દુનિયામાં સૌથી વધુ પ્રદૂષણ ચીન અને અમેરિકા ફેલાવે છે
- ભારત ત્રીજા ક્રમે, પરંતુ વસતીની દૃષ્ટિએ ઘણું પાછળ
- વિશ્વમાં 50 ટકાથી વધુ કાર્બન ઉત્સર્જન માટે 10 ટકા ધનિકો જવાબદાર, 90 ટકા વસતી તેનો ભોગ બને છે
દુબઈ : દુનિયામાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા દેશોની યાદીમાં ચીન ટોચ પર છે. તે એકલોજ અનેક દેશો કરતાં વધુ પ્રદૂષણ ફેલાવે છે. ત્યાં સુધી કે બીજા નંબર પરના અમેરિકાનું ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ચીન કરતાં અડધાથી ઓછું છે. આ યાદીમાં ભારત ત્રીજા ક્રમે છે, પરંતુ વસતીની દૃષ્ટિએ ઘણું પાછળ છે.
ચીનમાં વાર્ષિક લગભગ ૧૩ અબજ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઈડ પેદા થાય છે. વર્ષ ૧૮૫૦થી અત્યાર સુધીમાં ચીન અંદાજે ૩૦૦ અબજ ટન ઝેરી ગેસ ઉત્સર્જિત કરી ચૂક્યો છે. અમેરિકામાં પહેલાથી ઉદ્યોગો શરૂ થયા હતા એટલે તેનું કુલ કાર્બન ઉત્સર્જન ચીન કરતાં વધુ છે. થિંક ટેન્ક રોડિયમ ગુ્રપનું કહેવું છે કે એક અમેરિકન સરેરાશ વર્ષમાં લગભગ સાડા ૧૭ ટન ઝેરી ગેસનું ઉત્સર્જન કરે છે જ્યારે ચીનના લોકો ૧૦ ટન પર છે. આમ અમેરિકા અને ચીનના કારણે આખી દુનિયામાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.
ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનનું કારણ માત્ર ધનિક દેશો જ નથી પરંતુ દુનિયાના ધનિકો પણ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનનું એક મોટું કારણ છે. તેઓ શું પહેરે છે, કેવી રીતે રહે છે અને કેવી રીતે પ્રવાસ કરે છે તેનાથી ઝેરી ગેસનું ઉત્સર્જન વધુ અથવા ઓછું થાય છે. જેમ કે કોઈ વ્યક્તિ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરે અને કોઈ એકલો જ આખી યાટ અથવા પ્લેન બૂક કરીને ચાલે તો સ્વાભાવિક વધુ પ્રદૂષણ ફેલાશે. એક અંદાજ મુજબ દુનિયાના માત્ર ૧૦ ટકા ધનિકો જ ૫૦ ટકાથી વધુ કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર છે. બાકીની ૯૦ ટકા વસતી તેનો ભોગ બને છે. આ કાર્બન અસમાનતા છે. ભારતને વર્ષ ૨૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન ૪૫ ટકા સુધી ઓછું કરવાનું લક્ષ્ય અપાયું છે. કેન્દ્ર સરકારે વચન આપ્યું છે કે ભારત વર્ષ ૨૦૭૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો સુધી લઈ જશે.