તોપ ગોળાઓનો વરસાદ, લદ્દાખ બોર્ડર નજીક ચીનની સેનાની તોપો-ટેન્કોની લશ્કરી કવાયત
image : Twitter
બિજિંગ,તા.27 માર્ચ 2024,બુધવાર
ચીને ભારત અને લદ્દાખ બોર્ડર નજીક 5200 મીટરની ઉંચાઈ પર આવેલા કારાકોરમ વિસ્તારમાં મોટો સૈન્ય અભ્યાસ કરીને પોતાની સૈન્ય ક્ષમતાનુ પ્રદર્શન કર્યુ છે.
આ કવાયતમાં ચીનની સેનાએ લાંબા અંતરની તોપો તેમજ બખ્તરિયા વાહનોને સામેલ કર્યા હતા. ચીનના સરકારી અખબારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ યુધ્ધાભ્યાસનો એક વિડિયો પણ રિલિઝ કર્યો છે.
અખબારે કહ્યુ હતુ કે, આ એક લાઈવ ફાયર ડ્રિલ હતી અને તેમાં ઉંચાઈવાળા વિસ્તારોમાં ચીનની સેનાની યુધ્ધની તૈયારીઓને તેમજ બખ્તરિયા વાહનોના સમારકામની ક્ષમતાની પણ ચકાસણી કરવામાં આવી હતી. સાથે સાથે કોમ્યુનિકેશન નેટવર્ક, રડાર નેટવર્ક અને મોરચાબંધીનો કયાસ પણ કાઢવામાં આવ્યો હતો.
અખબારે પોસ્ટ કરેલા વિડિયોમાં ચીનની સેનાની ટેન્કોને પસાર થતી, તોપોને નિશાન લેવા માટે તૈનાત કરવામાં આવતી અને એ બાદ ફાયરિંગ કરતી જોઈ શકાય છે. લાઈવ ડ્રિલ હોવાના કારણે ચીનની ટેન્કો તેમજ તોપોએ ગોળાઓનો વરસાદ કર્યો હતો.
ચીને આ યુધ્ધાભ્યાસ એવા સમયે કર્યો છે જ્યારે અરુણાચલ પ્રદેશને લઈને ચીન અને ભારત વચ્ચે ફરી એક વખત નિવેદનબાજી શરુ થઈ છે. ચીન અરુણાચલ પ્રદેશ પોતાનુ અભિન્ન અંગ હોવાનો હાસ્યાસ્પદ દાવો કરી રહ્યુ છે. ભારતે તેના દાવાને બોગસ જણાવીને ફગાવી દીધો છે.
ભારતે ચીનના દબાણમાં નહીં આવવાની નીતિ અપનાવીને લદ્દાખ મોરચા પર વધુ 10000 જવાનોની તૈનાતી તાજેતરમાં કરી છે અને તેના કારણે ચીન વધારે છંછેડાયુ છે. જોકે ભારતીય સેના પણ સમયાંતરે આ જ પ્રકારની લશ્કરી કવાયત હાથ ધરીને પોતાની તૈયારીઓને ચકાસતી રહે છે.