ચીન રશિયા સાથે મળી ચંદ્ર ઉપર પણ 'બેઝ' બનાવવા માગતું હતું : લ્યુના-25 તૂટી પડતાં ચીનના સ્વપ્નો તૂટી પડયાં
- રશિયા દુનિયાને દેખાડવા માગતું હતું કે યુક્રેન યુદ્ધ છતાં વિજ્ઞાન ક્ષેત્રે પણ તેની પ્રગતિ અવ્વલ ક્રમે આવે છે
નવી દિલ્હી : રશિયાનું લ્યૂના-૨૫ ચંદ્રની સપાટી ઉપર ઉતરતાં પહેલાં જ ક્રેશ થઈ જતાં રશિયાને અબજો ડોલરનું નુકશાન થયું છે. પરિણામે રશિયાની પ્રતિષ્ઠાને પણ અસામાન્ય ધક્કો લાગ્યો છે, પરંતુ સાથોસાથ રશિયા સાથે મળીને ચંદ્ર ઉપર પણ 'બેઝ' સ્થાપવાની ચીનની મહત્વકાંક્ષા ઉપર પાણી ફરી વળ્યું છે.
યુક્રેન યુદ્ધ છતાં પોતે વિજ્ઞાન ક્ષેત્રે હજી પણ અવ્વલ નંબરે છે તેવું દુનિયાને દેખાડવા ભારતનાં ચંદ્રયાન-૩ પછી રશિયાએ ઝડપભેર તૈયારીઓ કરી લ્યૂના-૨૫ વહેતું મૂક્યું હતું. ભારત તા. ૨૩મીએ તેનાં ચંદ્રયાનને ચંદ્ર પર ઉતારે તે પૂર્વે ૨૧મીએ જ લ્યૂના-૨૫ને ઉતારી તે હજી પણ અંતરિક્ષ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે તે દર્શાવવા માટે તેણે 'શોર્ટ-કટ' દ્વારા લ્યૂના-૨૫ ઉતારવા જતાં લ્યૂના તૂટી પડયું તે સાથે ચીનનાં સ્વપ્નો તૂટી પડયા.
મીડીયા રીપોર્ટસ પ્રમાણે ચીન-રશિયા સાથે મળી ચંદ્ર ઉપર 'બેઝ' બનાવવા માગતું હતું અને તે 'બેઝ'નાં નિર્માણ દ્વારા અમેરિકા સહિત અન્ય અંતરિક્ષ મહાશક્તિઓને પડકાર આપવા માગતું હતું.
ચીની મીડીયાનો જ રીપોર્ટ જણાવે છે કે આ મહીનાના પ્રારંભમાં ચીની પ્રતિનિધિ મંડળે રશિયાના પ્રતિનિધિઓ સાથે રશિયાનાં 'વાસ્તોયન' કોરમોડ્રોમમાં મંત્રણા કરી હતી. તેનું નેતૃત્વ ચીનની અંતરિક્ષ અન્વેષણ પરિયોજનાના મુખ્ય ડીઝાઈનર વૂ-યાન-હુમાએ કર્યું હતું. તેઓ ચંદ્ર ઉપર પણ એક 'બેઝ' બનાવી દુનિયા ઉપર નજર રાખવા માંગતા હતા. પરંતુ લ્યૂના-૨૫ તૂટી પડતાં ચીનની મહેચ્છાઓ તૂટી પડી.
સહજ છે કે ચીને તેના જીગરી દોસ્ત રશિયાની નિષ્ફળતાનો તેના મીડીયામાં માત્ર પાંચ લાઈનમાં જ ઉલ્લેખ કર્યો હતો. ચીનમાં અને રશિયામાં દરેક મીડીયા પર સરકારનો કાબુ છે તે સર્વવિદિત છે.