'હવે આ માત્ર આંકડાઓનો ખેલ, અમને કોઈ ફરક પડતો નથી...'ટ્રમ્પના 245 ટકા ટેરિફ પર ચીનનો કટાક્ષ
US-China Trade War: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર લાદવામાં આવેલા 245 ટકા ટેરિફનો ચીને સણસણતો જવાબ આપ્યો છે. ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણય પર કટાક્ષ કરતાં ચીને કહ્યું કે, હવે અમે ટેરિફ પર ધ્યાન કેન્દ્રિત કરીશું નહીં. ચીનની આયાત પર લાદવામાં આવેલો ટ્રમ્પનો ટેરિફ હવે તર્કસંગત નથી અને હવે તેનાથી બહુ ફરક પડતો નથી. ચીન આ ટ્રેડવૉરમાં સામેલ થવા માગતું નથી.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટેરિફ મામલે ચીનનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે, અમેરિકા દ્વારા તેના પર લાદવામાં આવેલા ટેરિફ હવે ફક્ત આંકડાઓનો ખેલ બની ગયો છે. આ ટેરિફનો કોઈ આર્થિક પ્રભાવ પડશે નહીં. બીજી તરફ, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકા ટેરિફનો ઉપયોગ બીજાઓને ડરાવવા-ધમકાવવા માટે હથિયાર તરીકે કેવી રીતે કરે છે.
અમેરિકા પોતાનો અંતિમ આંકડો જણાવે
ચીનના પ્રવક્તાએ કહ્યું, 'જો અમેરિકા ટેરિફ સાથે આંકડાઓનો ખેલ રમવાનું ચાલુ રાખશે, તો ચીન તેને અવગણશે. કારણ કે તેનાથી બહુ ફરક પડશે નહીં. હા, પરંતુ જો અમેરિકા ચીનના અધિકારો અને હિતોને વાસ્તવિક નુકસાન પહોંચાડવાનું ચાલુ રાખશે, તો ચીન તેનો સંપૂર્ણ બળથી પ્રતિકાર કરશે અને અંત સુધી પોતાના શબ્દ પર વળગી રહેશે. અમેરિકા અંતિમ આંકડો જણાવે.'
આ પણ વાંચોઃ ડ્રેગન પર વિફર્યા ટ્રમ્પ: ચીન પર ટેરિફ વધારીને 245 ટકા કરાયો, હવે શું કરશે જિનપિંગ?
ગઈકાલે અમેરિકાએ ચીનની વેપાર નીતિ તર્કસંગત ન હોવાનું જણાવી તેના પર 245 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તે પહેલાં અમેરિકાએ 145 ટકા ટેરિફ લાદતાં ચીને સામે વળતો પ્રહાર કરતાં તેના પર 125 ટકા ટેરિફ લાદ્યો હતો.
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉર
ચીન અને અમેરિકાનો ટ્રેડવૉર 2 એપ્રિલથી શરુ થઈ છે. બીજી એપ્રિલે અમેરિકાએ ચીન પર 34 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જેના જવાબમાં ચીને પણ 34 ટકા ટેરિફ લાદ્યો હતો. ચીનના વળતા પ્રહારને ધ્યાનમાં લેતાં અમેરિકાએ ટેરિફ વધારી 104 ટકા કર્યો હતો. તો સામે ચીને પણ ટેરિફ 50 ટકા ટેરિફ વધારી 84 ટકા કર્યો હતો. બાદમાં અમેરિકાએ 145 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. સામે ચીને પણ 125 ટકા ટેરિફ લાદ્યો હતો. અમેરિકાએ આટલેથી ન અટકતાં ગઈકાલે ચીન પર 100 ટકા ટેરિફ વધાર્યો હતો. હવે અમેરિકા ચીનની આયાત પર 245 ટકા ટેરિફ વસૂલશે.