ચીને મસ્કનાં 'સ્ટાર-લિંક' જેવું રોકેટ અંતરિક્ષમાં મોકલ્યું પરંતુ પાછાં ફરતાં તેના 300 ટુકડા થઈ ગયા
- ઉત્તર ચીનના શાંકસી પ્રાંતનાં તાઈયુઆન સેટેલાઇટ લોન્ચ સેન્ટર પરથી લોંગ-માર્ચ 6A રોકેટ મંગળવારે ઉપગ્રહો સાથે લૉન્ચ કરાયું હતું
બૈજિંગ : ચીને એલન મસ્કની દિગ્ગજ કંપની ટેસ્લાએ અંતરિક્ષમાં મોકલેલાં સ્ટાર-લિંક જેવું રોકેટ બનાવી અંતરિક્ષમાં મોકલ્યું હતું. પરંતુ પૃથ્વી પર પાછાં ફરતાં રોકેટ ૩૦૦ ટુકડામાં વિખેરાઈ ગયું હતું અને સ્પેસ જંક બની રહ્યું છે.
અમેરિકાનાં સ્પેસ કમાન્ડ (usspacecom) દ્વારા આજે જણાવવામાં આવ્યું છે કે, ૧૮ કીયાન-ફૈન ઉપગ્રહો લોન્ચ કરવાની સફળતા મેળવ્યા પછી ચીનનું આ લોંગ માર્ચ ૬ એ રોકેટ તૂટી પડયું હતું. તેના ૩૦૦ ટુકડાઓ પૃથ્વીની લૉ-ઓર્બિટમાં ઘૂમી રહ્યાં છે. રોકેટ ઉત્તર ચીનનાં શાંક્સી પ્રાંતમાં તાઈયુઆન સેટેલાઇટ લોન્ચ સેન્ટર ઉપરથી મંગળવારે ઉપગ્રહો સાથે લોન્ચ કરાયું હતું.
આ ૧૮ સેટેલાઇટસ પહેલા બેન્ચના એક ભાગરૂપ હતા. તેનો હેતુ એલન મસ્કનાં સ્ટારલિંકનું પોતાનું વર્ઝન બનાવવાનો હતો. જેને કીયાન ફૈન (હજારો સેલ્સ) બ્રોડ-બેન્ડ નેટવર્ક કહેવાય છે. આ સેટેલાઈટસ ચીનની વિજ્ઞાાન એકેડેમીના માઇક્રો સેટેલાઇટસ્ માટે રચ્યું હતું. આ રોકેટ આશરે ૮૦૦ કી.મી.ની ઊંચાઈએ ઉપગ્રહોને સફળતાથી પહોંચાડી દીધા હતા.
X - પોસ્ટ પર આપેલાં એક નિવેદનમાં યુએસ સ્પેસ કોમે જણાવ્યું હતું કે ૬ ઓગસ્ટે લોન્ચ કરેલું લોંગ માર્ચ ૬A રોકેટ તૂટી પડયું હતું, અને પૃથ્વીની નીચલી કક્ષામાં તેના ૩૦૦થી વધુ ટુકડા અત્યારે ઘૂમી રહ્યાં છે. જોકે તેથી કોઈ ખતરો તો નથી. અમેરિકાનું સ્પેસ ડોમેન તે ઉપર સતત નજર રાખી રહ્યું છે.