તિબેટીયન નાગરિકોના મોનિટરીંગ માટે મોટા પાયે DNA ટેસ્ટ કરી રહ્યું છે ચીન
- ડીએનએ સંગ્રહ અભિયાનનું અંતિમ લક્ષ્ય તિબેટીયનોને વ્યસ્ત રાખવાનું છે જેથી તેઓ પણ લાખો ચીનીઓની સાથે-સાથે કોમ્યુનિસ્ટ સરકાર સામે એકજૂથ ન થઈ શકે
લ્હાસા, તા. 18 સપ્ટેમ્બર 2022, રવિવાર
ચીન દ્વારા તિબેટ પર જે પ્રકારે દમન કરવામાં આવે છે તે હવે જગજાહેર વાત છે. ત્યારે કોમ્યુનિસ્ટ રાષ્ટ્ર ચીન હવે મોટા પાયે DNA પરીક્ષણ કરી રહ્યું છે જેથી તિબેટીયનોના મોનિટરીંગ માટે તેમનો જૈવિક ડેટાબેઝ (Biological Database) તૈયાર કરી શકાય.
હ્યુમન રાઈટ્સ વોચના તાજેતરના અહેવાલ પ્રમાણે સમગ્ર તિબેટ અને ખાસ કરીને તિબેટીયન સ્વાયત્ત ક્ષેત્ર (TAR)ના અનેક પ્રાંત અને ગામડાંઓના લોકોના DNA નમૂના આડેધડ રીતે લેવામાં આવ્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, ચીન હવે પોતાના ટેક્નિકલ મોનિટરીંગમાં વિશ્વાસ રાખીને પોતાની દમનકારી અને સત્તાવાર નીતિના આગામી તબક્કા તરફ આગળ વધી રહ્યું છે જે જૈવ-સુરક્ષાની છે.
ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP)એ જનસંખ્યાને નિયંત્રિત કરવા માટે એક એજન્સી તરીકે જૈવ-સુરક્ષા (Bio-Security) લાગુ કરી છે. આ વ્યવસ્થા ખાસ કરીને તિબેટ, પૂર્વીય તુર્કિસ્તાન અને દક્ષિણી મંગોલિયાના કબજાવાળા ક્ષેત્રો પર કેન્દ્રિત છે.
અગાઉ ચીને હજારો ઉઈગર મુસ્લિમોની નસબંધી કરવા માટે જૈવિક સાધનોનો ઉપયોગ કર્યો હતો જેના ભયાનક પરિણામો સામે આવ્યા છે. ત્યારે હવે તિબેટમાં મોટા પાયે ડીએનએ સેમ્પલ સંગ્રહીત કરવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. હ્યુમન રાઈટ્સ વોચ એ 7 પ્રીફેક્ચુરલ સ્તરના ક્ષેત્રોમાં 14 વિભિન્ન વિસ્તારોમાં આ અભિયાનની ઓળખ કરી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, વર્તમાન શાસનની આ પરિયોજના કેટલી વ્યાપક છે.
તિબેટ પ્રેસના અહેવાલ પ્રમાણે રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિશેષરૂપે 20મી નેશનલ પીપલ્સ કોંગ્રેસ સાથે એક બેઠક યોજવા ઈચ્છે છે. તેનાથી એવો નિષ્કર્ષ કાઢી શકાય કે, તેઓ નેશનલ પીપલ્સ કોંગ્રેસના ભરોસે છે જે અંતતઃ તેમને એક અભૂતપૂર્વ ત્રીજા કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરશે.
આ બધાથી સ્પષ્ટ થાય છે કે, તાજેતરમાં સામે આવેલા તિબેટીયનોની સહમતી વગર તેમના સામૂહિક ડીએનએ સંગ્રહ અભિયાનનું અંતિમ લક્ષ્ય તિબેટીયનોને વ્યસ્ત રાખવાનું છે. જેથી તેઓ પણ લાખો ચીનીઓની સાથે-સાથે કોમ્યુનિસ્ટ સરકાર સામે એકજૂથ ન થઈ શકે.