ચીનમાં મુસ્લિમો માટે નવા નિયમો નવી મસ્જિદના બાંધકામમાં ચીનની પરંપરાઓ દર્શાવવી જ પડશે
image : Socialmedia
બિજિંગ,તા.10 ફેબ્રુઆરી 2024,શનિવાર
ચીનમાં ઉઈગર મુસ્લિમો પર જિનપિંગની સરકાર અત્યાચાર કરી રહી છે તે હવે જગજાહેર છે.
ચીનની સરકાર ઉઈગર મુસ્લિમો પર જાત જાતના નિયંત્રણો લાગુ કરી રહી છે. હવે ચીનની સરકારે નવી મસ્જિદો બનાવવા માટે પણ નિયમો લાગુ કરી લીધા છે.
ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમો મોટી સંખ્યામાં રહે છે. આ પ્રાંતમાં સરકારે કરેલા આદેશ પ્રમાણે નવી મસ્જિદોની ડિઝાઈનમાં ચીનની પરંપરાઓ દર્શાવવી જરુરી બની જશે.
ચીનની સરકારે તો અગાઉ પહેલેથી બનેલી સેંકડો મસ્જિદોના ગૂંબજ અને મિનારાઓ પણ તોડી પાડ્યા હતા પણ હવે નવી બનનારી મસ્જિદોની ડિઝાઈનમાં ચીનની ખાસિયદો દર્શાવી પડશે. જાણકારોનુ માનવુ છે કે, નવા નિયમો થકી સરકાર મુસ્લિમ ધર્મનુ પણ ચીનકરણ કરવા માંગે છે અને તેમના ધાર્મિક સ્થળો પર પોતાની પકડ મજબૂત બનાવવા માંગે છે.
સરકારના કાયદા ગુરુવારથી સમગ્ર શિનજિયાંગ પ્રાંતમાં લાગુ કરી દેવાયા છે. હવે કોઈ પણ નવા ધાર્મિક સ્થળના નિર્માણ પહેલા સરકારની મંજૂરી લેવી પણ જરુરી બની જશે.
ચીનમાં મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારો સામે આશ્ચર્યજનક રીતે મોટાભાગના મુસ્લિમ દેશો ચૂપ છે. ગત વર્ષે ઓકટોબરમાં યુએનની મહાસભામાં ચીનના અત્યાચારો સામે 51 દેશોએ ઠરાવ પસાર કર્યો હતો. જોકે તેનાથી ચીનની સામ્યવાદી સરકારને ફરક નથી પડ્યો.
મુસ્લિમો પર સરકારે જાત જાતના નિયંત્રણો મુકવાનુ ચાલુ જ રાખ્યુ છે અને હવે ઉઈગર મુસ્લિમો પોતાની મરજી પ્રમાણેની ડિઝાઈન સાથે મસ્જિદોનુ નિર્માણ પણ નહીં કરી શકે.