બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતાં મોત, નીતિ આયોગમાં કામ કરી ચૂકી હતી
લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી પીએચડી કરી રહી હતી ચેષ્ઠા કોચર
Image:Social Media |
Cheistha Kochhar : લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી પીએચડી કરી રહેલી ગુરુગ્રામની વિદ્યાર્થીની ચેષ્ઠા કોચરનું એક માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થઇ ગયું છે. એક ટ્રકની લપેટમાં આવતા તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગઈ હતી. ખાસ વાત એ છે કે કોચર પહેલા નીતિ આયોગ એટલે કે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયામાં કામ કરી ચૂકી છે. હાલ આ મામલે કોઈ ધરપકડ થઇ નથી.
સાઈક્લિંગ વખતે ટ્રકે અડફેટે લીધી
33 વર્ષીય ચેષ્ઠા 19 માર્ચે સાઈક્લિંગ કરી રહી હતી. એ સમયે તેનો પતિ પ્રશાંત પણ તેની સાથે જ હતો અને થોડીક જ આગળ ચાલી રહ્યો હતો. અચાનક તેણે એક જોરદાર અવાજ સાંભળ્યો અને માર્ગ અકસ્માતની જાણ થઈ. તે તાત્કાલિક કોચરની મદદ કરવા પહોંચ્યો. આ દુર્ઘટના ઘરે પાછા આવતી વખતે થઈ હતી. ઘટનાની જાણકારી આવતા જ પોલીસ અને પેરામેડિક્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
કોણ હતી ચેષ્ઠા કોચર?
ઉત્તરપ્રદેશના બરેલીમાં જન્મેલી ચેષ્ઠા લંડન જતા પહેલા ગુરુગ્રામમાં રહેતી હતી. તે ગત સપ્ટેમ્બરમાં પીએચડી કરવા લંડન પહોંચી હતી. અગાઉ તે નીતિ આયોગમાં કામ કરતી હતી જ્યાં તેણે બિહેવિયરલ સાયન્સિઝ માટે એક યુનિટની સ્થાપના કરી હતી. તેણે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે પણ કામ કર્યું હતું.