Get The App

ચીન ચિંતામાં, સતત બીજા વર્ષે વસતીમાં ઘટાડો, જન્મદર કરતા મૃત્યુદર વધ્યો

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
ચીન ચિંતામાં, સતત બીજા વર્ષે વસતીમાં ઘટાડો, જન્મદર કરતા મૃત્યુદર વધ્યો 1 - image

image : Twitter

બિજિંગ,તા.17 જાન્યુઆરી 2024,બુધવાર

એક તરફ દુનિયાના ઘણા દેશો વધતી વસતીના કારણે પરેશાન છે તો બીજી તરફ ચીન હવે ઘટી રહેલી વસતીના કારણે ટેન્શનમાં છે. 

ચીનમાં કોવિડના પ્રતિબંધો હટાવાયા બાદ જન્મદર ઘટી રહ્યો છે અને મોતનો આંકડો વધી રહ્યો છે. જેના કારણે 2023માં ચીનની વસતીમાં 20 લાખનો ઘટાડો નોંધાયો છે. સતત બીજા વર્ષે ચીનની વસતી ઓછી થઈ છે અને તેના કારણે ચીનની સરકારના માથા પર પરેશાનીના વળ પડી રહ્યા છે. 

ચીનના સ્ટેટેસ્ટિકલ બ્યૂરોનુ કહેવુ છે કે, દેશની કુલ વસતી અત્યારે 1. 409 અબજ છે. જે 2022માં 1. 4118 અબજ હતી. 

ચીનની સરકારને ટેન્શન છે કે, વસતી ઘટવાના કારણે કામ કરનારા લોકોની સંખ્યા પણ ઓછી થશે અને લાંબા ગાળે તેની અસર આર્થિક વિકાસ પર પડશે. બીજી તરફ વૃધ્ધોની સંખ્યામાં પણ વધારો થવાથી દેશની ઈકોનોમી સામે નવો પડકાર સર્જાશે. 

ચીનમાં સતત સાતમા વર્ષે જન્મદર ઘટ્યો છે. ગત વર્ષે ચીનમાં 90 લાખ બાળકોનો જન્મ થયો હતો. તેના પહેલાના વર્ષે 95 લાખ બાળકો પેદા થયા હતા. ચીનમાં જન્મદર હવે પ્રતિ 1000 લોકો પર ઘટીને 6. 39 થઈ ગયો છે. જે એક વર્ષ પહેલા 6. 77ની આસપાસ હતો. આ પહેલા ચીને એક જ બાળકની નીતિ લાગુ કરીને વસતી વધારાને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી પણ લાંબા ગાળે તેા કારણે અલગ સમસ્યા સર્જાઈ હતી અને લોકો એક બાળકની નીતિના કારણે દીકરી કરતા દીકરાને વધારે મહત્વ આપવા લાગ્યા હતા. બીજી તરફ દેશમાં વર્કફોર્સની સંખ્યા ઘટે તેવુ પણ સરકારને આ નીતિના કારણે લાગ્યુ હતુ. 

એ પછી 2016માં સરકારે પોતાની નીતિમાં ફેરફાર કરીને ચીનમાં લોકોને એક કરતા વધારે બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન આપવા માંડ્યુ છે પણ આ પ્રયાસોમાં કોઈ ખાસ સફળતા મળી હોય તેવુ લાગતુ નથી. 

ચીનમાં લોકો મોડા લગ્ન કરી રહયા છે. ઘણા લોકો તો બાળક પેદા નહીં કરવાના વિકલ્પને જ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત એક થી વધારે બાળકોનો ઉછેર કરવામાં આર્થિક ભારણ આવતુ હોવાથી સરકારે આપેલી છૂટ પછી પણ ઘણા લોકો એક જ બાળક પેદા કરવાન ઈચ્છી રહ્યા છે. જેના કારણે હવે ચીનને સતત ઘટી રહેલી વસતીની ચિંતા થવા માંડી છે. 


Google NewsGoogle News