શાંતિ મંત્રણા ફક્ત દેખાડો, ચીનની અવળચંડાઈ યથાવત્, લદાખમાં બે ગેરકાયદે પ્રાંત બનાવવાની જાહેરાત
India vs China News | પૂર્વીય લદ્દાખમકાં દેપસાંગ અને ડેમચોક ખાતે સૈનિકોની પીછેહઠ સાથે ભારત સાથે શાંતિવાઘાટોની ચીનની તૈયારી માત્ર દેખાડો છે અને તે ક્યારેય લદ્દાખથી લઈને અરૂણાચલ સુધીના પ્રદેશો પર તેનો દાવો છોડશે નહીં તેવા તેના ઈરાદા ચીને વધુ એક વખત સાબિત કરી દીધા છે. ચીને ગયા સપ્તાહે ભારતના બળજબરીથી પચાવી પાડેલા અક્સાઈ ચીન પ્રદેશમાં બે નવી કાઉન્ટી બનાવવાની જાહેરાત કરી છે. જોકે, ભારતે ચીનના આ પ્રયત્નો સામે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે અને અક્સાઈ ચીનમાં ચીનના કબજાને ગેરકાયદે ગણાવ્યો છે. સાથે જ ભારતે તિબેટમાં વિશ્વનો સૌથી મોટો બાંધ બનાવવાની ચીનની યોજનાનો પણ વિરોધ કર્યો છે.
ચીને ભારતના ભાગ અક્સાઈ ચીનમાં ગેરકાયદે કબજે કરેલા ભાગો સહિત હોટનમાં બે નવા પ્રાંત બનાવવાની જાહેરાત કરી છે. ચીન ઘણા વર્ષોથી ભારતના પ્રદેશો પચાવી પાડવા માટે અનેક પ્રકારનાં કાવતરાં કરતું રહે છે. પૂર્વીય લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ હળવી થઈ અને બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓએ સરહદો અંગે ફરીથી વાટાઘાટો શરૂ કર્યાના માત્ર ૧૦ જ દિવસમાં ચીને બે નવા પ્રાંતની જાહેરાતો કરી છે. પૂર્વીય લદ્દાખમાં પેંગોંગ ત્સો સરોવર અને ગલવાન હિંસા પછી લગભગ પાંચ વર્ષથી બંને દેશ વચ્ચે સરહદો અંગેની વાટાઘાટો અટકી ગઈ હતી.
ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ જણાવ્યું હતું કે, ઉત્તર-પૂર્વ ચીનના શિનજિઆંગ ઉઈઘુર સ્વાયત્ત પ્રાંતની સરકારે તેના હોટન પ્રાંતમાં બે નવી કાઉન્ટી હીઆન કાઉન્ટી અને હેકાંગ કાઉન્ટી સ્થાપવાની જાહેરાત કરી હતી. હોટન પ્રાંતમાં બે કાઉન્ટીની રચનાને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી અને સ્ટેટ કાઉન્સિલની સેન્ટ્રલ સમિતિએ મંજૂરી આપી દીધી છે. હીઆન અને હેકાંગ કાઉન્ટીમાં અનુક્રમે હોન્ગલિઉ અને ઝેયિદુલા ટાઉનશિપને કાઉન્ટી સીટ્સ જાહેર કરવામાં આવી છે. વધુમાં જણાવાયું હતું કે, હિઆન કાઉન્ટીનો વિસ્તાર ૩૮,૦૦૦ ચો. કિ.મી. છે, જે તેમના કબજા હેઠળના અક્સાઈ ચીનમાં ભારતની સરહદ નજીક છે.
દરમિયાન ચીનના આ પગલાંનો ભારતે ઉગ્ર વિરોધ કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે સાપ્તાહિક અખબારી વાર્તામાં આકરું વલણ અપનાવ્યું હતું. ભારતે કહ્યું કે, ચીને હોટન પ્રાંતમાં બે નવી કાઉન્ટી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જે જરા પણ સાંખી નહીં લેવાય. ભારત સરકાર તે સ્વીકારી લેશે નહીં. આ ક્ષેત્રોનો કેટલોક ભાગ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં પણ આવે છે. તેની સાથે જ ભારતે તિબેટ ક્ષેત્રમાં બ્રહ્મપુત્ર નદી પર બાંધ બનાવવાના ચીનના નિર્ણય અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, અમે, ચીનની હોટન પ્રાંતમાં બે નવા કાઉન્ટી બનાવવા સંબંધિત જાહેરાતો જોઈ હતી. આ તથાકથિત કાઉન્ટીના અધિકાર ક્ષેત્રમાં કેટલોક ભાગ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પણ આવે છે. ભારત તેના ક્ષેત્ર પર ગેરકાયદે ચીની કબજાનો ક્યારેય સ્વીકાર નહીં કરે. નવી કાઉન્ટી બનાવવાથી ન તો ક્ષેત્ર પર તેની સંપ્રભુતાના સંબંધમાં ભારતના લાંબાગાળાના અને સુસંગત સ્થિતિ પર કોઈ અસર પડશે કે ચીનના ગેરકાયદે અને બળજબરીથી કરેલા કબજાને કાયદેસરતા મળી જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આગળ કહ્યું કે, આ મુદ્દા પર ભારતે કુટનીતિક ચેનલોના માધ્યમથી ચીની પક્ષ સમક્ષ ગંભીર વિરોધ નોંધાવ્યો છે.