ચીન ઝડપથી પરમાણુ હથિયારો વધારી રહ્યું છે, ભારત માટે જોખમ
- એટમિક હથિયારોથી સજ્જ 9 દેશોમાં ચીન ઝડપથી આગળ વધી રહ્યું છે
- ચીને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઈલો રાખવા માટે ત્રણ નવા ગોદામ સાઈલો બનાવ્યા, ન્યુક્લિયર વોરહેડ પણ બનાવી રહ્યું છે
- ચીનની નેવી અને એરફોર્સ પણ પરમાણુ હથિયારોથી સજ્જ, 2030 સુધીમાં ન્યુક્લિયર હથિયારોનો જથ્થો 1,000 કરી શકે
વોશિંગ્ટન : ચીને ગુપ્ત રીતે છેલ્લા પાંચ વર્ષમાં તેના પરમાણુ હથિયારો વધાર્યા છે. પીપલ્સ લિબરેશન આર્મી રોકેટ ફોર્સે પરમાણુ હથિયારો અને તેના અલગ અલગ પ્રકાર ઊભા કર્યા છે. ગયા મહિને પરમાણુ વૈજ્ઞાાનિકોએ આ અંગે ન્યુક્લિયર નોટબૂકમાં વિગતવાર બુલેટિન પ્રકાશિત કર્યું હતું. આ પ્રકરણનું નામ છે ચાઈનીઝ ન્યુક્લિયર વેપન્સ ૨૦૨૪, જે હાન્સ ક્રિસ્ટેસ્ન, મેટ કોર્ડા, ઈલિયાના જોન્સ, મેકેન્ઝી નાઈટે લખ્યું છે.
પરમાણુ હથિયાર નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ચીન સતત તેના એટોમિક હથિયારોનો જથ્થો વધારી રહ્યું છે. દુનિયાના ૯ સૌથી શક્તિશાળી પરમાણુ હથિયાર સજ્જ દેશોમાં ચીન સૌથી ઝડપથી તેના એટોમિક હથિયાર વધારી રહ્યું છે. ચીને તાજેતરમાં જ સોલિડ ફ્યુઅલ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલો (આઈસીબીએમ) માટે ત્રણ સાઈલો બનાવ્યા છે. સાઈલો જમીનની અંદર ટયુબ જેવા એક પ્રકારના ગોદામ હોય છે, જેમાં હથિયારોથી સજ્જ મિસાઈલો રખાય છે. ચીને લિક્વિડ ફ્યુઅલથી ચાલતી ડીએફ-૧૫ આઈસીબીએમ માટે નવા સાઈલો બનાવ્યા છે.
વધુમાં ચીન આઈસીબીએમ માટે નવા વેરિઅન્ટ્સ બનાવી રહ્યું છે. એડવાન્સ્ડ સ્ટ્રેટેજિક ડિલિવરી સિસ્ટમ બનાવી રહ્યું છે. સાથે જ ચીન આ મિસાઈલો ઉપર લગાવવા માટે ન્યુક્લિયર વોરહેડ પણ બનાવી રહ્યું છે. તેની સંખ્યા ઝડપથી વધારી રહ્યું છે. આ સિવાય ચીને ઈન્ટરમીડિએટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ ડયુઅલ કેપેબલ ડીએફ-૨૬ મિસાઈલ પ્રોગ્રામને પણ આગળ વધાર્યો છે. આ મિસાઈલનો ઉપયોગ મીડિયમ રેન્જવાળી ડીએફ-૨૧ પરમાણુ મિસાઈલોની જગ્યાએ કરાશે.
ચીન પાસે જમીન પર ચાલતા ટ્રક લોન્ચર અને સાઈલો લોન્ચર ઉપરાંત નૌકાદળ પાસે પણ પરમાણુ મિસાઈલો છે. પીએલએ નેવીની સબમરીનોમાં સબમરીન લોન્ચ્ડ બેલિસ્ટિક મિસાઈલ જેએલ-૩ છે. આ સિવાય ટાઈપ-૦૯૪ જેવા છ ન્યુક્લિયર પાવર્ડ બેલિસ્ટિક મિસાઈલ સબમરીન છે. ચીનની એરફોર્સ પાસે એચ-૫ બોમ્બવર્ષક છે. તે કોઈપણ સમયે પરમાણુ મિશન પર મોકલવા માટે તૈયાર રહે છે. આ સિવાય હવામાંથી લોન્ચ થતી બેલિસ્ટિક મિસાઈલો પણ તૈયાર છે. આ મિસાઈલો ચીને એચ-૨૦ બોમ્બવર્ષકોમાં લગાવ્યા છે. આ બોમ્બવર્ષકોને ટૂંક સમયમાં જ તૈનાત કરાશે.
ચીનના મિલિટ્રી પ્રવક્તાએ આ સમાચારની ન તો પુષ્ટી કરી છે કે તેને નકારી પણ કાઢ્યા નથી. માનવામાં આવે છે કે ચીન પાસે ૫૦૦ પરમાણુ હથિયાર છે. આ ગણતરી પેન્ટાગોનની દૃષ્ટિએ છે. અમેરિકન સંરક્ષણ મંત્રાલયનું માનવું છે કે ચીન વર્ષ ૨૦૩૦ સુધીમાં પરમાણુ હથિયારોનો જથ્થો વધારીને ૧,૦૦૦ અને ૨૦૩૫ સુધીમાં વધારીને ૧૫૦૦ કરી શકે છે.