ચીનની ફરી આડોડાઈ, ભારત સાથેની સરહદે સૈન્ય અભ્યાસ કર્યો, ડ્રેગનના ખરા ઇરાદા શું છે?
India China LAC News | ભારત દેશ એક તરફ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક કોમ્બેટ ડ્રિલ શરુ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. ચીનના સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મી(PLA)ની શિનજિયાંગ મિલિટ્રી કમાન્ડના રેઝિમેન્ટની આગેવાનીમાં આ યુદ્ધાભ્યાસ કરાયો હતો.
આધુનિક હથિયારો સાથે ડ્રેગનની ડ્રીલ
ચીનની કોમ્બેટ ડ્રિલમાં તમામ વિસ્તારોમાં વાપરી શકાય તેવા વાહનો, માનવરહિત સિસ્ટમ અને ડ્રોન સહિત સૈન્યની અપગ્રેડેડ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરાયો હતો. ચીન તરફથી આ કાર્યવાહી એવા સમયે કરાઈ છે જ્યારે ભારત અને ચીન વચ્ચે પહેલાંથી જ શાંતિ મંત્રણા ચાલી રહી છે.
2024માં ભારત-ચીન વચ્ચે થયો હતો કરાર
ભારત અને ચીન વચ્ચે LAC પર સૈનિકો પાછા બોલાવી લેવા અને ફરી પેટ્રોલિંગ શરુ કરવા અંગે 21 ઑક્ટોબર 2024ના રોજ એક કરાર થયો હતો. આ કરાર 2020માં ગલવાન ખીણમાં સર્જાયેલી અથડામણ બાદ બંને વચ્ચે વધી ગયેલા તણાવને ઘટાડવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું હતું.
ટોચના અધિકારીઓ વચ્ચે બેઠક બાદ થયો હતો કરાર
આ કરાર હેઠળ બંને દેશોએ ડેપસાંગ અને ડેમચોક જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરુ કરવા સંમતિ દર્શાવી હતી. ભારતના એનએસએ અજિત ડોભાલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે યોજાયેલી હાઇ લેવલની બેઠક બાદ આ કરાર થયો હતો.