ચીન પૃથ્વીમાં 'એવરેસ્ટ'ની ઊંચાઈ કરતાં વધુ ઊંડું કાણું પાડી રહ્યું છે
- આકાશ, જમીન, દરિયા પછી હવે પૃથ્વીના પેટાળમાં ચીનની ઘૂસણખોરી!
- ક્રૂડ ઓઈલથી સમૃદ્ધ શિનજિયાંગના રણમાં તરિમ બેઝિનમાં ચીને 32,000 ફૂટ ઊંડા બોરહોલનું નિર્માણ શરૂ કર્યું
બેઈજિંગ : કૃત્રિમ સૂર્ય અને ચંદ્ર બનાવ્યા પછી હવે ચીને પૃથ્વીના પેટાળમાં ઘૂસણખોરી કરવાનું શરૂ કર્યું છે. ચીનના વૈજ્ઞાનિકો દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં પણ વધુ ઊંડું પૃથ્વીના પડમાં કાણું પાડી રહ્યા છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ૨૯,૦૩૨ ફૂટ છે જ્યારે ક્રૂડ ઓઈલથી સમૃદ્ધ શિનજિયાંગમાં ચીનના વૈજ્ઞાનિકો ૩૨,૦૦૦ ફૂટ ઊંડું કાણું પાડી રહ્યા છે. અહેવાલો મુજબ પાતળી શાફ્ટ ૧૦થી વધુ મહાદ્વિપ અથવા ખડકોના પડ છેદીને પૃથ્વીની ક્રસ્ટમાં ક્રેટેસિયસ સિસ્ટમ સુધી પહોંચશે.
ચીનના મીડિયા અહેવાલો મુજબ વૈજ્ઞાનિકો જે અર્થ ક્રસ્ટ સુધી કાણું પાડી રહ્યા છે તે અર્થ ક્રસ્ટમાં મળનારા ખડકોની વય લગભગ ૧૪.૫૦ કરોડ વર્ષ છે. આ ખડકોની વયની ગણના રોક ડેટિંગની મદદથી કરાઈ છે. પૃથ્વી સુધી અત્યાર સુધીનું સૌથી ઊંડું માનવ નિર્મિત કાણું રશિયન કોલ સુપરડીપ બોરહોલ છે. તેની ઊંડાઈ ૧૨,૨૬૨ મીટર એટલે કે ૪૦,૨૩૦ ફૂટ છે. રશિયાએ નોર્વેની સરહદ નજીક પેચેન્ગસ્કી જિલ્લામાં કોલા પેનિનસુલા પર મે ૧૯૭૦માં ડ્રિલિંગ શરૂ કર્યાના ૨૦ વર્ષના પછી ૧૯૮૯માં ૪૦,૨૩૦ ફૂટ ઊંડો બોરહોલ કર્યો હતો.
રિપોર્ટ મુજબ ચીનના વૈજ્ઞાનિકોએ ચીનના સૌથી મોટા રણ તકલીમાન રણના અંતરિયાળ વિસ્તારમાં મંગળવારથી પૃથ્વીમાં કાણું પાડવાનું શરૂ કર્યું છે, જે પૃથ્વી પર રશિયા પછી બીજું સૌથી ઊંડું કાણું હશે.ઉત્તર-પશ્ચિમ ચીનમાં આવેલા શિનજિઆંગ પ્રાંતમાં તરિમ બેઝીન ક્રૂડ ઓઈલથી સમૃદ્ધ હોવાનું મનાય છે. ચીન આ કાણાંની મદદથી પૃથ્વીની સપાટીની ઉપર અને અંદરની નવી મર્યાદાઓની શોધ કરી રહ્યું છે. મંગળવારે સવારે જ ચીને પહેલી વખત ગોબી રણમાંથી તેના નાગરિકને અવકાશમાં મોકલ્યા છે. ચીની અવકાશયાત્રીને ગોબી મરુસ્થળથી અવકાશમાં મોકલ્યા છે.
પૃથ્વીના પેટાળમાં કાણું પાડવામાં ઊભી થનારી સમસ્યાઓ અંગે ટીપ્પણી કરતા ચીનની એકેડમી ઓફ એન્જિનિયરિંગના વૈજ્ઞાનિક સન જિનશેંગે કહ્યું કે ડ્રિલિંગ પ્રોજેક્ટમાં આવનારી સમસ્યાઓની સરખામણી બે પાતળા સ્ટીલના કેબલ પર ચાલતા મોટા ટ્રક સાથે કરી શકાય છે. આ પ્રોજેક્ટ સાથે તાજેતરમાં જ સંકળાયેલા ટેકનિકલ નિષ્ણાત વાંગ ચુનશેંગે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ પૃથ્વી અંગે માણસની સમજને વધુ વિસ્તારશે. જોકે, ચીનના પ્રમુખ શી જિનપિંગ ઘણા સમય પહેલાં જ આ પ્રોજેક્ટ અંગે આશ્વસ્ત હતા. તેમણે વર્ષ ૨૦૨૧માં દેશના અગ્રણી વૈજ્ઞાનિકોને સંબોધન કરતા પૃથ્વીની શોધમાં વધુ ગતિ લાવવા જણાવ્યું હતું.
ચીનના પ્રમુખ જિનપિંગે કહ્યું હતું કે, આ પ્રકારના પ્રોજેક્ટ ખનીજ અને ઊર્જા સંશાધનોને શોધવામાં મદદ કરી શકે છે. આ સિવાય ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી પર્યાવરણીય આપત્તીઓના જોખમોનું આકલન કરવામાં પણ મદદ મળી શકે છે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહેલા ચાઈના નેશનલ પેટ્રોલિયમ કોર્પ મુજબ આ પ્રોજેક્ટ પૃથ્વીની આંતરિક સંરચના પર ડેટા પૂરો પાડશે. સાથે જ ભૂમિગત ડ્રિલિંગ ટેકનિકોનું પરીક્ષણ પણ કરશે. આ પ્રોજેક્ટના ડ્રિલિંગમાં ૪૫૭ દિવસનો સમય લાગવાની સંભાવના છે.
પૃથ્વીની આંતરિક સંરચનાને ત્રણ ભાગમાં વિભાજિત કરાઈ છે. પૃથ્વીની અંદરના ત્રણ ભાગ - ઉપરી સપાટી અથવા ભૂ-પર્પટી (ક્રસ્ટ), કેન્દ્રીય ભાગ (કોર) અને આવરણ (મેન્ટલ) છે. પૃથ્વીના ઉપરી ભાગને ભૂ-પર્પટી કહેવાય છે. આ ભાગની જાડાઈ લગભગ ૩થી ૪૦ કિ.મી. સુધી મનાય છે. તે મુખ્યત્વે બેસાલ્ટ અને ગ્રેનાઈટથી બનેલો છે.