Get The App

મંદીના એંધાણ વચ્ચે ચીન કરી રહ્યું છે એવું કામ જેના પર આખી દુનિયાની નજર, ગુરુવારે આવશે પરિણામ

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
Xi Jinping


China Communist Party Third Plenum : એકતરફ ચીન બેરોજગારી, અર્થવ્યવસ્થામાં સંકટ અને આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરી રહ્યું છે, તો બીજીતરફ ચીન માટે અત્યંત મહત્વપૂર્ણ પ્લેનમ એટલે કે અધિવેશનનું આજથી આયોજન થઈ રહ્યું છે. આ અધિવેશન 18 જુલાઈ સુધી યોજાવાનું છે. આમ તો આ અધિવેશન 10 મહિના પહેલા શરૂ થવાનું હતું, જોકે તેમાં વિલંબ થયો છે. સરકારી ચાઈનીઝ મીડિયા આ અધિવેશનને ‘ભવિષ્યના નિર્માણ’ની બેઠક કહી રહી છે. ચીનમાં સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી માટે આ અધિવેશન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આમાં કેટલાક મોટા નિર્ણયોની પણ જાહેરાત કરવામાં આવે છે.

ચીનમાં યોજાય છે સાત અધિવેશન, જેમાંથી ત્રીજનું અત્યંત મહત્વનું

સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની બે કોંગ્રેસો વચ્ચે સાત ‘પૂર્ણ સત્ર’ અથવા અધિવેશનનું આયોજન કરવામાં આવે છે. આ સાતમાંથી ત્રીજું અધિવેશન ખૂબ જ મહત્વનું મનાય છે. સામાન્ય રીતે આનું આયોજન પાંચ વર્ષમાં એક વખત કરવામાં આવે છે. અધિવેશનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિના 205 સભ્યો અને 175 વૈકલ્પિક સભ્યો સામેલ થાય છે.

આ પણ વાંચો : પાકિસ્તાન સરકારનો મોટો નિર્ણય, ઈમરાન ખાનની પાર્ટી ‘પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફ’ પર મૂકશે પ્રતિબંધ

આ સાત અધિવેશનનું શું થાય છે?

કેન્દ્રીય સમિતિઓ વચ્ચે યોજાતા આ સાત અધિવેશનમાંથી પ્રથમ, બીજી અને સાતમી અધિવેશન સત્તા પરિવર્તન પર કેન્દ્રીત રહે છે. જ્યારે ચોથી અને છઠ્ઠી અધિવેશન પાર્ટીની વિચારધારા પર કેન્દ્રીત હોય છે. જ્યારે ત્રીજી અધિવેશન લાંબા ગાળાના આર્થિક સુધારા પર કેન્દ્રીત હોય છે. જોકે આવું કેટલાક વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પાંચમું અધિવેશન દેશની પાંચ વર્ષની વિકાસ યોજનાઓ પર વિચાર-વિમર્શ પર કેન્દ્રીત રહે છે.

અધિવેશનમાં કયાં વિષયો પર થાય છે ચર્ચા ?

ત્રીજા અધિવેશનમાં દેશની લાંબા ગાળાની સામાજિક અને આર્થિક નીતિઓ પર ચર્ચા થાય છે અને તેના પર નિર્ણય લેવામાં આવે છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીત સમિતિના સભ્યોની ચૂંટણી અગાઉની કોંગ્રેસ દરમિયાન યોજાઈ હતી. આ ત્રીજા અધિવેશનમાં ચીનના આધુનિકીકરણના આગળના તબક્કા પરના નીતિગત દસ્તાવેજ પર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : 'હિંસાનો જવાબ હિંસા નથી...' દેશને સંબોધતા રાષ્ટ્રપતિ બાઈડેને ઈશારામાં ટ્રમ્પને જ સંભળાવી દીધું?

1978ના ત્રીજા અધિવેશનમાં ચીનના આધુનિકિકરણની જાહેરાત કરાઈ હતી

ચીનની પૂર્વ પ્રમુખ ડેંગ શ્યાઓપિંગે વર્ષ 1978માં યોજાયેલા ત્રીજા અધિવેશનમાં ચીનના આધુનિકિકરણની જાહેરાત કરી હતી. ત્યારબાદ ચીને 1993માં તેની અર્થવ્યવસ્થાને વિશ્વ માટે ખોલી દીધું હતું. શી ચિનફિંગને વર્ષ 2013ના ત્રીજા અધિવેશનમાં કરાયેલી જાહેરાતોના કારણે યાદ કરવામાં આવે છે. 1990ના દાયકા બાદ 2018 અને આ વર્ષ સિવાય ત્રીજુ અધિવેશન ઓક્ટોબરમાં યોજાય છે.

બંધ રૂમમાં યોજાશે અધિવેશન

રાષ્ટ્રપતિ શી જિનપિંગની અધ્યક્ષતામાં યોજાનું આ અધિવેશન બંધ રૂમમાં યોજાશે. તેઓ પાર્ટીની કેન્દ્રીય સમિતિના પ્રમુખ છે. આજથી શરૂ થનારા અધિવેશનનું સમાપન ગુરુવારે થશે. જેમાં આગામી પાંચ વર્ષ માટે ચીનની નીતિઓની દિશા નક્કી કરવામાં આવશે. ચીનની પંચવર્ષીય યોજના 2025માં સમાપ્ત થઈ રહી છે.


Google NewsGoogle News