ચીનને ઠેકાણે પાડવામાં મોદી નિષ્ફળ દિલ્હી જેટલો વિસ્તાર પચાવી પાડયો

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
ચીનને ઠેકાણે પાડવામાં મોદી નિષ્ફળ દિલ્હી જેટલો વિસ્તાર પચાવી પાડયો 1 - image


- અમેરિકાની પ્રતિષ્ઠિત નેશનલ પ્રેસ ક્લબ રાહુલની પ્રેસ કોન્ફરન્સ

- પાકિસ્તાન ભારતમાં આતંક ફેલાવે તે નહીં ચલાવીએ આ મુદ્દે અમે કેન્દ્ર સરકારની સાથે છીએ : વિપક્ષ નેતા

વોશિંગ્ટન : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચીન મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. અમેરિકાના વોશિંગ્ટનમાં પ્રતિષ્ઠિત નેશનલ પ્રેસ ક્લબમાં પ્રેસ કોન્ફરંસ દરમિયાન રાહુલે કહ્યું હતું કે પાડોશી દેશ ચીનના સૈન્ય દ્વારા ભારતની ૪૦૦૦ સ્ક્વેર કિમી જમીન પચાવી પાડવી એક મોટુ ડિઝાસ્ટર છે. મોદી ચીનને ઠેકાણે પાડવામાં નિષ્ફળ રહ્યા છે. જોકે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતની વિદેશી નીતિ, અમેરિકા સાથેના સંબંધો, પાકિસ્તાન સાથે વાતચીત અટકાવવા સહિતના મુદ્દે કોંગ્રેસ કેન્દ્ર સરકારની સાથે છે.

ચીન અંગેના એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લદ્દાખમાં ચીને દિલ્હી જેવડો વિસ્તાર પચાવી પાડયો છે. મારી દ્રષ્ટીએ આ એક મોટુ ડિઝાસ્ટર છે જેના વિશે લખવાનું મીડિયાને પસંદ નથી. જો અમેરિકાની ચાર હજાર સ્ક્વેર કિમી જમીન કોઇ પચાવી પાડે તો તેનો કેવી રીતે જવાબ આપે? પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે તેવુ કહીને કોઇ પણ રાષ્ટ્રપતિ છટકી શકશે? મને નથી લાગતુ કે મોદીએ ચીનને સારી રીતે હેન્ડલ કર્યું છે. આ દરમિયાન રાહુલે પાકિસ્તાનને પણ આડેહાથ લીધુ હતું, તેમણે કહ્યું હતું કે અમારા દેશ ભારતમાં પાકિસ્તાન આતંકવાદ ફેલાવે તેને ક્યારેય નહીં ચલાવી લેવાય. 

અમેરિકાના ચાર દિવસના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે વિવાદ છે તો તેમણે જવાબમાં કહ્યું હતું કે ના એવુ કઇ નથી. હું નથી ઇચ્છતો કે અમેરિકા ભારતના કોઇ પણ આંતરીક મામલામાં દખલ આપે, અમારા આંતરીક મામલાનો નિર્ણય દેશના નાગરિકો લેશે. રાહુલ ગાંધીએ ગયા વર્ષે સાત ઓક્ટોબરના હમાસ દ્વારા ઇઝરાયેલ પર થયેલા હુમલાની ટિકા કરી હતી. સાથે જ તેમણે ઇઝરાયેલ દ્વારા ગાઝામાં કરાયેલા હુમલાઓની પણ ટિકા કરી હતી. 

રાહુલે કહ્યું હતું કે હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરાયો તે ખોટુ છે. સાથે જ ઇઝરાયેલ નિર્દોશ નાગરિકો પર, મહિલાઓ બાળકો પર હુમલો કરી તેની હત્યા કરી રહ્યું છે તેને પણ અટકાવવું જરૂરી છે. હું કોઇ પણ પ્રકારની હિંસાનું સમર્થન નથી કરતો. બાંગ્લાદેશ અંગે વાત કરતા રાહુલે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં કટ્ટરવાદ વધ્યો છે તેને લઇને ભારત ચિંતિત છે. જોકે મને લાગી રહ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય થઇ જશે. ભારતની લોકશાહીના વખાણ કરતા રાહુલે કહ્યું હતું કે ભારતમાં લોકશાહીને લઇને જે પણ વિવાદો છે તે અમારા અંગત છે, તેને અન્ય કોઇ પણ દેશ સાથે કઇ લેવાદેવા નથી. અમે લોકશાહીને બચાવવા માટે તમામ પ્રયાસો કરીશું.

હું અનામત વિરોધી નથી : રાહુલની સ્પષ્ટતા

વોશિંગ્ટન : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદનને લઇને વિવાદ સામે આવ્યો હતો. જે બાદ રાહુલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે હું અનામત વિરોધી નથી. મારા નિવેદનને ખોટી રીતે રજુ કરાઇ રહ્યું છે. કોંગ્રેસ અનામતની મર્યાદા ૫૦ ટકાથી વધારશે. હું ક્યારેય પણ અનામત વિરોધી નથી રહ્યો, મારા નિવેદનને ખોટી રીતે રજુ કરાયું કે હું અનામત વિરોધી છું. અમે તો ઇચ્છીએ છીએ કે અનામતની મર્યાદા ૫૦ ટકાથી વધારવામાં આવે.


Google NewsGoogle News