અમેરિકાએ ગ્વામ ટાપુના સૈન્ય મથક પર સબમરીન યુ.એસ.એસ. મિનેસોટા લાંગરતા ચીન ધૂંધવાઈ ઉઠયું
- ચીન પાસે સબમરીનો સહિત 370 યુદ્ધ જહાજો છે
- હિન્દ પ્રશાંત વિસ્તારમાં ચીનની વધતી તાકાત રોકવા માટે યુ.એસ. કટિબદ્ધ બન્યું છે તેણે જાપાનને પણ 'શસ્ત્ર-સજ્જ' કર્યું છે
નવી દિલ્હી : હિન્દ પ્રશાંત વિસ્તારમાં ફરી એકવાર વિશ્વની બે મહાશક્તિઓ (અમેરિકા અને ચીન) ધીરે ધીરે સામ-સામે આવી રહી છે. તાજા ઘટનાક્રમ પ્રમાણે અમેરિકાએ પ્રશાંત મહાસાગરના ગ્વામ ટાપુ સ્થિત તેના સૈન્ય મથક પર પોતાની ન્યુક્લિઅર સબમરીન યુ.એસ.એસ. મિનેસોટા લાંગરતાં ચીન ધૂંધવાઈ ઉઠયું છે. એવું કહેવાય છે કે ગ્વામ ટાપુ પર અમેરિકા તેનું સૈન્ય મથક ભવિષ્યની તૈયારી માટે ઉચ્ચ સ્તરે લઈ જઈ રહ્યું છે. વિશેષત: ચીને સબમરીનો સાથેનો તેનો નૌકા કાફલો ૩૭૦ યુદ્ધ જહાજો જેટલો પહોંચાડયો હોવાથી અમેરિકા સહિત તે વિસ્તારના દેશો ચિંતિત બન્યા છે.
અમેરિકાએ ત્યાં લાંગરેલી યુ.એસ.એસ. 'મિનેસોટા' વર્જીનિયા શ્રેણીની ઝડપી ગતિથી જઈ શકતી સબમરીનો પૈકી અગ્રીમ સબમરીન છે. તેનું ડીસપ્લેસમેન્ટ (વજન) ૭,૮૦૦ ટન છે. લંબાઈ ૩૭૭ ફીટ છે. તે ૧૨ લેન્ડ ક્રૂઝ મિસાઇલ્સ અને ૨૫ ટોર્પિડો ધરાવે છે. ગ્વામમાં પહેલી જ વાર આવી ન્યુક્લિયર સબમરીન તૈનાત કરાઈ છે. વર્જીનિયા શ્રેણીની મે ૧૦મી સબમરીન છે.
ન્યુઝ વીકના એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મહીનાઓની પ્રતીક્ષા પછી યુ.એસ.એસ. 'મિનેસોટા' (એસ.એસ.એન.૭૮૩) પોતાના 'હોમ-પોર્ટ' ગ્વામ પર પહોંચી ગઈ છે. આ શ્રેણીની સબમરીનો ૨૦૦૦ આસપાસ 'કમીશન' કરાઈ હતી. તેની ગ્વામમાં ઉપસ્થિતિથી પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં અમેરિકાની નૌકા સ્થિતિ વધુ મજબૂત બનશે. તે 'સબમરીન યુદ્ધ' માટે પણ સક્ષમ છે. સ્ટ્રાઇક મિશન અને ગુપ્ત રીતે માહિતી મેળવવા માટે પણ સક્ષમ છે. તેમાં આશરે ૧૪૭ નાવિકો રહેશે.
આ સબમરીન ગ્વામ પહોંચી ત્યારે સબમરીન સ્કવોડ્રન-૧૫ના કમાન્ડર કેપ્ટન નીલ સ્ટીન હેગન તથા અન્ય નૌ સૈનિકોએ તેનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ચીને છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેના નૌકાદળમાં ભારે મોટો વધારો કર્યો છે તેની પાસે સબમરીનો સાથે કુલ ૩૭૦ યુદ્ધ જહાજો છે. ચીનનો નૌકા કાફલો અત્યારે દુનિયામાં સૌથી મોટો નૌકા કાફલો છે.
અમેરિકાએ તે સામે ટક્કર લેવા પૂરી તૈયારીઓ કરી છે. તેણે મિત્ર દેશ જાપાનને લેસર શસ્ત્રોથી સજ્જ તેવી એક ડીસ્ટ્રોયર અને સ્ટીલ્ધ વિમાનોથી સજ્જ એક વિમાન વાહક જહાજ પણ આપ્યું છે.
ચીન આથી ધૂંધવાઈ ઊઠયું છે, વોશિંગ્ટન સ્થિત ચીની દૂતાવાસના પ્રવકતા લિપુ પેંગયુએ કહ્યું હતું કે અમેરિકા એક તરફ શાંતિની વાત કરે છે તો બીજી તરફ નૌસેના વધારતું જાય છે. આ વિચિત્ર પરિસ્થિતિ છે, અયોગ્ય છે.