ભૂકંપે તાઈવાનને હચમચાવ્યું, બીજી તરફ ઝેરીલા ચીનના 30 લડાકુ વિમાનોએ અને નવ યુદ્ધ જહાજોએ ઘૂસણખોરી કરી
શક્તિશાળી ભૂંકપના આંચકાથી આજે સવારે સમગ્ર તાઈવાન હચમચી ઉઠ્યુ છે. આમ છતાં ઝેરીલું ચીન મુસીબતમાં પણ પોતાના માટે અવસર શોધી રહ્યુ છે.
એક તરફ ભૂકંપે તાઈવાનમાં હાહાકાર મચાવ્યો હતો અને બીજી તરફ ચીને તાઈવાનની હવાઈ સીમામાં અને જળ સીમામાં 30થી વધારે લડાકુ વિમાનો તેમજ નવ યુદ્ધ જહાજો સાથે ઘૂસણખોરી કરી હોવાનો આક્ષેપ તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કર્યો છે. ચીન તાઈવાન પર પોતાનો દાવો કરતું રહ્યું છે અને છાશવારે તાઈવાનને ચીન સાથે ભેળવી દેવા માટે લશ્કરી કાર્યવાહીની પણ ધમકી આપતું રહ્યું છે.
તાઈવાન ભૂકંપની ત્રાસદી વેઠી રહ્યુ છે ત્યારે પણ ચીને ફરી એક વખત આ ટચૂકડા દેશને પોતાની સૈન્ય શક્તિથી ડરાવવાનો પ્રયત્ન કર્યો છે. તાઈવાનનું કહેવું છે કે, ચીનના 30 વિમાનોએ અમારી હવાઈ સીમા ઓળંગી હતી અને ચીનના યુદ્ધ જહાજો પણ અમારા દરિયાઈ વિસ્તારમાં પ્રવેશ્યા હતા. એ પછી તાઈવાનની વાયુસેના તેમજ નેવીએ જરુરી કાર્યવાહી કરી હતી.
ચીને જોકે હજી સુધી તાઈવાનના દાવાનો જવાબ નથી આપ્યો પણ સોશિયલ મીડિયા પર તાઈવાન પાસે ચીની જહાજો પહોંચ્યા હોવાના દાવા સાથે વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. જે સાચા છે કે નહીં તેની જાણકારી હજી મળી નથી. ગત મહિને પણ તાઈવાને પોતાની હવાઈ સીમા નજીક 36 ચીની લડાકુ વિમાનો ઉડી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. જોકે આ વર્ષે ચીનની વાયુસેનાની તાઈવાનની હવાઈ સીમામાં ઘૂસણખોરી વધી ગઈ છે. હવે તો ભૂકંપ જેવી આપદાને અવગણીને પણ ચીને તાઈવાનને ડરાવવાનુ ચાલુ રાખ્યું છે.