ચીને સાત વર્ષમાં 10 લાખ મુસ્લિમોને જેલમાં ધકેલ્યા, અમેરિકાના અહેવાલમાં ઘટસ્ફોટ
image : Socialmedia
US Report on Human Rights Violations in China : ચીનમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યા છે તે તો આખી દુનિયા જાણી ચૂકી છે પણ તેને લઈને છાશવારે જે પ્રકારની જાણકારી સામે આવે છે તે ચોંકાવનારી હોય છે.
અમેરિકાએ હાલમાં જ એક અહેવાલ જાહેર કરીને ચીનની ફરી એક વખત પોલ ખોલી નાંખી છે. આ અહેવાલ અનુસાર ચીનમાં 2017 થી 2023 સુધીમાં દસ લાખ ઉઈગર સહિતના મુસ્લિમોને મનફાવે તે રીતે પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે , 'અમે દુનિયાભરમાં માનવાધિકારોનુ સન્માન કરનારા અને લોકોની સ્વતંત્રતા માટે લડનારાઓનુ સમર્થન કરવાનુ ચાલુ રાખીશું. ચીનમાં 2017 બાદ અત્યાર સુધીમાં 10 લાખ લોકોની ચીનની સરકારે અટકાયત કરી છે. તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા છે અથવા તો જેલમાં ધકેલી દેવાયા છે. પત્રકારો,વકીલો, લેખકો, સોશિયલ મીડિયાના બ્લોગર્સ તથા સ્વતંત્રતાના હિમાયતી બીજા લોકો સામે ચીનની સરકાર કોર્ટમાં મનફાવે તે રીતે કેસ ચલાવી રહી છે. સાથે સાથે ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધો મુકયા છે. ચીનમાં માનવાધિકારોનુ ઉલ્લંઘન બહુ સામાન્ય વાત છે અને લઘુમતી સમુદાયના લોકોને ટાર્ગેટ બનાવીને તેમની સામે હિંસાનુ શસ્ત્ર ઉગામવામાં આવે છે.'
વિદેશ મંત્રાલયે આગળ કહ્યુ છે કે, 'ચીનની સરકારે માનવાધિકારોનુ હનન કરનારા અધિકારીઓની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવાની કોઈ હિલચાલ કરી નથી. ચીનના ઝિજિયાંગ ખાતેના લેબર કેમ્પમાં તો લોકોના મોત થયા હોવાનુ પણ અમને જાણવા મળ્યુ છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવાયુ છે કે અન્ય એક પ્રાંતની તુમશુક જેલમાં ઈદની રજા પહેલા ઓછામાં ઓછા 26 ઉઈગર મુસ્લિમોના મૃતદેહ તેમના પરિવારનો સોંપવામાં આવ્યા હતા. એટલુ જ નહીં પણ દેશના ઘણા હિસ્સાઓમાં લોકો ગાયબ થઈ રહ્યા છે.'
વિદેશ મંત્રાલયે જાહેર કરેલા રિપોર્ટમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, 'મુસ્લિમો માટે અવાજ ઉઠાવનારા માનવાધિકાર કાર્યકરો, પત્રકારો, ધાર્મિક નેતાઓ અને તેમના પરિવારના સભ્યોને પણ ગમે ત્યારે પોલીસ ધરપકડ કરીને જેલમાં પૂરી દે છે.'