નવા પ્રકારનું શીત યુદ્ધ! અમેરિકાના આર્મી બેઝને ‘ફાર્મલેન્ડ’ ટેકનિકથી ઘેરી રહ્યા છે ચીન, રશિયા, ઈરાન
China, Russia, Iran, Venezuela Owned Farmland In America : ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલમાં અમેરિકાના આર્મી બેઝ અને રાષ્ટ્રીય સુરક્ષા સામે મોટો ખતરો હોવાનો દાવો કરાયો છે. રિપોર્ટમાં આર્મી બેઝની આસપાસ ચીન, રશિયા, ઈરાન અને વેનેઝુએલાએ જમીનો ખરીદી હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ચારેય દેશોએ ત્યાં ખેતી લાયક જમીનો એટલે કે ફાર્મલેન્ડ ખરીદ્યા છે, જેના કારણે અમેરિકાના આર્મી બેઝ અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે. અમેરિકાને એવી પણ જાણ નથી કે, તેમના દેશમાં વિદેશી ડેવલપર્સના નામે કેટલી જમીનો ખરીદવામાં આવી છે.
અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં
દાવા મુજબ, આ ચારેય દેશોએ અમેરિકામાં ફાર્મલેન્ડ વિકસાવવા માટે લગભગ ચાર કરોડ એકડ જમીન ખરીદેલી છે. આ તમામ જમીનો અમેરિકાના 19 મિલિટ્રી બેઝો (US Military Bases)ની આસપાસ આવેલી છે, એટલે કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં છે.
અમેરિકન આર્મી બેઝ નજીક ચીનની પણ જમીનો
રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ચીને જાણીજોઈને વ્યૂહરચના હેઠળ જમીનો ખરીદી છે. ડ્રેગનની જમીનો અમેરિકન આર્મી બેઝની આસપાસ જ આવેલી છે. ચીને ફ્લોરિડાથી લઈને વિમાની મથક સુધી અમેરિકાના 19 આર્મી બેઝ નજીક જમીનો ખરીદીને રાખી છે.
ચીન-રશિયા-ઈરાને 2016 બાદ વધુ 40 ટકા જમીન ખરીદી
રિપોર્ટમાં જણાવાયું છે કે, ચીન, રશિયા અને ઈરાને વર્ષ 2016થી અત્યાર સુધીમાં વધુ 40 ટકા ખેતીની જમીનો ખરીદી છે. આમાંથી કેટલીક જમીનો અમેરિકન આર્મી બેઝની પાસે જ આવેલી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ રિપોર્ટ તૈયાર કરનાર ગવર્નમેન્ટ એકાઉન્ટેબિલિટી ઓફિસે માત્ર એક છેડો પકડ્યો છે. મામલો મોટો થઈ શકે છે. આ માટે તમામ જમીન માલિકોની વિગતવાર માહિતી મેળવવાની રહેશે.
અમેરિકામાં કયાં કયાં દેશોની કેટલી જમીનો
અમેરિકન ફાર્મ બ્યુરો ફેડરેશનના જણાવ્યા મુજબ ઘણા દેશોએ અમેરિકામાં જમીનો ખરીદી છે, જેમાં કેનેડાએ 0.97 ટકા, નેધરલેન્ડ્સએ 0.37 ટકા, ઇટાલીએ 0.21 ટકા, ઈંગ્લેન્ડએ 0.19 ટકા, જર્મનીએ 0.17 ટકા, પોર્ટુગલએ 0.11 ટકા, ફ્રાન્સએ 0.10 ટકા, ડેનમાર્કએ 0.07 ટકા, લક્ઝમબર્ગએ 0.06 ટકા, ચીનએ 0.03 ટકા, જાપાનએ 0.05 ટકા, કેમેન ટાપુઓએ 0.05 ટકા, સ્વીડનએ 0.05 ટકા, સ્વિટ્ઝર્લૅન્ડએ 0.05 ટકા, મેક્સિકોએ 0.05 ટકા, આયર્લેન્ડએ 0.06 ટકા, અન્યએ 0.85 ટકા જમીન ખરીદી છે.