સબસિડી, ટેક્સમાં રાહત... વધુ બાળકો પેદા કરવા ચીનની સરકારે આપી લોકોને લોભામણી ઓફર્સ
China New Policy For Child Birth: એક સમયે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે રહેનારા ચીનને તેનો બીજો ક્રમ પસંદ આવી રહ્યો નથી. તેણે આ મામલે પણ વિશ્વમાં પ્રથમ હોવાની હોડમાં એક વિચિત્ર નીતિ જાહેર કરી છે.
ચીનમાં સતત ઘટી રહેલા જન્મ દરને ધ્યાનમાં લેતાં ત્યાંની સરકારે વધુ બાળકોને જન્મ આપવા બદલ સબસિડીનો લાભ અને પરિવારજનોને ટેક્સમાં છૂટ જેવી લોભામણી નીતિઓ જાહેર કરી છે. આ લોભામણી નીતિઓથી વધુને વધુ લોકોને બાળકોને જન્મ આપવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
બાળકના જન્મ પર 13થી વધુ પ્રોત્સાહનો
ચીનના સ્ટેટ કાઉન્સિલે આ સંદર્ભે દિશાનિર્દેશ જારી કર્યા છે. જેમાં બાળકોનો જન્મદર વધારવા પર ફોકસ કરવામાં આવ્યું છે. પ્રસવ સહાયતા સેવાઓને પ્રોત્સાહન, ચાઈલ્ડ કેર સિસ્ટમનું વિસ્તરણ, શિક્ષણ, આવાસ અને રોજગાર સહિત 13થી વધુ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. વધુને વધુ બાળકોને જન્મ આપવા માટે અનુકૂળ સામાજિક માહોલ તૈયાર કરવા પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. અવનવી નીતિઓથી ચીન વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ફરી પાછો પ્રથમ ક્રમ મેળવવા માગે છે.
રાજ્ય પરિષદે લગ્ન અને સંતાનપ્રાપ્તિની નવી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે યોગ્ય ઉંમરે લગ્નનું મહત્વ અને માતા-પિતા દ્વારા બાળકોની સંયુક્ત સંભાળ સમજાવવી જોઈએ. તેમાં બહેતર મેટરનિટી ઈન્સ્યોરન્સ, મેટરનિટી રજાઓ, સબસિડી અને બાળકો માટે તબીબી સુવિધાઓ સમાવિષ્ટ છે.
આ પણ વાંચોઃ ICAI ની ઇન્ટરમિડીયેટ પરીક્ષામાં છોકરીઓએ બાજી મારી, ફાઉન્ડેશનનું 16 ટકા રિઝલ્ટ
1.45 અબજ સાથે ભારત ટોચ પર
કાઉન્સિલે સ્થાનિક સરકારોને બાળ સંભાળ કેન્દ્રો માટે બજેટ ફાળવવા અને આવી સેવાઓ માટે ટેક્સ અને ફીમાં છૂટ આપવાની ભલામણ કરી છે. ચીનની વસ્તી 1.4 અબજ છે. ગયા વર્ષે ત્યાં જન્મ દર રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો. ભારત 1.45 અબજની વસ્તી સાથે ચીનને પાછળ પાડી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે.
ચીનમાં વૃદ્ધોની સંખ્યા વધી
ભારતની વસ્તીમાં યુવાનોની સંખ્યા વધુ છે. જ્યારે ચીનમાં વસ્તીનો મોટાભાગનો હિસ્સો વૃદ્ધોનો છે. ચીનમાં લાંબુ આયુષ્ય અને ઘટી રહેલા જન્મદરના કારણે વૃદ્ધોની સંખ્યા યુવાનો પર વધુ છે. જે ચીન માટે ચિંતાનો વિષય છે. ચીનમાં ગતવર્ષે 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોની સંખ્યા 30 કરોડે પહોંચી હતી. જે તેના કુલ વસ્તીના 21.1 ટકા હિસ્સો છે.