ભારતનું ટેન્શન વધ્યું, ચીને સૌથી મોટું રોકાણ કરતાં શ્રીલંકાનું હંબનટોટા પોર્ટ 99 વર્ષની લીઝ પર મેળવ્યું
China: ચીને નાણાંકીય પુનર્ગઠન યોજનાના બદલામાં હિન્દ મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ હંબનટોટા બંદર 99 વર્ષના લીઝ પર મેળવવામાં સફળતા મેળવી છે. ચીને એક આર્થિક ક્ષેત્ર બનાવવા માટે શ્રીલંકા પાસેથી લાંબા ગાળાની લીઝ મેળવી લીધી છે. જોકે, આ સમાચાર ભારતની ચિંતા વધારનારા છે. ચીને શ્રીલંકામાં અત્યાધુનિક તેલ રિફાઇનરી બનાવવા માટે 3.7 બિલિયન ડોલરનું રોકાણ કરવાની ઓફર કરી છે. આ ટાપુ રાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી મોટું વિદેશી રોકાણ છે. નોંધનીય છે કે, શ્રીલંકાના રાષ્ટ્ર પ્રમુખ દિસાનાયકે જ્યારે વિરોધ પક્ષમાં હતા ત્યારે તેઓએ હંબનટોટા બંદર માટે લાંબા ગાળાના લીઝના કરારની ટીકા કરી હતી.
ભારતે વાંધો ઉઠાવ્યો
આ રિફાઇનરીની ક્ષમતા 2 લાખ બેરલ હશે. જોકે, હજુ કોઈ નિવેદન સામે નથી આવ્યું કે, શ્રીલંકા ચીનના કથિત જાસુસી જહાજને હંબનટોટા બંદર પર ડોક કરવાની મંજૂરી આપશે કે નહીં? શ્રીલંકાના બંદરોની મુલાકાત લેવા માટે આ જહાજો પરનો એક વર્ષનો પ્રતિબંધ ગત મહિને સમાપ્ત થઈ ગયો હતો અને તેની સ્થિતિ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભારત સતત આ અંગે પોતાનો વાંધો વ્યક્ત કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ ચીને સ્પેશ્યલ-પર્પઝ-બાર્જીઝ બનાવ્યા : તે દ્વારા તે તાઈવાન ઉપર સૈનિકો ઉતારી શકે તેમ છે
શ્રીલંકાના રાષ્ટ્ર પ્રમુખ અનુરા કુમાર દિસાનાયકે ચીનના રાજકીય પ્રવાસ પર છે. દિસાનાયકે ગુરુવારે ચીનના વડાપ્રધાન લી કિયાંગ અને નેશનલ પીપલ્સ કોંગ્રેસના સ્થાયી સમિતિના અધ્યક્ષ ઝાઓ લેજીની મુલાકાત કરી હતી, જ્યાં તેઓએ ચીની કંપનીઓને વધુ રોકાણ કરવાની વાત કહી. એક દિવસ પહેલાં દિસાનાયકે શી જિનપિંગ સાથે પણ વાતચીત કરી હતી, ત્યારબાદ બંને પક્ષોએ 15 કરાર પર સહી કરી હતી.
ભારતીય કંપનીઓ પર અસર?
ચીન દ્વારા મુખ્ય કાચા માલ અને મશીનરીની નિકાસ પરના પ્રતિબંધોને કારણે ઇલેક્ટ્રોનિક્સ, સોલાર અને ઇલેક્ટ્રિક વાહન (EV) ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ વિલંબ અને વિક્ષેપોનો સામનો કરી રહી છે. આર્થિક સંશોધન સંસ્થા GTRI (ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ) એ જણાવ્યું હતું કે, આ પ્રતિબંધો ભારત દ્વારા ચીની રોકાણ અને વિઝા પર લાદવામાં આવેલા પ્રતિબંધોની જવાબી કાર્યવાહી હોય શકે છે.
ભારત સંબંધિત પ્રતિબંધ જલ્દી દૂર થશે?
GTRIના સંસ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, 'આ વધતા ભૂ-રાજકીય તણાવ અને વેપાર યુદ્ધનો પણ સંકેત મળી રહ્યો છે. અમને આશા છે કે, ભારત સંબંધિત પ્રતિબંધો ટૂંક સમયમાં હટાવવામાં આવશે, કારણ કે તેનાથી ચીનને પણ નુકસાન થશે. આ ભારતના ઇલેક્ટ્રોનિક્સ, સૌર અને ઈવી ક્ષેત્રોને અસર કરે છે, પરંતુ તે ચીનના પોતાના ઉત્પાદન અને નિકાસ માટે પણ હાનિકારક છે. ભારત વિશેષ રૂપે ચીનના નિકાસ પ્રતિબંધો પ્રતિ સંવેદનશીલ છે. કારણ કે, ઘણાં ઉદ્યોગ ચીની મશીનરી, મધ્યવર્તી વસ્તુઓ અને ઘટકો પર નિર્ભર છે.'
ચીનથી ભારતની આયાત 101.73 બિલિયન ડોલર
ચીનથી ભારતની આયાત 2022-23માં 98.5 બિલિયન ડોલર હતી, જે 2023-24માં વધીને 101.73 બિલિયન ડોલર થઈ ગઈ છે. સરકારે 2020માં ભારતની સાથે જમીન સરહદો ધરાવતા દેશો માટે કોઈપણ વિસ્તારમાં રોકાણ કરવા માટે તેની મંજૂરી લેવી ફરજિયાત કરી દીધી હતી.