ચીન-રશિયાની દોસ્તી ગાઢ બની રહી છે, ચીન, યુક્રેન યુદ્ધને નિર્ણાયક સમર્થન આપે છે : નાટો

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
ચીન-રશિયાની દોસ્તી ગાઢ બની રહી છે, ચીન, યુક્રેન યુદ્ધને નિર્ણાયક સમર્થન આપે છે : નાટો 1 - image


- ચીન, ઉ.કોરિયા, ઈરાન અને રશિયાની ધરી બની રહી છે ?

- 'ચીન' રશિયાને શસ્ત્રો નથી આપતું પરંતુ શસ્ત્ર-ઉત્પાદન માટે જરૂરી તેવાં મશીન-ટૂલ્સ, ઇલેકટ્રોનિક્સ વ.ની નિકાસ કરી રહ્યું છે

વૉશિંગ્ટન : અત્યારે અહીં ચાલી રહેલી નોર્થ એટલાંટિક-ટ્રીટી-ઓર્ગેનાઇઝેશન (નાટો)ના સભ્ય દેશોની પરિષદમાં ચીન ઉપર ઉગ્ર પ્રહારો કરવામાં આવ્યા હતા, સાથે રશિયા-ચીન દોસ્તી ગાઢ અને ગાઢ બનતી રહી હોવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મૂળભૂત રીતે ચીન જ યુક્રેન યુદ્ધમાં રશિયાને નિર્ણાયક સમર્થન આપી રહ્યું છે.

આ પરિષદના અંતે પ્રસિદ્ધ કરાયેલા આખરી નિવેદન વૉશિંગ્ટન-ડેકલેરેશનમાં ચીન ઉપર આક્ષેપો મુકવા સાથે જણાવવામાં આવ્યું હતું કે ચીન તેના પરમાણુ શસ્ત્રોનો ભંડાર વધારતું જાય છે. સાથે અંતરિક્ષમાં પણ તેની શક્તિ પ્રસારતું જાય છે. (જે ચિંતાજનક છે.)

ચીને આ આક્ષેપોને રદિયો આપતાં કહ્યું છે કે, તેમની (રશિયાની) સાથેનો વ્યાપાર તો સામાન્ય પ્રકારના વ્યાપાર સમાન છે.

ચીન કે રશિયા આ અંગે જે કહે તે પરંતુ સત્ય હકીકત તે છે કે અત્યારે ચીન અને રશિયા વચ્ચેના સંબંધો ટોચ ઉપર પહોંચ્યા છે. તે રશિયાને શસ્ત્રો નથી વેચતું પરંતુ શસ્ત્ર ઉત્પાદન માટે જરૂરી તેવાં મશીન-ટુલ્સ, ઇલેકટ્રોનિક્સ અને અન્ય ચીજો વેચી રહ્યું છે. જેથી તેની (યુક્રેન સામેની) યુદ્ધ શક્તિ પ્રબળ બને.

ઉલ્લેખનીય છે કે ચીને રશિયાનાં યુક્રેન આક્રમણને કદી વખોડી કાઢ્યું જ નથી. ઉપરથી તેમ કહે છે કે અમે તો બંનેને તેમનો વિવાદ મંત્રણા દ્વારા ઉકેલવાનું કહી રહ્યાં છીએ.

નાટો પરિષદના સમાપન સમયે પ્રસિદ્ધ કરાયેલાં નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આને લીધે (ચીનનાં ઉપકરણો અને આડકતરાં સમર્થનને લીધે) રશિયા તેના પાડોશી દેશો અને યુરો-એટલાંટિક સિક્યુરીટી માટે ભયજનક બની રહ્યું છે. અમે પીપલ્સ રીપબ્લિક ઓફ ચાયનાં (પીઆરસી-સામ્યવાદી ચીન) યુએનની સલામતી સમિતિના કાયમી તરીકે યુએન ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોને પુષ્ટિ આપવી જોઈએ અને રશિયાને તેનાં યુદ્ધમાં સહાયરૂપ બને તેવાં સાધનો આપવાં ન જોઈએ તેમજ રાજકીય સમર્થન પણ આપવું ન જોઈએ. આ નિવેદનમાં ચીનનો નામોલ્લેખ તેનાં ટૂંકા નામ પી.આર.સી.થી કરવામાં આવ્યો છે.

આ વૉશિંગ્ટન-ડેકલેરેશન તરીકે નાટો દેશોએ પ્રસિદ્ધ કરેલાં સત્તાવાર નિવેદનમાં રશિયા દ્વારા વારંવાર ઉચ્ચારાતી પરમાણુ યુદ્ધની ધમકીને પણ વખોડી કાઢવામાં આવી છે. સાથે યુક્રેનને પૂરેપૂરો ટેકો આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે.

આમ એક તરફ રશિયા ચીનની મૈત્રી ગાઢ બની રહી છે. ઉત્તર કોરિયા તો ચીનનું ઔરસ સંતાન છે. ઉ.કોરિયાના સરમુખત્યાર ઉન સાથે પણ પુતિન અને શી-જિનપિંગને ગાઢ સંબંધો છે. ઉત્તર કોરિયા રશિયાને શસ્ત્રો ખુલ્લેઆમ વેચે છે. ઇરાન રશિયાને ડ્રોન વિમાનો આપે છે. આમ ધીમે ધીમે ચીન, ઉત્તર કોરિયા, ઈરાન અને રશિયાની ધરી રચાઈ રહી હોવાની નિરીક્ષકો આશંકા સેવે છે. જે મહદ્અંશે યર્થાથ પણ લાગે છે તેમ નિરીક્ષકોનું મંતવ્ય રહ્યું છે. (તેમાં વજૂદ પણ છે.)


Google NewsGoogle News