કોની સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન? જિનપિંગે સૈનિકોને કહ્યું- આધુનિક યુદ્ધ માટે અનુકૂળ બનો
Xi Jinping And Taiwan : ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે પોતાના સૈનિકોને કહ્યું કે, યુદ્ધની તૈયારીઓને વધુ મજબૂત કરે. આ સાથે કહ્યું કે, આર્મી સ્થિતિ પર નજર રાખે અને તે મુજબ તૈયારીઓ તેજ કરે. જિનપિંગનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે થોડા દિવસો પહેલા તાઈવાનની આસપાસ ચીને મોટાપાયે સૈન્ય અભ્યાસ શરૂ કર્યો હતો.
જિનપિંગે શું કહ્યું?
હોંગકોંગની મીડિયા સંસ્થા સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ સહિત ઘણી પ્રાદેશિક મીડિયા સંસ્થાઓએ આની જાણ કરી છે. રાષ્ટ્રપતિ જિનપિંગે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના રોકેટ ફોર્સની બ્રિગેડની મુલાકાત વખતે આ નિવેદન આપ્યું હતું. સરકાર એજન્સી પ્રમાણે જિનપિંગે 18 ઑક્ટોબરે મુલાકાત લીધી હતી. તેમણે સેનામાં મજબૂત મિસાઈલ વિરોધી ક્ષમતાની સાથે અનુશાસનની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો : ઈરાન પર મોટા હુમલાની તૈયારીમાં ઈઝરાયલ? લીક રિપોર્ટ્સથી અમેરિકા પણ ટેન્શનમાં મૂકાયું
તેમણે બ્રિગેડને કહ્યું કે, 'આધુનિક યુદ્ધ અને યુદ્ધની પદ્ધતિઓમાં ફેરફાર સાથે અનુકૂલન કરવા જણાવ્યું અને યુદ્ધ અભિયાન, પ્રતિસ્પર્ધીઓ અને પર્યાવરણમાં થતા ફેરફારો પર નજીકથી નજર રાખો.' જ્યારે સરકારી મીડિયાના સીસીટીવીના રિપોર્ટ મુજબ, જિનપિંગે કહ્યું કે, યુદ્ધ માટે ટ્રેનિંગ અને તૈયારીને મોટાપાયે મજબૂત કરો અને સુનિશ્ચિત કરો કે સૈનિકોમાં યુદ્ધ લડવાની ક્ષમતા વિકસિત થાય.
PLA રોકેટ ફોર્સ દેશમાં પરમાણું હથિયારોની રાખે છે દેખરેખ
એક રિપોર્ટ પ્રમાણે, ચીનના રાષ્ટ્રપતિએ 50 વર્ષથી વધુ જૂની બ્રિગેડની મુલાકાત લીધી. જે એક રોકેટ ફોર્સ છે, જેને 2015માં જિનપિંગે PLAમાં બદલાવ વખતે બનાવાઈ હતી. આ સાથે PLA રોકેટ ફોર્સ દેશમાં પરમાણું હથિયારોની દેખરેખ પણ રાખે છે.
આ પણ વાંચો : દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનો ધડાકો - 'EVM માં ગોટાળા, બેલેટ પેપરથી જ ચૂંટણી યોજો'
મીડિયા અહેવાલ પ્રમાણે, 14 ઑક્ટોબરે ચીને તાઈવાન નજીક ફાઈટર જેટ, ડ્રોન, યુદ્ધ જહાજ અને કોસ્ટ ગાર્ડ જહાજો તૈનાત કર્યા હતા. આમ છેલ્લા બે વર્ષમાં આ ચોથી વખત છે, જ્યારે ચીને આ ટાપુની આસપાસ મોટાપાયે યુદ્ધનો અભ્યાસ કર્યો છે. ચીન અને તાઈવાન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં જિનપિંગના તાજેતરના નિવેદનને તાઈવાન સાથે જોડવામાં આવી રહ્યું છે.