તાઈવાનને 2027 સુધીમાં ગળી જવા માટે ચીન તૈયારઃ અમેરિકન નેવીના ટોચના અધિકારીનો સ્ફોટક દાવો

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
તાઈવાનને 2027 સુધીમાં ગળી જવા માટે ચીન તૈયારઃ અમેરિકન નેવીના ટોચના અધિકારીનો સ્ફોટક દાવો 1 - image

image : Socialmedia

વોશિંગ્ટન,તા.21 માર્ચ 2024,ગુરૂવાર

ચીને 2027 સુધીમાં તાઈવાન પર કબ્જો જમાવવા માટે ભરપૂર તૈયારીઓ શરુ કરી દીધી છે તેવુ અમેરિકાની નૌસેનાના એક વરિષ્ઠ અધિકારીનુ કહેવુ છે.

નૌસેનાના ઈન્ડો પેસિફિક કમાન્ડના ઈન્ચાર્જ એડમિરલ જોન અક્ઈલિનોએ અમેરિકાની સંસદને જાણકારી આપતા કહ્યુ છે કે, આર્થિક પડકારો  છતા પણ ચીને પોતાના સંરક્ષણ બજેટમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 16 ટકાનો જંગી વધારો કર્યો છે. ચીનનુ સંરક્ષણ બજેટ હવે વધીને 223 અબજ ડોલર પર પહોંચ્યુ છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, છેલ્લા ત્રણ વર્ષથી ઈન્ડો પેસિફિક કમાન્ડનો ચાર્જ મારી પાસે છે અને આ સમયગાળામાં ચીનની સેનાએ 400 નવા ફાઈટર જેટ તેમજ 20 જંગી યુધ્ધ જહાજોને પોતાના કાફલામાં સામેલ કર્યા છે. ચીને પોતાના મિસાઈલ તેમજ ક્રુઝ મિસાઈલના ભંડારને ડબલ કરી નાંખ્યો છે. આ તમામ બાબતો  ઈશારો કરી રહી છે કે, ચીન 2027 સુધીમાં તાઈવાન પર કબ્જો જમાવવા માટે તૈયાર થઈ રહ્યુ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આદેશ આપે તેની સાથે જ ચીનની સેના પોતાની તાકાતના જોર પર તાઈવાન ગળી જવા માટે તૈયાર છે તેવો સંદેશો  મળી રહ્યો છે.

એડમિરલ જોન અક્ઈલિનોએ કહ્યુ હતુ કે, ચીનની સેના સતત તાઈવાન પર હુમલાનો અભ્યાસ પણ કરી રહી છે. તાઈવાનને હવાઈ તેમજ દરિયાઈ રસ્તે ઘેરવા માટેની ચીનની યોજના છે તે દેખાઈ રહ્યુ છે.

એડમિરલની જાણકારીએ અમેરિકન સાસંદોને પણ ચોંકાવી દીધા હતા. અમેરિકાની સંસદ તેમજ સંરક્ષણ વર્તુળોમાં ચીનના તાઈવાનને લઈને જે ઈરાદાઓ છે તેના પર સતત ચર્ચા ચાલતી રહેતી હોય છે. ખાસ કરીને ચીનના 2027ના સંભવિત પ્લાન પર બેઠકો પણ યોજાતી હોય છે.

આવા જ એક ચર્ચા સત્ર દરમિયાન એડમિરલ જોન અક્ઈલિનોએ સંસદ સભ્યોને ઉપરોક્ત જાણકારી પૂરી પાડી છે.


Google NewsGoogle News