હિન્દ મહાસાગરમાં ચીને ત્રણ-ત્રણ જાસૂસી જહાજો તૈનાત કર્યા
China Spy Ships in Indian Ocean : અવળચંડા ચીનને પાડોશી દેશોની સાથે સ્હેજ પણ ફાવતુ નથી. છાશવારે તે બીજા દેશોને હેરાન કરતુ રહેતુ હોય છે.
ચીન ભારતને ધ્યાનમાં રાખીને હિન્દ મહાસાગરમાં પણ પગ પેસારો કરી રહ્યુ છે. આ વિસ્તારમાં ચીનના જહાજો છાશવારે દેખા દેતા હોય છે. મળતી જાણકારી પ્રમાણે આ વખતે હિન્દ મહાસાગરમાં ચીને પોતાના ત્રણ જાસૂસી જહાજો તૈનાત કર્યા છે.
જેમાંનુ એક જહાજ અત્યારે આંદામન ટાપુ સમૂહ પાસે, બીજુ માલદીવ ખાતે અને બીજુ મોરેશિયસ નજીક છે. આ જહાજોને ચીન રિસર્ચ માટેના જહાજો ગણાવે છે પણ હકીકતમાં તેનો ઉપયોગ બીજા દેશોના જહાજો પર જાસૂસી માટે થતો હોય છે.
ત્રણ જહાજ પૈકી એકનુ નામ જિયાંગ યાગ હોંગ-1 છે. જે આંદામાન ટાપુઓથી 600 માઈલના અંતરે છે. જયાં તે દરિયાના તળિયાનુ મેપિંગ કરી રહ્યુ છે તેમજ ભવિષ્યમાં સબમરિનનુ સંચાલન કરી શકાય તે માટે ડેટા એકત્રિત કરી રહ્યુ છે. સાત માર્ચે તે આ વિસ્તારમાં દાખલ થયુ હતુ અને હજી પણ આ જ જગ્યાએ છે.
બીજુ જહાજ જિયાંગ યાગ હોંગ-2 અત્યારે માલદીવ ખાતે છે. જે 350 માઈલના વિસ્તારમાં હાઈડ્રોગ્રાફિક સર્વે કરી રહ્યુ હોવાનુ ચીનનુ કહેવુ છે. ત્રીજુ જહાજ દા યાંગ હાઓ મોરેશિયસની રાજધાની પોર્ટ લુઈસથી 1200 માઈલના અંતરે છે અને તે પણ સમુદ્રમાં શોધખોળ કરી રહ્યુ છે.
ચીનની હિલચાલ પર ભારતીય નૌસેના પણ બાજ નજર રાખી રહી છે. કારણકે ચીન દ્વારા ત્રણ ત્રણ જહાજ તૈનાત કરવા પાછળનો મુખ્ય ઈરાદો હિન્દ મહાસાગરમાં ભારતીય નૌસેનાની હિલચાલ જાણવાનો જ હોઈ શકે છે.