ચીનની વધુ એક કરામત! દરિયામાં ઊભો કર્યો કૃત્રિમ દ્વિપ, બનાવશે વિશ્વનું સૌથી મોટું હવાઈ મથક
China Developing World’s Biggest Airport: પાડોશી દેશ ચીને એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વધુ એક નવો આવિષ્કાર કર્યો છે. તેણે પૂર્વોત્તર તટ પર લિઓનિંગ પ્રાંતના એક વ્યસ્ત પૉર્ટ ધરાવતા શહેર ડાલિયાનને વધુ સારી પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા દરિયામાં જ મોટો કૃત્રિમ દ્વિપ બનાવી દીધો છે.
ચીન વિશ્વમાં નવી ઉપલબ્ધિ મેળવશે
આ દ્વિપ પર હવાઈ મથક બનાવવાની યોજના પર કામગીરી ચાલી રહી છે. આ કૃત્રિમ દ્વિપ પર વિશ્વનું સૌથી મોટું હવાઈ મથક બનાવી વિશ્વમાં ચીન નવી ઉપલબ્ધિ પોતાના નામ કરશે. ચીનના મીડિયા રિપોર્ટ અનુસાર, કૃત્રિમ દ્વિપ પર નિર્માણધિન ડાલિયાન જિનઝોઉ બે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક 20.9 વર્ગ કિમી(7.7 વર્ગ માઇલ)માં વિસ્તરેલું છે. જેમાં ચાર રનવે અને 900000 વર્ગમીટર(969000 વર્ગફૂટ)માં પેસેન્જર ટર્મિનલ રહેશે. જે 2035 સુધી શરુ થશે.
5.40 લાખ ફ્લાઇટનું સંચાલન થશે
આ હવાઈ મથકથી પ્રતિ વર્ષ 5.40 લાખ ફ્લાઇટ ઉડાન-ઉતરાણ કરશે. અહીં આશરે 8 કરોડ પેસેન્જર હવાઈ મુસાફરી કરી શકશે. કૃત્રિમ દ્વિપ પર આ ઍરપૉર્ટ બન્યા બાદ તે વિશ્વનું ટોચનું હવાઈ મથક બનશે. જે કૃત્રિમ દ્વિપ પર સ્થિત હોંગકોંગનું આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ અને જાપાનના કંસાઈ ઍરપૉર્ટને પાછળ પાડશે. હોંગકોંગ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ 12.48 વર્ગ કિમી અને કંસાઈ ઍરપૉર્ટ 10.5 વર્ગ કિમીમાં વિસ્તરેલું છે.
ડાલિયાન પૉર્ટ પર આ આકર્ષણો
ડાલિયાન પૉર્ટ ઓઇલ રિફાઈનરી, શિપિંગ, અને પર્યટન માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ નવું હવાઈ મથક ચીનના પાડોશી જાપાન અને દક્ષિણ કોરિયાની નજીક બનશે. જેથી જાપાનની ચિંતા વધી છે કારણકે, ભવિષ્યમાં ચીન દ્વારા હવાઈ પરિવહન ક્ષેત્રે વર્ચસ્વ વધશે. વધુમાં ચીન દરિયા વિવાદિત જળક્ષેત્રમાં પોતાની સેના અને મથકો બનાવવામાં માહિર છે.