'ચીન ચાલ્યા જાવ' પૂર્વ સ્પીકર નેન્સી પેલોસીનો પેલેસ્ટાઇનીઓ તરફી દેખાવ કરીને કઠોર જવાબ
- પોતાની મોટરમાં બેસવા જતાં પેલોસીને પેલેસ્ટાઇન તરફીઓએ ઘેરી લીધાં અને તેમની પાસેથી જવાબ માગ્યો
વૉશિંગ્ટન (ડી.સી.) : અમેરિકાનાં હાઉસ ઑફ રેપ્રિઝેન્ટેટીવ્ઝનાં પૂર્વ સ્પીકર નેન્સી પેલોસી જ્યારે પાર્કીંગ લોટમાં પોતાની મોટરમાં બેસવા જતાં હતાં ત્યારે પેલેસ્ટાઇન તરફી દેખાવકારોએ તેઓને ઘેરી લીધાં હતાં, અને પ્રશ્નોની ઝડી વરસાવવી શરૂ કરી ત્યારે આ પીઢ રાજકારણી પણ ગુસ્સે ભરાયાં અને દેખાવકારોને કહી દીધું : 'ચીન ચાલ્યા જાવ તમારૃં હેડ ક્વાર્ટર ત્યાં છે'.
આ પહેલાનાં એક જ દિવસે નેન્સી પેલોસીએ સી.એન.એન. ના 'સ્ટેટ ઑફ ધ યુનિયન' કાર્યક્રમનાં એન્કર દાતા બારાના એક પ્રશ્નના ઉત્તરમાં તેઓએ કહ્યું હતું કે દેખાવકારો, જેઓ પેલેસ્ટાઇનમાં સીઝ ફાયરની વાત કરે છે. તેઓ રશિયા સાથે જોડાયેલા છે અને તેઓ રશિયન પ્રમુખ વ્લાદીમીર પુતિનનો સંદેશો જ ફેલાવવા માગે છે. કારણ કે તે સીઝ ફાયરનો સંદેશો જ પુતિનનો છે. તેઓ તે જ જોવા માગે છે તે ભૂલતા નહીં, આ તો તેઓએ ઘણા સમયથી જોયું હશે.
આટલું જ નહીં પરંતુ તેમનોયે ત્યાં સુધી કહી દીધું કે આ દેખાવકારો અંગે એફબીઆઈએ સઘન તપાસ કરવી જોઇએ.
નેન્સી પેલોસી જેવાં પીઢ રાજકારણીના આવા ઉગ્ર પ્રત્યાઘાતો ઉપરથી નિરીક્ષકો એવું તારણ આપે છે કે, હવે ભૂમધ્ય સમુદ્ર ઉપર કાબુ જમાવવાની રશિયા અને અમેરિકા વચ્ચેની સ્પર્ધા અતિ તીવ્ર બનતી જાય છે. રશિયા કોઈપણ ભોગે ભૂમધ્ય સમુદ્રમાં પોતાનો ધ્વજ લહેરાવવા માગે છે, તો બીજી તરફ અમેરિકા ઇઝરાયલનું તેનું મધ્ય પૂર્વમાં પ્રવેશવાનું ફૂટ બોર્ડ વધુને વધુ મજબૂત કરવા માગે છે. કેટલાક નિરીક્ષકોનું તો ત્યાં સુધી કહેવું છે કે હમાસનાં બહાને અમેરિકા ગાઝા પટ્ટીમાંથી તમામ પેલેસ્ટાઇનીઓને સાફ કરી નાખવા માગે છે જેથી તેઓ (પશ્ચિમના દેશો) ધાર્યા સમયે ત્યાં ઉતરાણ કરી શકે.
તે જે હોય તે પરંતુ અત્યારે તો ગાઝા પટ્ટીમાં વસતા પેલેસ્ટાઇનીઓની હાલત દયનીય બની છે.