Get The App

સીરીયામાં પરિવર્તન : આસદનું પતન ભારતને તેની શી અસર થઇ શકે

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
સીરીયામાં પરિવર્તન : આસદનું પતન ભારતને તેની શી અસર થઇ શકે 1 - image


- કાશ્મીર પ્રશ્ને સીરીયાએ ભારતને ટેકો આપ્યો છે

- ભારત અને સીરીયા વચ્ચે ઐતિહાસિક સંબંધો છે : આસદનાં પતનથી મધ્યપૂર્વના રાજકારણમાં પરિવર્તન થવા સંભવ

નવીદિલ્હી : સીરીયામાં બળવાખોરોએ બશર-અલ-આસદને સત્તા ભ્રષ્ટ કર્યા છે તેની ભારત ઉપર અસર થવા સંભવ છે. ભારત અને સીરીયા વચ્ચે ઐતિહાસિક સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે સંબંધો દ્રઢીભૂત થયા છે. આસદના શાસનકાળમાં તે બધુ દ્રઢ બન્યા હતા. હવે ત્યાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ મનાતા વિપ્લવીઓએ કબજો જમાવી દીધો છે.

ભારતે ત્યાં ચાલેલા હિંસાચારનો પહેલેથી જ વિરોધ કર્યો છે. સીરીયાની દક્ષિણે આવેલી ગોલન હાઇટ્સ ઉપર ઇઝરાયેલે ૧૯૬૭થી જમાવેલા કબજાનો ભારતે સતત વિરોધ કર્યો છે. તેમણે અનેક અંતરરાષ્ટ્રીય મુદ્દાઓએ ભારતે સીરીયાને ટેકો આપ્યો છે. તો બીજી તરફ સીરીયાએ કાશ્મીર પ્રશ્ને ભારતને ટેકો તે રીતે આપ્યો છે કે, કાશ્મીર મુદ્દો તે બે પક્ષ વચ્ચેની આંતરિક બાબત છે તેમાં કોઇ ત્રીજા પક્ષે હસ્તક્ષેપ કરવો ન જોઇએ.

સીરીયા ઉપર પશ્ચિમના દેશોએ મુકેલા પ્રતિબંધો પછી કોવિદ મહામારી સમયે ઢીલ કરવા બાબતે અમેરિકા સહિત પશ્ચિમના દેશોને અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત ભારતે સીરીયાના વિકાસ કાર્યોમાં મહત્વનું પ્રદાન કર્યું છે. તેના પાવર પ્લાન્ટ માટે આપેલી સહાય સાથે તેણે યુ.એસ. ડોલર ૨૪૦ મિલિયનની સહાય કરી છે. પાવર પ્લાન્ટ તથા આઈ.ટી. સેક્ટરમાં ભારતે રોકાણ કર્યું છે. સ્ટીલ પ્લાન્ટનાં આધુનિકીકરણ કર્યા છે. આ ઉપરાંત ભારત સીરીયામાં ચોખા, દવાઓ અને કાપડ તથા તૈયાર કપડાં પણ નિકાસ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ બનાવ્યા છે. આ પૂર્વે પણ સીરીયામાં ગંભીર આંતરવિગ્રહ થયો હતો તે પૂરો થયા પછી ૨૦૨૩માં તે આરબ વીગમાં ફરી જોડાયું તે પછી તો બંને દેશો વચ્ચેના સંબંધો વધુ દ્રઢીભૂત થયા હતા. ૨૦૨૩માં તે સમયના ભારતના રાજ્ય કક્ષાના વિદેશમંત્રી વી. મુરલીધરને સીરીયાની મુલાકાત લીધી હતી.

તે પૂર્વે સીરીયાના વિદેશમંત્રી ફૈઝલ મેકદાદે ભારતની મુલાકાત લીધી હતી અને વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મંત્રણાઓ કરી હતી.  હવે જોવાનું તે રહે છે કે ઇસ્લામિક બળવાખોરોએ સીરીયા પર કબજો જમાવ્યા પછી બંને દેશો વચ્ચે સંબંધો કેવા રહે છે.


Google NewsGoogle News