ઑસ્ટ્રેલિયાના મૉલમાં અંધાધૂંધ ફાયરિંગ અને ચપ્પુથી હુમલા બાદ અફરાતફરી, ચાર લોકોના નિધન
Sydney Mall stabbing: ઓસ્ટ્રેલિયા (Australian)ના સિડની શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક શોપિંગ મૉલમાં ફાયરિંગ અને ચપ્પા વડે હુમાલાની ઘટના બની છે જેમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
પોલીસ દ્વારા રેસ્ક્યું ઓપરેશન હાથ ધરાયું
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, આ ઘટના વેસ્ટફિલ્ડ બોન્ડી જંક્શન શોપિંગ સેન્ટર (Westfield Bondi Junction Shopping Centre)માં બની હતી. ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. ઘટનાના એક સાક્ષીઓએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ગોળી ચલાવવામાં આવે તે પહેલાં એક વ્યક્તિએ મહિલા અને તેના બાળક સહિત દુકાનદારોને ચપ્પા વડે હુમલો કરીને ઉપરા છાપરી ઘા મારી દીધા હતા. અહેવાલો અનુસાર, મોલમાં ચાર લોકો પર ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
પોલીસે લોકોને દૂર રહેવા અપીલ કરી છે
સિડનીમાં શનિવારે બનેલી આ ઘટના બાદ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે લોકોને સ્થળથી દૂર રહેવા અપીલ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને પૂછપરછ કરી રહી છે. આ ઘટનાને પગલે થોડીવાર માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલ ઘાયલોને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે લોકોમાં ભય ફેલાય ગયો છે.