Get The App

2025ની શરુઆતમાં વધુ એક મહામારીના પડઘમ? ચીને 100 વર્ષમાં પાંચ વખત દુનિયાને ખતરામાં મૂકી

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
HMPV Virus In China


HMPV Virus In China: ચીનમાં વર્ષ 2024ના અંત ભાગમાં વધુ એક મહામારી આકાર લેવા લાગી હતી. આ મહામારી હવે દુનિયાના અન્ય દેશોમાં ફેલાવાની શરુઆત થઈ છે. તેમાં સૌથી પહેલાં પાડોશી દેશ ભારતમાં પહોંચી છે. ભારતમાં તેના કેસ દેખાયા છે. ચીનમાં વર્ષ 2024ના અંતમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) ફેલાવા લાગ્યો છે. ચીને આ નવા વાઇરસના પણ લાખો કેસ દબાવી રાખ્યા છે. 

HMPV લક્ષણો કોરોના અને ન્યૂમોનિયા જેવા છે!

ચીનમાં હાલત ખરાબ છે અને લોકો સારવાર માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે આ વાઇરસનો ફેલાવો એશિયા અને દુનિયાના અન્ય દેશોમાં થવા લાગ્યો છે. તાજેતરમાં ભારતમાં તેના ત્રણ કેસ નોંધાયા છે. કર્ણાટકમાં બે અને ગુજરાતમાં એક કેસ નોંધાયો હોવાની આશંકા છે. આ વાઇરસના લક્ષણો કોરોના અને ન્યૂમોનિયાની જેમ શ્વસનતંત્રને અસર કરતાં રોગ જેવા જ છે. એચએમપીવી સૌથી વધારે નાના બાળકો અને મોટી ઉંમરના લોકોને અસર કરી રહ્યો છે.

ચીનમાંથી ફેલાયેલી મહામારીએ દુનિયાને વેરવિખેર કરી નાખી

અહેવાલો અનુસાર, ચીનમાં આ વાઇરસનો ફેલાવો મોટા પાયે થયો છે પણ તેના કારણે લોકોનાં મોત થયા હોવાના કોઈ સમાચાર બહાર આવ્યા નથી. દુનિયાના બીજા દેશોમાં પણ આ વાઇરસથી મોતના કોઈ સમાચાર નથી.

આ પણ વાંચો: અમેરિકા 26 વર્ષ બાદ ભારત પર લગાવેલો પ્રતિબંધ હટાવશે, પાકિસ્તાનને લાગશે મરચાં


મહત્ત્વની વાત એ છે કે, સમગ્ર દુનિયામાં ચર્ચા ચાલી છે કે, વિશ્વને ખતરામાં મૂકતા વાઇરસનો ફેલાવો કાયમ ચીનમાંથી જ શા માટે થાય છે. ઇતિહાસમાં દાખલા છે કે, માનવજાત ઉપર જ્યારે પણ બીમારીની અને મહામારીની આફત આવી છે ત્યારે તેનો ફેલાવો ચીનમાંથી જ થયો છે. ચીનમાંથી ફેલાયેલી મહામારીએ સદીઓથી દુનિયાને વેરવિખર કરી છે. કોવિડ-19 કે જેને કોરોના મહામારી કહેતા હતા તે પણ ચીનના વુહાનમાંથી જ ફેલાઈ હતી અને 2020 અને 2021માં દુનિયાને ઠપ્પ કરી દીધી હતી. 

દુનિયા ફરી એકવાર મહામારીની ઝડપેટમાં!

દુનિયામાં સૌથી વધારે લોકોના મોત થયા હોય તેવી મહામારી પ્લેગ હતી. તેને દુનિયા બ્લેક ડેથના નામે પણ ઓળખતી હતી. વર્ષ 1346થી 1355 સુધીમાં આ મહામારી સમગ્ર એશિયા, યુરોપ અને આફ્રિકામાં ફેલાઈ હતી અને તે સમયે અંદાજે 10થી 15 કરોડ લોકોના મોત થયા હતા. આ માત્ર અંદાજ છે, જેમ કોરોના મહામારીમાં દુનિયામાં થયેલા મૃત્યુના કોઈ નક્કર આંકડા નથી, તેમ 14મી સદીમાં ફેલાયેલી આ મહામારીના મોતના આંકડા પણ અંદાજિત છે. ત્યારબાદ વાત કરીએ તો એકવીસમી સદીના 100 વર્ષમાં ચીને ફરીથી દુનિયામાં મોતનું તાંડવ ઊભું કર્યું હતું. તેના કારણે એક સદીમાં પાંચમી વખત દુનિયા મહામારી અને મૃત્યુના મુખ સુધી પહોંચી ગઈ છે. વર્ષ 1918, 1957, 2002, 2019 અને હવે 2024-25માં દુનિયા ફરી એક વખત મહામારીની ઝડપેટમાં આવી છે જે ચીનમાંથી જ ફેલાઈ છે.

સ્પેનિશ ફ્લૂથી શરુ કરીને સાર્સ સુધીની બીમારી ફેલાવી

ચીને દુનિયામાં સમયાંતરે વિવિધ વાઇરસજન્ય બીમારીઓ ફેલાવી છે. વર્ષ 1918માં સ્પેનિશ ફ્લૂ મહામારી ફેલાઈ હતી. પહેલાં વિશ્વયુદ્ધ દરમિયાન આ મહામારી ચર્ચામાં આવી હતી. તે વખતે ચર્ચા ચાલતી હતી કે આ બીમારી પણ ચીનમાંથી જ ફેલાઈ હતી. આ ઘાતક મહામારીના કારણે અંદાજે પાંચથી દસ કરોડ લોકોનાં મોત થયાની વાત બહાર આવી હતી. આ ઉપરાંત 20 કરોડ લોકો આ બીમારીમાં પીડાયા હતા. જાણકારોના મતે તે સમયે 50 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા હતા. 

આ પણ વાંચો: જાડેજા ઠીક છે પણ સુંદર અને રેડ્ડીને ટીમમાં ના લેવાય: સંજય માંજરેકરે ટીમ ઈન્ડિયા પર ઉઠાવ્યા સવાલ


અંદાજે દુનિયાની 30 ટકા વસતી આ મહામારીનો ભોગ બની હતી. ત્યારબાદ વર્ષ 1957-1959માં દુનિયામાં એશિયન ફ્લૂ ફેલાયો હતો. તે વખતે બે વર્ષમાં અંદાજે 20 લાખથી વધારે લોકોના મોત થયા હતા. એશિયન ફ્લૂનું ઉદ્ભવ સ્થાન પણ ચીન જ હતું. ત્યારબાદ વર્ષ 2002માં સાર્સ નામની જીવલેણ બીમારી દુનિયામાં ફેલાઈ હતી. આ બીમારી પણ ચીનથી જ સમગ્ર દુનિયામાં ફેલાઈ હતી. ત્યારબાદ વર્ષ 2019માં કોવિડ-19ને દુનિયાને ભરડો લીધો અને કરોડો લોકોના મૃત્યુ થયા હતા.

2001માં વાઇરસ સામે આવ્યો હતો પણ સંશોધકોએ ગંભીરતા દાખવી નહીં

સંશોધકોમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસની ઉત્પત્તિ અને ફેલાવા અંગે પણ વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક સંશોધકો માને છે કે, આ વાઇરસ છેલ્લાં 1500 વર્ષોથી ધરતી ઉપર છે. પરંતુ પણ નિષ્ક્રિય સ્થિતિમાં હતો. કેટલાક લોકો માને છે કે, છ દાયકા પહેલાં આ વાઇરસના લક્ષણો બીમારી તરીકે દુનિયાના દેશોમાં દેખાયા હતા પણ ત્યારે ગંભીરતાથી તેની નોંધ લેવાઈ નહોતી. તેવી જ રીતે 2001માં એટલે કે 23 વર્ષ પહેલાં આ વાઇરસ ફરીથી સામે આવ્યો હતો અને ત્યારેપણ સંશોધકો દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી. 

અમેરિકી સંશોધકો માને છે કે, 23 વર્ષથી આ વાઇરસ શાંત પડેલો છે અને એકાએક માણસો અને પ્રાણીઓના સંપર્કમાં આવવાથી એક્ટિવેટ થઈ ગયો છે. કેટલાક તેને 1958થી એક્ટિવ હોવાનું માને છે. તે સમયનો વાઇરસનો મ્યુટન્ટ નબળો હતો પણ વર્તમાન મ્યુટન વધારે શક્તિશાળી અને લાંબા સમય સુધી દેખા દેનારો માનવામાં આવ્યો છે. તે મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કરવા માટે પણ સક્ષમ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. 

સંશોધકો કહે છે કે, આ રોગના લક્ષણોમાં સામાન્ય રીતે શરદી અને ઉધરસ છે. તે શ્વસનતંત્રમાં ફેલાતી બીમારીની જેમ જ ફેલાય છે. તે ન્યુમોનિયા પરિવારનો જ એક સંક્રમિત વાઇરસ છે. આ વાઇરસની અસરનો સમય પાંચ દિવસ સુધીનો માનવામાં આવે છે. આમ તો આ વાઇરસ સમગ્ર વર્ષ લોકોને સંક્રમિત કરી શકે છે પણ સામાન્ય રીતે શિયાળા દરમિયાન વાઇરસની અસર વધારે થતી હોવાનું માનવામાં આવે છે. 

ચીનમાંથી જ શા માટે વાઇરસ ફેલાય છે?

ચીનમાંથી જ વાઇરસ ફેલાવાના ઘણાં કારણો છે. તેમ છતાં કેટલાક મૂળ અને નક્કર કારણો એવા છે, જેના કારણે લોકો માનવા માંડ્યા છે કે વિશ્વમાં વાઇરસ ફેલાવવા પાછળ ચીન જ જવાબદાર છે. સૌથી પહેલાં તો ચીનમાં અધધ વસતી છે. ચીનીઓ ત્યાં જોવા મળતા જાનવરો અને જીવજંતુઓની મોટાભાગની પ્રજાતી સાથે સીધો સંપર્ક ધરાવે છે. મધ્ય ચીનના લોકો સાફસફાઈ અને હાઈજીન અંગે અત્યંત બેદરકાર છે. મધ્યપૂર્વ ચીનમાં લોકો અત્યંત ગીચ વિસ્તારોમાં રહે છે. તેઓ પશુપાલન કરે છે અને પશુઓને વેચવા માર્કેટમાં લાવે છે.

દુનિયાભરમાંથી ચીનમાં જાતભાતના પશુઓ વેચાવા આવે છે અને બધા એકબીજાના સંપર્કમાં આવે છે. પશુઓમાં અને પક્ષીઓમાં જે રોગ વકરે છે તે અન્ય પ્રાણીઓમાં ફેલાય છે. ઘણી વખત આ રોગચાળો માણસમાં પણ પ્રસરી જતો હોય છે. લોકો જાનવરોના સીધા જ સંપર્કમાં હોય છે અને સ્વચ્છતા કે હાઈજીન માટે ગંભીરતા રાખવામાં આવતી નથી. તેથી પ્રાણીઓના મળ, મૂત્ર, સલાઇવા બધું જ માણસોના સંપર્કમાં આવે છે.

ચીનની ખાદ્યખોરાકની પદ્ધતિ પણ જીવલેણ બને

ચીનના લોકોને માંસાહારને ખૂબ જ પસંદ છે. તેમાંય અહીંયા ફ્રોઝન મીટ કરતાં તાજા માંસને વધારે પસંદ કરવામાં આવે છે. નાના બજારોથી માંડીને મોટી હોટેલો સુધી લોકોને તાજું માંસ જ પીરસવામાં આવે છે. ત્યાં જાહેરમાં જ પ્રાણીઓની, પક્ષીઓની, કૂતરા, વાંદરા વગેરેની હત્યા કરીને તાજા રાંધીને જ પીરસી દેવામાં આવે છે. તેઓ જીવજંતુઓ, સાપ, ચામાચીડિયા, માછલીઓ, ઓક્ટોપસ અને દરિયાની બીજી પ્રજાતીઓ પણ ખાવા માટે પંકાયેલા છે. તેના કારણે આવા લોકોમાં પ્રાણીઓમાંથી વાઇરસ ફેલાવાના જોખમો અનેકગણા વધી જાય છે. 

આ પણ વાંચો: હુતીઓના વિસ્તારમાં કેદ છે ભારતીય નર્સ નિમિષા પ્રિયા, બચાવવા માટે ઈરાનથી અંતિમ આશા


બીજી સમસ્યા એવી છે કે, તેઓ સારવાર માટે એલોપથી કરતા પારંપરિક સારવારને વધારે પ્રાધાન્ય આપે છે. તેના કારણે લોકો સાજા થતા નથી અને બીમારી રોગચાળામાં અને ક્યારેક મહામારીમાં પરિવર્તિત થઈ જાય છે. ચીનમાં એક્યુપ્રેશર, સ્થાનિક ચિકિત્સા, પશુઓ સાથે જોડાયેલી ચિકિત્સમાં માનનારો વર્ગ ઘણો મોટો છે જે બીમારીઓ ફેલાવામાં મોટી ભૂમિકા ભજવી જાય છે. 

ચીની સરકાર અને ચીનના લોકોનું વલણ પણ ગંભીર બાબત છે. મહામારીઓને છુપાવી રાખવી, દુનિયાથી અલિપ્ત રહેવું, દુનિયાથી ગુપ્ત કામગીરી કરવી જેવી ચીની સરકારની મનોવૃત્તિએ ચીનને દુનિયાથી જુદું કરી નાખ્યું છે. તેના કારણે પણ ચીનની બીમારીઓ દુનિયા માટે મહામારી બની જવાનું લોકો માને છે. 

2023માં દુનિયાના ઘણાં દેશોમાં વાઇરસ ફેલાયો હતો

હાલમાં ચીનમાં અને ચીનમાંથી અન્ય દેશોમાં જે વાઇરસ ફેલાયો છે તે નવો નથી. છેલ્લાં બે વર્ષથી તે દુનિયામાં ફેલાઈ રહ્યો છે. હ્યુમન મેટાન્યૂમો વાઇરસ 2023માં પણ ચીનમાં ફેલાયો હતો અને ચીનમાંથી દુનિયાના અન્ય દેશોમાં પણ તેણે દેખા દીધી હતી. તે સમયે આ વાઇરસ ચીનને બાદ કરતા નેધરલૅન્ડ, બ્રિટન, ફિનલૅન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકામાં તે વ્યાપક પ્રમાણમાં ફેલાયો હતો.

જાણકારોના મતે આ વાઇરસની કોઈ દવા શોધાઈ નથી કે કોઈ વેક્સિન પણ શોધાઈ નથી. હાલમાં દર્દીઓને એન્ટિ વાઇરલ દવાઓ અપાઈ રહી છે. પરંતુ તેનાથી સુધારો જણાતો નથી. આ વાઇરલ બીમારીનો કાળ પણ છ દિવસનો છે. તેમાં વાઇરસ સંબંધિત કેટલીક દવાઓ અપાય છે પણ તે 100 ટકા કારગર સાબિત થઈ નથી. લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તેના માટે જ ઉપાય કરવામાં આવી રહ્યા છે. આ વાઇરસનો ખાતમો બોલાવવો શક્ય નથી. હાલમાં એવું કરી શકે તેવી કોઈ ઉપચાર પદ્ધતિ પણ દુનિયાના દેશો પાસે નથી. 

આ પણ વાંચો: તિબેટમાં બે જ કલાકમાં સાત વખત ભૂકંપના આંચકા, 53 લોકોના મોત: ભારતમાં પણ થઈ અસર

એચએમપીવી કેવી રીતે ફેલાય છે?

•HMPV શ્વસનતંત્ર સંબંધિત વાઇરસજન્ય બીમારીઓનો એક ભાગ છે જે વાઇરલ ઇન્ફેક્શનથી ફેલાય છે.

•નવજાત બાળકો, નાના બાળકો, વૃદ્ધો, ઓછી રોગપ્રતિકારકશક્તિ ધરાવતા લોકોને સૌથી વધારે અસર થવાની શક્યતાઓ છે.

•આ વાઇરસથી સંક્રમિત લોકોની સીધા સંપર્કમાં આવવાથી.

•રોગથી સંક્રમિત વસ્તુઓના સંપર્કથી અથવા વાતાવરણમાં રહેવાથી.

સામાન્ય લક્ષણો 

•સંક્રમણ થયાના છ દિવસમાં લક્ષણો દેખાય છે

•નાક બંધ થઈ જવું

•નાકમાંથી સતત પાણી વહેવું

•ગળામાં દુઃખાવો

•માથામાં દુઃખાવો

•ઉધરસ

ગંભીર લક્ષણો

•શ્વાસ લેવામાં મુશ્કેલી

•સતત છીંકો આવવી

•વિઝિંગ

•બ્રોન્કિયોલિટિસ

•બ્રોન્કાઇટિસ

•ન્યૂમોનિયા

સારવાર

•મોટાભાગના કેસમાં સારવાર વગર 2-5 દિવસમાં દર્દી સાજો થઈ જાય છે

ધ્યાન રાખવા જેવી બાબત

•વધુમાં વધુ આરામ

•વધુમાં વધુ પ્રવાહીનું સેવન

•ઓક્સિજન ઘટી ન જાય તે જોવું

•વાઇરસજન્ય બીમારીઓમાં અપાતી દવાઓ લેવી

તકેદારી

•હાથ સાફ રાખવા

•માસ્ક પહેરવું

•બીમાર લોકોથી અંતર જાળવવું

•સંક્રમિત વ્યક્તિની આસપાસ સતત સફાઈ રાખવી

2025ની શરુઆતમાં વધુ એક મહામારીના પડઘમ? ચીને 100 વર્ષમાં પાંચ વખત દુનિયાને ખતરામાં મૂકી 2 - image


Google NewsGoogle News