દક્ષિણ ચીની સમુદ્રમાં ચીન-અમેરિકાના ફાઈટર વિમાનો ટકરાતા રહી ગયા

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
દક્ષિણ ચીની સમુદ્રમાં ચીન-અમેરિકાના ફાઈટર વિમાનો ટકરાતા રહી ગયા 1 - image


- બંને દેશના ફાઈટર વિમાનો વચ્ચે માંડ 10 ફૂટનું અંતર રહ્યું હતું

- ચીનનું લડાકુ વિમાન જે-11 અમેરિકન ફાઈટર જેટ બી-૫૨ બોમ્બરની નજીકથી પસાર થતાં થોડી પળો ભારે તંગદિલીમાં વીતી

વૉશિંગ્ટન : દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકા-ચીન વચ્ચે વારંવાર ઘર્ષણ થયા કરે છે. બંને દેશોના નૌકાદળ સામ-સામે આવી જવાના બનાવો વધ્યા છે. અમેરિકન લશ્કરના કહેવા પ્રમાણે ફરી આવી ઘટના બની છે. અમેરિકાના ફાઈટર જેટની સાવ નજીક ચીની ફાઈટર વિમાન આવી જતાં ઘર્ષણની શક્યતા સર્જાઈ હતી. બંને ફાઈટર વિમાનો વચ્ચે માત્ર ૧૦ ફૂટનું જ અંતર રહેતા ટક્કર થવાની ભીતિ હતી. ચીનના વિદેશ મંત્રાલયે આ બાબતે અમેરિકાને દોષી ગણાવ્યું હતું.

અમેરિકા-ચીન વચ્ચે દક્ષિણ ચીની સમુદ્રમાં ઘર્ષણના બનાવો વધ્યા છે. યુદ્ધજહાજો સામ-સામા આવી જતા હોવાની ઘટનાઓ નોંધાતી રહે છે. આ વખતે અમેરિકન ફાઈટર વિમાન અને ચીનના ફાઈટર વિમાન વચ્ચે ટક્કરની શક્યતા સર્જાઈ હતી. અમેરિકાના કહેવા પ્રમાણે અમેરિકાનું લડાકુ વિમાન બી-૫૨ બોમ્બર દક્ષિણ ચીની સમુદ્રમાં ફ્રી નેવિગેશનના કાયદા અંતર્ગત ઉડતું હતું ત્યારે અચાનક ચીનનું ફાઈટર વિમાન શેન્યાંગ જે-૧૧ સાવ નજીક આવી ગયું હતું. તે એટલે સુધી કે થોડી પળો માટે બંને વિમાનો ટકરાય તેવી દહેશત હતી. ચીની પાયલટની આ બેદરકારીના કારણે બંન વિમાનો ખતરામાં પડયા હતા અને બંને દેશોના સંબંધો પર તેની ગંભીર અસર થઈ શકે એવું જોખમ મંડરાતું હતું. અમેરિકાના ઈન્ડો-પેસિફિક કમાન્ડના કહેવા પ્રમાણે ચીનનો પાયલટ એ બાબતે લગભગ અજાણ હતો કે બંને વિમાનો વચ્ચે માંડ ૧૦ ફૂટનું અંતર રહ્યું હતું. થોડી પળો ભારે તંગદિલીમાં વીતી હતી.

બીજી તરફ ચીને આ બાબતે અમેરિકા પર આરોપ મૂક્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમેરિકન લડાકુ વિમાને ચીનના સાર્વભૌમત્વને પડકાર ફેંક્યો હતો. દક્ષિણ ચીની સમુદ્રમાં વિદેશી ગતિવિધિ બિલકુલ અયોગ્ય છે અને ચીન અમેરિકાના આ લશ્કરી પગલાંની ટીકા કરે છે. ચીને કહ્યું હતું કે ચીનના દરવાજે હજારો કિલોમીટર દૂરથી અમેરિકાના લશ્કરી વિમાનો ઉડાન ભરે તે અયોગ્ય છે. ક્ષેત્રની શાંતિ અને સલામતી માટે અમેરિકાનું આ પગલું ગેરવાજબી છે. તેનાથી શાંતિ અને સ્થિરતા જોખમાય છે. 


Google NewsGoogle News