ચીનમાં રહસ્યમય બીમારીનો પ્રકોપ : ભારત સરકાર એલર્ટ મોડમાં, ઊંડાણપૂર્વક રખાઈ રહી છે નજર
ભારત વર્તમાન પરિસ્થિતિમાંથી ઉદ્ભવતી કોઈપણ કટોકટી સામે લડવા તૈયાર : આરોગ્ય મંત્રાલય
China Respiratory Illness: કોરોના મહામારી બાદ આખી દુનિયાની નજર ચીનમાંથી નીકળતી કોઈ બીમારી પર અટકેલી છે. હાલ એક રહસ્યમય બીમારીએ ચીનમાં તરખાટ મચાવ્યો છે. આ રહસ્યમય બીમારીના મોટાભાગના દર્દીઓ ચીનના ઉતર-પૂર્વ બેઇજીંગ અને લિયાઓનીંગની હોસ્પિટલમાં જોવા મળ્યા છે. બાળકોમાં તાવ,ખાંસી અને શ્વાસ લેવામાં પરેશાની જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે જે ન્યુમોનિયાની માફક છે. જે અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારત ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના નોંધાયેલા કેસોની નજીકથી દેખરેખ રાખી રહ્યું છે અને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે અત્યાર સુધીની પરિસ્થિતિને આધારે ભારત પર જોખમ ઓછુ છે.
Union Health Ministry is closely monitoring outbreak of H9N2 cases and clusters of respiratory illness in children in northern China. There is a low risk to India from both the avian influenza cases reported from China as well as the clusters of respiratory illness. India is… pic.twitter.com/vVCuA7c66s
— ANI (@ANI) November 24, 2023
ભારતીય આરોગ્ય મંત્રાલયે આપી જાણકારી
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત વર્તમાન પરિસ્થિતિમાંથી ઉદ્ભવતી કોઈપણ કટોકટી સામે લડવા તૈયાર છે. હાલ ચીનમાં બાળકોમાં H9N2 ફાટી નીકળવા અને શ્વસન સંબંધી બીમારીના ક્લસ્ટર પર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય નજીકથી નજર રાખી રહ્યું છે. ભારત એવિયન ઈન્ફલ્યુએન્ઝા કેસ તેમજ ચીનમાંથી નોંધાયેલા શ્વસન રોગના ક્લસ્ટરથી ઓછું જોખમ ધરાવે છે.
કેવા લક્ષણ દેખાઈ રહ્યા છે?
માહિતી અનુસાર જે બાળકો આ રોગથી પીડાઈ રહ્યા છે તેમને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ડબ્લ્યૂએચઓએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના ચીનના અધિકારીઓએ 12 નવેમ્બરે એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને ચીનમાં શ્વાસ સંબંધિત આ રોગ વિશે માહિતી આપી હતી. આ રહસ્યમય રોગથી બીમાર બાળકોમાં કોઈ ચોક્કસ લક્ષણ તો નથી પરંતુ બાળકોના શરીરનું તાપમાન વધી જાય છે અને ફેફસાંમાં ગાંઠ બની જાય છે. હોસ્પિટલમાં ફરી બેડ ખૂટી પડવાની સ્થિતિ સર્જાઈ રહી છે. દર્દીઓએ સારવાર માટે 2-2 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે.
ડબ્લ્યૂએચઓએ શું કહ્યું?
આ મામલે ડબ્લ્યૂએચઓએ કહ્યું કે કોરોના પ્રતિબંધોમાં રાહત આપવાને કારણે જ આ બીમારી ફેલાઈ છે. આ સાથે ડબ્લ્યૂએચઓએ બીમારી થયેલા બાળકોમાં ઈન્ફ્લૂએન્ઝા, સાર્સ કોવ-2, માઈક્રોપ્લાઝ્મા ન્યૂમોનિયા અંગે વધારાની માહિતી માગવામાં આવી છે. ચીનમાં બાળકોના બીમાર થવાની તાજેતરની ઘટનાઓ કોરોના જેવા લક્ષણોનું પુનરાવર્તન કરતી દેખાઈ રહી છે.