2030 સુધીમાં ચીન પાસે 1000 પરમાણુ બોમ્બ હશે, તોફાની ઝડપે પરમાણુ હથિયારોનો ઉમેરો કરી રહ્યુ છે ચીન
image : Socialmedia
બિજિંગ,તા.20 જાન્યુઆરી 2024,શનિવાર
ભારત સહિત પોતાના મોટાભાગના પાડોશીઓ સાથે સીમા વિવાદને સળગતો રાખનારા ચીને તોફાની ઝડપ સાથે પરમાણુ બોમ્બ બનાવવાનુ ચાલુ રાખ્યુ હોવાનો ઘટસ્ફોટ અમેરિકન સંરક્ષણ મંત્રાલયના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, હાલમાં ચીન પાસે 500 જેટલા ન્યુક્લિયર બોમ્બ છે અને 2030 સુધીમાં આ સંખ્યા 1000 પર પહોંચવાનો અંદાજ છે. આ પૈકીના કેટલાક પરમાણુ બોમ્બ તો ગમે તે સમયે લોન્ચ કરવા માટે તૈયાર હાલતમાં હશે. ચીન પાસે 2022ના અંત સુધીમાં 14 ટન જેટલુ શુધ્ધ યુરેનિયમ હતુ. આ ઉપરાંત 2.9 ટન જેટલુ પ્લુટોનિયમ પણ મોજૂદ છે. આ બંને વસ્તુઓ અણુ બોમ્બ બનાવવા માટે સૌથી મહત્વની છે. યુરેનિયમ અને પ્લુટોનિયમનો જેટલો જથ્થો ચીન પાસે છે તેમાંથી તે 2030 સુધીમાં પોતાના પરમાણુ બોમ્બના ભંડારમાં બીજા 500 બોમ્બનો આસાનીથી ઉમેરો કરી લેશે. સાથે સાથે ચીન બોમ્બ ટેસ્ટ કરવા માટેની લોપ નૂર ટેસ્ટ સાઈટનુ પણ વિસ્તરણ કરી રહ્યુ છે. અહીંયા ચીન કોંક્રિટના બિલ્ડિંગો, નવી ટનલ તેમજ અન્ડરગ્રાઉન્ડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર બનાવી રહ્યુ છે.
અમેરિકન સંરક્ષણ મંત્રાલયનુ વધુમાં કહેવુ છે કે, ચીનની સેના સાથે જોડાયેલી રોકેટ ફોર્સ સતત ન્યુક્લિયર એટેક માટેનો અભ્યાસ કરતી રહે છે.
ઉલ્લેખનીય છે કે, ચીનનુ લક્ષ્ય પોતાની પરમાણુ ક્ષમતાને અમેરિકાની બરાબરી પર પહોંચાડવાનુ છે. ભારત માટે પણ અમેરિકાનો ઉપરોક્ત રિપોર્ટ ચિંતાજનક છે. કારણકે ભારતને પણ ચીન પોતાના પ્રમુખ શત્રુ તરીકે જૂએ છે.
ચીન પોતાના મિસાઈલોને રાખવા માટે નવા મિસાઈલ સિલો પણ બનાવી રહ્યુ છે. આ સિલો ચીનની ડોંગ ફેંગ -5 પ્રકારની ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલો રાખવા માટે બનાવી રહ્યુ હોવાનુ મનાઈ રહ્યુ છે.