મલેશિયામાં ઇસ્લામિક ચેરિટી હોમ્સમાં બાળકોનું જાતીય શોષણ : 400ને બચાવ્યા
- જીઆઇએસબી નામની જાણીતી ફર્મનું નામ ઉછળ્યું
- મલેશિયાની પોલીસ મૌલવીઓ એમ 105 મહિલાઓ અને 66 પુરુષ સહિત 171ની ધરપકડ કરી
નવી દિલ્હી : મલેશિયાની પોલીસે ૨૦ ઇસ્લામિક ચેરિટી હોમ્સમાં બાળકોના જાતીય શોષણના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બે રાજ્યોમાં પોલીસે પાડેલા દરોડામાં ૨૦૧ કિશોરીઓ સહિત કુલ ૪૦૦ બાળકોને બચાવવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન મૌલવીઓ સહિત ૧૭૧ જણાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહિના પહેલા નોંધાયેલી ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી હતી.
વાસ્તવમાં સપ્ટેમ્બરના પ્રારંભમાં પોલીસ સમક્ષ ફરિયાદ આવી હતી કે ચેરિટી હોમ્સમાં બાળકો સાથે દુર્વ્યવહાર જાતીય શોષણ અને છેડતી જેવી ઘટનાઓ બની રહી છે. મલેશિયાના ટોચના પોલીસ વડા રજારુદ્દીન હુસૈને ખુલાસો કર્યો હતો કે આ બધા ચેરિટી હોમ્સ ગ્લોબલ ઇખવાન સર્વિસિઝ એન્ડ બિઝનેસ (જીઆઇએસબી) દ્વારા સંચાલિત હતા.
જીએસઆઇબી મલેશિયાની ફર્મ છે અને તે સુપર માર્કટના કારોબારમાં સામેલ છે. તેની વેબસાઇટ મુજબ તે ઇન્ડોનેશિયા, સિંગાપોર, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને થાઇલેન્ડ સહિત ઘણા દેશોમાં કામ કરે છે. જાતીય શોષણના આરોપો અંગે કંપનીએ કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ એક નિવેદનમાં ફર્મે જુદા-જુદા સોશિયલ મીડિયા રિપોર્ટ્સનું ખંડન કર્યુ છે કે કંપનીએ બાળકોનું શોષણ કર્યુ છે.
કંપનીનો દાવો છે કે તેઓ કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ નથી અન આ મુદ્દાને ઉકેલવા માટે તે પોલીસ અધિકારીઓ સાથે સહયોગ સાધશે. પોલીસના જણાવ્યા મુજબ એક પ્રતિબંધિત ધાર્મિક સંપ્રદાય સાથે જોડાયેલા એક અગ્રણી સ્લિામિક વ્યાપારી સંગઠન દ્વારા આ ચેરિટી હોમ્સમાં બાળકોનું જાતીય શોષણ કરવામાં આવતું હતું.
પોલીસે ફરિયાદ પછી તરત જ કાર્યવાહી કરતાં આ સ્થળો પર દરોડો પાડયો અને બાળકોને બચાવ્યા. બચાવાયેલા બાળકોની વય એક વર્ષથી ૧૭ વર્ષની વચ્ચેની છે. પોલીસે મૌલવીઓ, નિરીક્ષકો અને સંસ્થાના વડાઓ સહિત કુલ ૧૭૧ની ધરપકડ કરી. પકડાયેલા લોકોમાં ૬૬ પુરુષ અને ૧૦૫ મહિલાઓ સામેલ છે. તેમની ઉંમર ૧૭થી ૬૪ વર્ષ છે.