ચીન આક્રમણ કર્યા વિના તાઇવાનનો કબ્જો કરી શકે છે, અમેરિકાની થિંક ટેંકે આપી ચેતવણી
અહેવાલમાં સૈન્ય બળ પ્રયોગ નહી પરંતુ આર્થિક યુદ્ધનો ઉલ્લેખ
તાઇવાન સરકાર પોતાને એક સંપ્રભુ રાષ્ટ્ર માને છે
વોશિંગ્ટન,૨૫ જૂન,૨૦૨૪,મંગળવાર
તાઇવાન અંગે અમેરિકાના વોશિંગ્ટનની થિંક ટેંક સેંટર ફોર સ્ટ્રેટિજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના એક વિસ્તૃત રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ચીન તાઇવાનનો કોઇ બળપ્રયોગ કર્યા વિના પણ કબ્જો કરી શકે છે એવો અંદેશો વ્યકત કરવામાં આવ્યો છે. ચીનની રણનીતિ તાઇવાનની અર્થ વ્યવસ્થાને લકવાગ્રસ્ત કરી નાખવાની છે. આર્થિક રીતે બરબાદ કરીને શરતો માનવા મજબૂર કરી શકે છે. ચીન તાઇવાનને પોતાનો જ હિસ્સો સમજે છે.
વનચાઇના પોલીસી હેઠળ તાઇવાનને કયારેય સ્વતંત્ર દેશ તરીકે સ્વીકારવાનું નથી. તાઇવાન સરકાર પોતાને એક સંપ્રભુ રાષ્ટ્ર માને છે ચીન હંમેશા વિરોધ કરતું રહયું છે. તાઇવાન સાથે વિશ્વના બીજા દેશો વિદેશનીતિ અંર્તગત સંબંધો બાંધે તે પણ ચીન સહન કરી શકતું નથી. ચીનના તાનાશાહ બની ગયેલા રાષ્ટ્રપતિ શી જીનપિંગ કોઇ પણ ભોગે તાઇવાનને ચીનમાં ભેળવી દેવા ઇચ્છે છે. આ રણનિતીના ભાગરુપે જ છેલ્લા કેટલાક વર્ષોથી તાઇવાન પર દબાણ વધાર્યુ છે.
પશ્ચિમી દેશોના નિષ્ણાતો એવું માનવા લાગ્યા છે કે રશિયાએ જેમ યુક્રેન પર આક્રમણ કર્યુ એ થિયેરી પર ચીન પણ તાઇવાન પર આક્રમણ કરી શકે છે. જો કે સીએસઆઇએસના અહેવાલમાં સૈન્ય બળ પ્રયોગ નહી પરંતુ આર્થિક યુદ્ધનો ઉલ્લેખ થયેલો છે. ગ્રે ઝોન એક એવી રણનીતિ જેને યુદ્ધનું નામ આપવામાં આવતું નથી પરંતુ પરિણામ યુધ્ધ લડવા જેવું જ મળે છે. ચીનની વ્યુહાત્મક ચાલ અમેરિકા અને પશ્ચિમી દેશો માટે પણ એવી પડકારજનક રહેશે કે તે સિધો જવાબ આપી શકશે નહી.
ચીનની નૌકાસેના, દરિયાઇ લડવૈયાઓ અને એજન્સીઓ તાઇવાનના બંદરગાહ આસપાસ ઘેરો ઘાલી શકે છે. જો ઉર્જા સંસાધનો તાઇવાન સુધી પહોંચતા અટકી જાયતો ચીને તાઇવાન સાથે યુદ્ધ લડવાની જરુર પડશે નહી. થોડાક સમય પહેલા જ સિંગાપુરમાં શાંગરી લા સુરક્ષા સંમેલનમાં ચીનના સંરક્ષણમંત્રી એડમિરલ દોંગ જુને ચેતવણી ઉચ્ચારી હતી કે જે તાઇવાનની આઝાદીનું સમર્થન કરશે તે ખૂદનો નાશ નોંતરશે. દોંગ જુનની આ ચેતવણી પરોક્ષ રીતે અમેરિકાને આપવામાં આવી હતી.તાઇવાનની આઝાદીને અટકાવવા માટે ચીન અત્યંત કડક કાર્યવાહી કરશે.