ટ્રમ્પના ટેરિફ વોરનો સામનો કરવા ચીન સજ્જ, રજૂ કર્યો સ્પેશિયલ ઍક્શન પ્લાન, ખર્ચને પ્રોત્સાહન આપશે
China Special Action Plan To Boost Economy: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરનો આકરો જવાબ આપવા માટે ચીને એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. તેણે ગઈકાલે એક નવો ‘સ્પેશિયલ ઍક્શન પ્લાન’ લોન્ચ કર્યો હતો. આ પ્લાનની મદદથી ચીન પોતાના નાગરિકોને વધુ પૈસા ખર્ચ કરવા પ્રોત્સાહન આપશે, જેથી તેના અર્થતંત્રની ગાડી પાટા પર આવી શકે અને સાથે સાથે અમેરિકાના ટેરિફ સામે રક્ષણ મળી શકે.
અમેરિકાની ટેરિફ નીતિનો વળતો જવાબ
ચીને અમેરિકાની બમણી ટેરિફ નીતિનો વળતો જવાબ આપવા નિર્ણય લીધો છે. તેણે પણ અમેરિકાની કેટલીક પ્રોડક્ટ્સ પર ટેરિફ નિર્ધારિત કર્યો છે. તેમજ આ ખાસ પ્લાનથી સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે, જેથી આયાત નિર્ભરતા ઘટાડી શકાશે. નિકાસ માટે અમેરિકાનો વિકલ્પ પણ શોધશે.
ચીનની અર્થવ્યવસ્થા કોવિડ મહામારી બાદથી કથળી છે. અહીંના લોકો આર્થિક મંદીના વાદળો વચ્ચે ખર્ચ કરી રહ્યા નથી. કોવિડના કારણે છટણી, ઘરની કિંમતોમાં વધારો જેવા અનેક પડકારોનો સામનો ચીન કરી રહ્યું છે.
શું છે આ ‘સ્પેશિયલ ઍક્શન પ્લાન’માં?
સ્પેશિયલ ઍક્શન પ્લાનમાં લોકોના ખિસ્સામાં વધુ રૂપિયા જમા થાય તે હેતુ સાથે પગાર, પેન્શન અને લઘુતમ વેતનમાં વધારો કરવામાં આવશે. આ સાથે શેરબજાર અને બૉન્ડમાં રોકાણ કરીને કમાણીના નવા માર્ગો પણ ખોલશે. ગ્રામીણ વિસ્તારના લોકોને તેમની જમીન અને મકાનમાંથી કમાવાની નવી તકો મળશે.
ખર્ચ કરવામાં સરળતા
ટેક્સમાં ઘટાડો થશે જેનાથી સારવાર અને ઘર ખરીદવું સસ્તું બનશે. બૅન્કો પાસેથી લોન લેવી સરળ અને સસ્તી બનશે, જેથી લોકો ખરીદી કરી શકે. સરકાર લોકોને નવી વસ્તુઓ, ખાસ કરીને ઘર, વાહનો (ખાસ કરીને EV) અને અન્ય મોટી વસ્તુઓ ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. સ્માર્ટ ગેજેટ્સ, રોબોટ્સ, 3ડી પ્રિન્ટિંગ જેવી નવી ટૅક્નોલૉજીને પ્રોત્સાહન આપવામાં આવશે. આ સાથે AI અને ડ્રોન જેવી સસ્તી ટૅક્નોલૉજી પર પણ ધ્યાન આપવામાં આવશે.
પર્યટનને પણ વેગ આપશે
બરફવાળા વિસ્તારોને પર્યટન કેન્દ્રો બનાવવામાં આવશે. આ માટે ગામડાંઓ અને શહેરો પ્રમાણે અલગ-અલગ યોજના બનાવવામાં આવશે. વિદેશી પ્રવાસીઓને વિઝા સરળતાથી મળી રહે તે માટે પણ પગલાં લેવામાં આવશે જેથી ટુરિઝમને પ્રોત્સાહન મળી શકે. સરકાર હવે બાળકોની સંભાળ માટે મદદ કરશે. સરકાર વૃદ્ધો માટે પેન્શન અને આરોગ્ય સેવાઓ પર પણ વધુ ખર્ચ કરશે.
ચીનના રિટેલ વેચાણ વધ્યા
ચીનનું અર્થતંત્ર 2024ના અંતથી સુધરી રહ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ બે માસમાં રિટેલ વેચાણ 4 ટકા સુધી વધ્યા છે. આઇઆઇપીમાં પણ 5.9 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. જે ડિસેમ્બરમાં 3.7 ટકા હતો. ઔદ્યોગિક ઉત્પાદન પણ વધ્યા છે. ગતવર્ષે ચીનનો આર્થિક ગ્રોથ માત્ર 4.7 ટકા નોંધાયો હતો. જે તેના 5 ટકાના ટાર્ગેટથી ઓછો છે. અહીંની સરકાર ઇચ્છે છે કે, 90 કરોડ લોકો ખરીદી કરે. લોકો વધુ ખર્ચ કરે તેથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બને.