ચીનના બે પ્રાંતમાં 2020 બાદ 1300 મસ્જિદો સરકારે બંધ કરાવી દીધી, નવા ખુલાસા બાદ પણ મુસ્લિમ દેશો ચૂપ

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
ચીનના બે પ્રાંતમાં 2020 બાદ 1300 મસ્જિદો સરકારે બંધ કરાવી દીધી, નવા ખુલાસા બાદ પણ મુસ્લિમ દેશો ચૂપ 1 - image

બિજિંગ,તા.22 નવેમ્બર 2023,બુધવાર

મુસ્લિમો પર અત્યાચાર માટે કુખ્યાત બનેલા ચીનને લઈને એક નવો ખુલાસો થયો છે.

હ્યૂમન રાઈટ્સ વોચના એક અહેવાલ અનુસાર ચીનના નિંગ્જિયા તેમજ ગાંસુ વિસ્તારમાં ચીનના અધિકારીઓએ મસ્જિદો બંધ કરાવવા માંડી છે. સંસ્થાના કાર્યકર્તાઓએ બે ગામોની સ્થિતિ જાણવા માટે સેટલાઈટ ઈમેજિસનો અભ્યાસ કર્યો હતો અને તેમાં જાણવા મળ્યુ હતુ કે, આ બંને ગામોમાં 2019 થી 2021 વચ્ચે તમામ સાત મસ્જિદોના ગુંબજો તેમજ મીનારાઓને હટાવી દેવાયા હતા અને ત્રણ ઈમારતો તો તોડી પડાઈ હતી.

માન્ચેસ્ટર યુનિવર્સિટીના ડેવિડ સ્ટ્રેપ તેમજ પ્લાયમાઉથ યુનિવર્સિટીના અધ્યાપક હન્ના થેકરે ઉપરોક્ત અભ્યાસ કર્યો હતો. તેમનુ અનુમાન છે કે, નિંગ્જિયામાં લગભગ 1300 મસ્જિદો 2020 બાદ બંધ કરી દેવાઈ છે. આ આંકડામાં એ મસ્જિદો સામેલ નથી કે જેને તોડવામાં આવી છે અથવા તો તેમાં ફેરફાર કરવાની ફરજ પાડવામાં આવી છે.

સંશોધકો પાસે બદલાયેલી મસ્જિદોની ચોક્કસ સંખ્યા તો નથી પણ આવી મસ્જિદો પણ સેંકડોમાં થવા જાય છે. ચીનના જોંગવેઈ શહેરના અધિકારીઓએ 2019માં કહ્યુ હતુ કે, અમે 214 મસ્જિદોને બદલી નાંખી છે. 58ને તોડી છે અને ગેરકાયેદસર રીતે ચાલતી 37 મસ્જિદોને બંધ કરાવી છે.

આ રિપોર્ટ જાહેર કરાયા પછી પણ આશ્ચર્યજનક વાત એ છે કે, એક પણ મુસ્લિમ દેશે ચીનનો વિરોધ કરતી પ્રતિક્રિયા હજી સુધી આપી નથી. પોતાને મુસ્લિમ જગતનુ આગેવાન ગણાવતુ પાકિસ્તાન પણ ચૂપ છે.

ઉલ્લેખનીય છે કે, 2016માં રાષ્ટ્રપતિ શી જિનપિંગે તમામ ધર્મોનુ ચીનીકરણ કરવાની જાહેરાત કરી હતી અને એ પછી મસ્જિદોની ડિઝાઈન બદલવા માટે તંત્ર સક્રિય થઈ ગયુ હતુ. ઈસ્લામિક બાંધકામોના નિર્માણ અને ડિઝાઈનને લઈને કડકાઈભર્યા નિયંત્રણો પણ અમલમાં લવાયા હતા.


Google NewsGoogle News