીએ છીએ, તેમજ નાગરિકોની સલામતી માટે પણ અમે પાકિસ્તાનના પ્રયાસોને સમર્થન આપીએ છીએ.
ચીન ઉપરાંત અમેરિકાએ પણ જાફર એક્સપ્રેસ પર થયેલા આતંકી હુમલાની ઉગ્ર ટીકા કરી હતી. ઇસ્લામાબાદ સ્થિત અમેરિકી દૂતાવાસે તેના ઠ પોસ્ટ પર લખ્યું : અમે પીડિતો, તેમના પરિવારો અને આ ભયાનક કૃત્યથી પ્રભાવિત દરેક લોકો પ્રત્યે અમારી ઊંડી સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરીએ છીએ. પાકિસ્તાનના લોકો હિંસા અને ભયથી મુક્ત રહેવાના હકદાર છે. આવા આ કઠોર સમયે અમે પાકિસ્તાન સાથે એક જુથ થઈને ઉભા છીએ જ.