બલુચીસ્તાન સામે ચીન ઘૂંટણીએ પડી ગયું કેટલીએ ચીની કંપનીઓ પાક છોડી દેવા લાગી
- ચીન-પાક આર્થિક કોરિડોર નીચે કામ કરી ચીનાઓ માર્યા ગયા છે છેલ્લે ખૈબર-પખ્તુનવામાં 5 ઈજનેરોનાં મોતે ચીનનો વિચાર ફેરવી નાખ્યો
ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં કામ કરતી ચીની કંપનીઓ હવે બલુચીસ્તાનથી ડરી ગઈ છે. આ સાથે ચીનની કંપનીઓએ પાકિસ્તાન છોડવાનું એલાન કર્યું છે. ચીની એન્જિનિયરો, અને કારીગરો ઉપર એટલા બધા હુમલા થાય છે કે, તેઓમાં હવે પાકિસ્તાનમાં રહેવાની હિમ્મત જ નથી રહી. તેમણે ઉચાળા ભરવા શરૂ કરી દીધા છે.
'ડોન' વર્તમાન પત્રમાં રવિવારે પ્રકાશિત થયેલાં લેખમાં મુહમ્મદ આમીર રાણાએ લખ્યું છે કે, ચીની ઈજનેરોનાં વાહન પર થયેલા આતંકી હુમલાને લીધે ચીને ઓછામાં ઓછી ૩ મહત્વની જલ વિદ્યુત પરિયોજનાઓ (૧) ડાસુ બંધ (૨) ડાયમર-બાશા બંધ અને (૩) તરબેવા એક્સટેન્શન ઉપર કામ રોકી દીધું છે.
રાણાએ વધુમાં લખ્યું છે કે, આ હુમલાથી ભારે ચિંતા ફેલાઈ રહી છે. આ હુમલાને લીધે અહીં કામ કરનારા ચીનાઓનો વિશ્વાસ ઉઠી ગયો છે. તેથી આત્મ સલામતી માટે તેઓ પાકિસ્તાન છોડવા તત્પર બન્યા છે.
વાસ્તવમાં 'ચાયના-પાકિસ્તાન-ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)' સમજૂતી નીચે હજારો ચીની કામદારો અને કોઠીબંધ ચીની ઈજનેરો પાકિસ્તાનમાં કાર્યરત છે, પરંતુ તેઓ હવે ઉચાળા ભરી સ્વદેશ પરત જવા તત્પર બન્યા છે.
રાણાએ વધુમાં લખ્યું છે કે, પાકિસ્તાનનું ઉગ્રવાદી ચિત્ર ભલે જટિલ ન હોય પરંતુ વ્યાપક અને વિવિધ તો જરૂર છે. જેમાં વિચાર ધારાઓ, સામાજિક-રાજકીય-કારણો અને સમુહોની ગતિશીલતા, સ્થાનિક સંદર્ભમાં જ કામ કરે છે. (ગતિશીલતા જ થંભી ગઈ છે).