ગાઝા યુદ્ધમાં ચીને પણ કહ્યું : પેલેસ્ટાઇનીઓને સહાય કરશે : મુસ્લિમ દેશોનું સંમેલન બોલાવ્યું
- ગાઝા યુદ્ધ ચીન માટે લાભકર્તા છે
- ફ્રી-પેલેસ્ટાઇનનો નારો જગાવ્યો : પેલેસ્ટાઈનીઓને 500 મિલિયન યુઆન : 869 મિલિયન ડોલર્સની સહાય જાહેર કરી
નવીદિલ્હી : રાફાહમાં ઇઝરાયેલે તાજેતરમાં કરેલા હુમલાથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ફરી ચર્ચામાં છે. તેવે સમયે ચીન તેમાં કુદી પડયું છે. ચીનના પ્રમુખ શી-જિનપિંગે ગુરૂવારે આરબી અને ઇસ્લામિક દેશોની શિખર પરિષદ બૈજિંગમાં બોલાવી હતી. જેમાં પેલેસ્ટાઇનીઓ પ્રત્યે સંવેદના દર્શાવતા ફ્રી-પેલેસ્ટાઇનો નારો જગાવ્યો હતો. સાથે ચાયના આરબી-સ્ટેટ્સ-કો-ઓપરેટીવ ફોરમની સ્થાપનાની પણ જાહેરાત કરી હતી. તેનાં ઉદ્ધાટન ભાષણમાં તેમણે કહ્યું : 'ગત ઓક્ટોબર મહિનાથી પેલેસ્ટાઇન-ઇઝરાયેલ સંઘર્ષ વધી ગયો છે. તેથી લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડે છે. યુદ્ધ અનિશ્ચિતકાળ સુધી ચાલુ રહેવું ન જોઇએ.
આ સાથે તેમણે ગાઝા સ્થિત પેલેસ્ટાઇનનીઓ માટે ૫૦૦ મિલિયન યુઆન, ૮૬૯ મિલિયન ડોલર્સની સહાય પણ જાહેર કરી હતી. તે સાથે તેઓએ ટુ સ્ટેટ્સ ફોર્મ્યુલા (દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત)નો પુનરોચ્ચાર કર્યો હતો.
પેલેસ્ટાઇની આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હજી સુધીમાં ૩૬૦૦૦થી વધુ પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. તેવામાં આરબ અને ઇસ્લામિક દેશોની સાથો સાથ ચીન પણ પેલેસ્ટાઇનને સમર્થન આપી રહ્યું છે.
ગયા શનિવારે જ ગાઝામાં (રફાહમાં) ઇઝરાયેલે કરેલા હુમલામાં ૪૫ લોકોના મોત થયાં હતા. તે પછી ઇઝરાયેલની આંતરરાષ્ટ્રીય સ્તરે તીવ્ર ટીકા પણ થઇ હતી.
ચીન લાંબા સમયથી પેલેસ્ટાઈનીઓને સમર્થન આપી રહ્યું છે. ઇઝરાયેલની નિંદા પણ કરી છે. આમ છતાં અમેરિકા ઇઝરાયેલને શસ્ત્રો, ધન વગેરે આપી સહાય કરી રહ્યું છે અને યુદ્ધનાં કારણ તરીકે ૭ ઓક્ટોબર ૨૦૨૩ના દિને હમાસે દક્ષિણ ઇઝરાયેલ પર કરેલો હુમલો જણાવે છે.
તે સર્વવિદિત છે કે, ચીનને યુ.એસ. સાથે જરા પણ બનતું નથી તેથી ચીને પેલેસ્ટાઇનીઓને સહાયનું એલાન કર્યું છે. વાસ્તવમાં ૨૦૦૪માં જ ચીને, ચાયના-આરબ-સ્ટેટ્સ કો-ઓપરેટીવ ફોરમની રચના કરી છે. ૨૦૨૩માં તેણે ઇરાન અને સઉદી અરબીસ્તાન વચ્ચે સુલેહ પણ કરાય હતી. આ પૂર્વે તે ભૂમિકા અમેરિકા અને યુરોપીય દેશો નિભાવતા હતા.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ચીન માટે લાભકર્તા છે. તેથી અમેરિકાનું ધ્યાન ''ઇન્ડો-પેસિફિક રીજીયન'' ઉપરથી બીજે વળી ગયું છે. તેમજ ભારતના મધ્ય-પૂર્વના માર્ગેથી યુરોપ જતા ઇકોનોમિક કોરિડોર રચવાના પ્રયાસોમાં અવરોધ ઊભો થઇ ગયો છે. જ્યારે ચીનના બેલ્ડ એન્ ડ રોડ ઇન ઇનિશ્યેટિવને તેની કોઇ અસર નથી, માટે ત્યાં યુદ્ધ ચીન માટે લાભકર્તા બન્યું છે તેમ વિશ્લેષકોનું કહેવું છે.