Get The App

ચીનનો ટ્રમ્પને તેમની જ ભાષામાં જવાબ, અમેરિકા પર ટેરિફ વધારી 125 ટકા કરવાની જાહેરાત

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
ચીનનો ટ્રમ્પને તેમની જ ભાષામાં જવાબ, અમેરિકા પર ટેરિફ વધારી 125 ટકા કરવાની જાહેરાત 1 - image


China Raised Tariff On USA To 125%: અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર ચરમસીમાએ પહોંચી ગયું છે. અમેરિકા ચીન પર એક પછી એક ટેરિફ ઝીંકી રહ્યું છે, ત્યારે વળતો જવાબ આપતાં ચીન પણ અમેરિકા પર ટેરિફ લાદી રહ્યું છે. ટ્રમ્પે ચીન પર 145 ટકા ટેરિફ લાદ્યાના 24 કલાકમાં ચીને અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારીને 125 ટકા કર્યો છે.

આ નવો ટેરિફ શનિવારથી અમલમાં મૂકાશે. ટ્રમ્પે અગાઉ નવ એપ્રિલના રોજ ચીનના સામા જવાબના કારણે 145 ટકા ટેરિફ જ્યારે અન્ય 70થી વધુ દેશોને ટેરિફમાં 90 દિવસની રાહત આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ટ્રમ્પના આ નિર્ણયથી ચીને ભયભીત થવાના બદલે વળતો પ્રહાર કરવાનું નક્કી કર્યું છે.  ઉલ્લેખનીય છે, ટ્રમ્પના ચીન પ્રત્યેના આકરા વલણ વચ્ચે અહેવાલો આવ્યા હતા કે, વિશ્વની બે મહાસત્તા ટ્રેડવૉર મુદ્દે વાટાઘાટો કરવા તૈયાર છે. એવામાં ચીનનું આ પગલું ટ્રેડવૉરની આગને ઓલવવાના બદલે વધુ હવા આપી શકે છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પને ઝટકો : ભારતીય મૂળના જજે દેશનિકાલના સંકટ સામે ઝઝૂમતાં લાખો ઈમિગ્રન્ટને રાહત આપી

બેઈજિંગના સ્ટેટ કાઉન્સિલ ટેરિફ કમિશને જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા ચીન પર અયોગ્ય ઊંચા ટેરિફ લાદવાની કવાયત આંતરરાષ્ટ્રીય વેપાર નિયમોનું ગંભીરપણે ઉલ્લંઘન કરે છે. જે સામાન્ય આર્થિક કાયદા પર પણ હુમલો કરે છે. ટેરિફના કારણે આયાતકારો માટે હવે અમેરિકાની પ્રોડક્ટ્સ લોકપ્રિય રહી નથી.

શી જિનપિંગે કરી માંગ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે "એકપક્ષીય ગુંડાગીરી"ને પ્રતિકાર આપવાં યુરોપિયન યુનિયનને બેઇજિંગ સાથે હાથ મિલાવવા અપીલ કરી હતી. આ અપીલના થોડા કલાકો બાદ તેમણે અમેરિકા પર ટેરિફ વધારી 125 ટકા કર્યો હોવાની જાહેરાત કરી હતી. જિનપિંગે કહ્યું કે, ચીન અને યુરોપ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવા માટે સજ્જ છે અને સંયુક્તપણે એકપક્ષીય ગુંડાગીરીને આકરો પડકાર આપી શકે છે. આ જોડાણ આપણા અધિકારો અને હિતોની સુરક્ષા જ નહીં પણ આંતરરાષ્ટ્રીય પારદર્શિતા અને કાયદાની રક્ષા માટે છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 145 ટકા ટેરિફ લાદવાની જાહેરાત બાદ જણાવ્યું હતું કે, 'તેઓ ચીન સાથે ડીલ કરવા તૈયાર છે, વિશ્વની ટોચની બે આર્થિક મહાસત્તા ધરાવતા દેશો ટ્રેડવૉર મુદ્દે યોગ્ય ઉકેલ લાવી શકે તેમ છે. અમે ચીન સાથે ડીલ કરવા તૈયાર છીએ. વાસ્તવમાં તેઓએ લાંબા સમય સુધી આપણા દેશનો ફાયદો ઉઠાવ્યો છે. તેઓએ અમને અન્ય કરતાં વધુ છેતર્યા છે.'

ચીનનો ટ્રમ્પને તેમની જ ભાષામાં જવાબ, અમેરિકા પર ટેરિફ વધારી 125 ટકા કરવાની જાહેરાત 2 - image

Tags :