ચીને વિશ્વનો સૌથી 2051 ફૂટ ઉંચો વાદળો વચ્ચેથી પસાર થતો બ્રિજ તૈયાર કર્યો.
હુઆજિયાંગનો ગ્રેંડ કેનિયન બ્રિજ લંડનના ગોલ્ડેન બ્રિજ કરતા ૯ ગણો ઉંચો છે
માત્ર ૩ જ વર્ષમાં દુનિયાનો સૌથી ઉંચાઇ પર આવેલો બ્રિજ તૈયાર કરાયો
બેઇજિંગ,૧૦ એપ્રિલ,૨૦૨૫,ગુરુવાર
ચીન એક પછી એક ક્ષેત્રોમાં હરણફાળ પ્રગતિ કરતું જાય છે તાજેતરમાં ચીનના એન્જીનિયરોએ તૈયાર કરેલો દુનિયાનો સૌથી ઊંચો પૂલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ચીનના હુઆજિયાંગનો ગ્રેંડ કેનિયન બ્રિજ લંડનના ગોલ્ડેન બ્રિજ કરતા ૯ ગણો ઉંચો છે. પેરિસના એફિલ ટાવર કરતા બમણી ઉંચાઇ ધરાવે છે. એક નવાઇ પમાડે તેવા ફૂટેજમાં પુલના નિર્માણકાર્યમાં જોડાયેલા એન્જિનિયર કામને આખરી ઓપ આપી રહયા છે.
આ પુલ એટલો ઉંચો છે કે નિર્માણકાર્ય દરમિયાન વાદળો તેની નજીકથી પસાર થઇ રહયા છે.બ્રિટિશ સમાચારપત્ર 'ધ સન'માં પ્રકાશિત માહિતી મુજબ હુઆજિયાંગ ગ્રેંડ કેનિયન પુલ ૨.૯ કિલોમીટર લાંબો અને નદીથી ૨૦૫૦ ફૂટ ઉપર છે. પુલના કેન્દ્રીય ભાગ કુલ ૯૩ ખંડોથી બનેલો છે કુલ વજન ૨૨૦૦૦ ટન છે જે પેરિસના ફેમસ ઐતિહાસિક ટાવર કરતા ત્રણ ગણું છે. આ પુલ જયારે શરુ થશે ત્યારે ઉંચાઇનો વિશ્વ રેકોર્ડ સર્જાશે. હુઆજિયાંગ બ્રિજના ઉધ્ઘાટન પછી સ્થાનિક લોકોને કનેકટિવિટીમાં ખૂબ મોટી રાહત મળશે.
હાલમાં એક ઘાટીથી બીજી ઘાટીમાં જવા માટે ૧ કલાક સમય લાગે છે તે ઘટીને ૨ થી ૩ મિનિટ થઇ જશે. ૨૯.૨ કરોડ ડોલરના ખર્ચે તૈયાર થઇ રહેલા બ્રિજ નિર્માણની શરુઆત ૨૦૨૨માં થઇ હતી. માત્ર ૩ જ વર્ષમાં દુનિયાનો સૌથી ઉંચાઇ પર આવેલો બ્રિજ તૈયાર થવામાં છે. જો કે હાલમાં પણ વિશ્વમાં સૌથી ઉંચા બ્રિજનો રેકોર્ડ ચીન પાસે જ છે. આ ઉંચો બ્રિજ ગુઇઝોરુ પ્રાંતમાં બેઇપાનજિયાંગમાં છે. વર્તમાન ઉંચો બ્રિજ હુઆજિયાંગ ગ્રેંડ કેનિયન બ્રિજથી લગભગ ૩૨૦ કિમી ઉત્તરમાં છે. ચાર લેનનો ટ્રાફિક ધરાવતા બ્રિજનું નિર્માણ ૨૦૧૬માં પુરુ થયું હતું જે બેઇપાન નદી પર ૧૭૮૮ ફૂટ ઉંચો છે.