Get The App

ચીન કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવા સંમત : આ વર્ષે જ પ્રારંભ થશે

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
ચીન કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવા સંમત : આ વર્ષે જ પ્રારંભ થશે 1 - image


- દિલ્હી અને બૈજિંગ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ થશે

- ડોનાલ્ડ ટ્રમ્પની ધાક અસર લાવી, ચીન ભારત સાથે બધા જ મોરચે સંબંધો સુધારવા માટે અત્યંત આતુર

બૈજિંગ : ભારત અને ચીન વચ્ચે સોમવારે કૈલાસ માનસરોવરની યાત્રા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને ચીનના મંત્રી વાંગ યી વચ્ચે થયેલી મુલાકાતમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ યાત્રા ૨૦૨૦માં ગલવાન ઘાટી પરના હુમલાથી બંધ હતી. આ ઉપરાંત બંને દેશ વચ્ચે સીધા ઉડ્ડયન શરુ કરવા પર પણ સૈદ્ધાંતિક સંમતિ બની છે.  આના પગલે દિલ્હી અને બૈજિંગ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે.  આમ હાલમાં ચાલતા મહાકુંભ વચ્ચે વધુ એક સારા સમાચાર આવ્યા છે.

 આ બતાવે છે કે  ટ્રમ્પની વધતી ધાકના પગલે ચીન બેકફૂટ પર આવી ગયું છે. હવે તેને  ભારત સાથે સારાસારી રાખ્યા વગર તેનો છૂટકો નથી. 

ભારતની દુનિયાભરમાં વધતી ધાક અને ડૉનાલ્ડ ટ્રમ્પના સતત દબાણને લીધે હવે ચીન ''બેક-ફૂટ'' પર આવી ગયું છે. તેની સાબિતી ભારતના વિદેશ ''સચિવ'' વિક્રમ મિસ્ત્રીની ચીનના ''વિદેશ મંત્રી'' વાંગ-ચી સાથેની મુલાકાત ઉપરથી મળી શકે છે.ચીનના વિદેશ મંત્રી વાંગ-ચીએ કહ્યું : ''બંને દેશોએ એકબીજા ઉપર સંદેહ અને અલગતા ન રાખતા આપસી સમજણ અને આપસી સમર્થન અંગે પ્રતિબદ્ધતા દર્શાવવી જોઈએ.''ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી ભારત-ચીન સંબંધોને વધુ સારા કરવા, ચીની અધિકારીઓ સાથે મંત્રણા કરવા અહી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વાંગ-ચી વિદેશ મંત્રી હોવા ઉપરાંત સત્તારૂઢ શક્તિશાળી રાજનીતિક-બ્યુરોના સભ્ય છે અને ભારત-ચીન સીમા તંત્ર અંગેના ચીનના વિશેષ પ્રતિનિધિ પણ છે. ભારતના વિશેષ પ્રતિનિધિ અજિત ડૉભાલ છે. જેઓ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ છે. મિસ્ત્રીની મુલાકાત પૂર્વે ગયા મહિને વિશેષ પ્રતિનિધિતંત્ર નીચે ડૉભાસ અને વાંગ વચ્ચે પણ મંત્રણા થઈ હતી.

મિસ્ત્રી સાથેની બેઠકમાં વાંગે કહ્યું કે ગત વર્ષે રશિયાના કાઝાનમાં પ્રમુખ શ્રી જિનપિંગ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી બેઠક પછી બંને પક્ષોએ બંને દેશોના નેતાઓ વચ્ચે સમજૂતી સાધવા સક્રિય પ્રયાસો, ગંભીરતાપૂર્વક કરવા તેમજ ભારત ચીન સંબંધો સુધારવાની પ્રક્રિયાને ગતિ આપવા સહમત થયા હતા.

સોમવારની બેઠકમાં ચીનના વિદેશ મંત્રાલય તરફથી પ્રસિદ્ધ કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોએ આ તકનો લાભ ઉઠાવવો જોઈએ. એકબીજાને મળતા રહેવું જોઈએ, નક્કર ઉપાયો શોધવા જોઈએ તથા એકબીજા ઉપર સંદેહ રાખ્યા સિવાય અને અલગતા રાખ્યા સિવાય આપસી સમજ અને આપસી પ્રતિબદ્ધતા દર્શાવવી જોઈએ.

વાંગે કહ્યું હતું કે ભારત-ચીન સંબંધોનો સુધાર બંને દેશોના હિતમાં છે. ચીનના વલણમાં અચાનક આવેલા પરિવર્તન અંગે વિશ્લેષકો કહે છે કે ભારતની વધતી જતી તાકાત તેમજ તેની વિશ્વ સ્તરે ઉભરાતી પ્રતિભા, બીજી તરફ ટ્રમ્પના નેતૃત્વ નીચેના અમેરિકાના દબાણને લીધે આખરે ચીનને પાછા પગલાં ભરવા પડે તેમ છે. તે ચીનના બદલાયેલા વલણનું મુખ્ય કારણ છે. બીજી તરફ ચીનની આર્થિક સ્થિતિ નબળી બની છે, બેરોજગારી વધી છે અને જનતામાં ખાસ કરીને યુવાનોમાં અસંતોષ વધ્યો છે. તે ધ્યાનમાં રાખવું જોઈએ.


Google NewsGoogle News