Get The App

ભારત માસ્ટરસ્ટ્રોક મારવાની તૈયારીમાં, ચીન-પાકિસ્તાનને પેટમાં દુઃખશે, આંતરરાષ્ટ્રીય સ્તરે કદ વધશે

Updated: May 13th, 2024


Google NewsGoogle News
ભારત માસ્ટરસ્ટ્રોક મારવાની તૈયારીમાં, ચીન-પાકિસ્તાનને પેટમાં દુઃખશે, આંતરરાષ્ટ્રીય સ્તરે કદ વધશે 1 - image


India Chabahar Port : પાકિસ્તાન, ચીન, અમેરિકા સહિતના દેશો માટે મહત્વનો કહેવાતો ચાબહાર બંદર પર હવે ભારતનો દબદબો જોવા મળશે. આ માટે ઈરાન અને ભારત વચ્ચે આજે અતિમહત્વના સમજૂતી કરાર થવાના છે. ત્યારબાદ ચાબહાર પોર્ટ 10 વર્ષ સુધી ભારતના નિયંત્રણમાં આવી જશે. ભારતના શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ બંને દેશો વચ્ચેને સંબંધો મજબૂત કરવા અને ચાબહાર પોર્ટ સંબંધીત સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે આજે તહેરાન પહોંચવાના છે.

ભારતને મળશે ચાબહાર પોર્ટ, પાકિસ્તાન-ચીનનું વધશે ટેન્શન

ભારતને ચાબહાર પોર્ટનું નિયંત્રણ મળ્યા બાદ પાકિસ્તાન અને ચીનનું ટેન્શન તો વધશે. આ ઉપરાંત ઈરાન અને મધ્ય એશિયા સુધી ભારતની પહોંચ પણ વધશે. મીડિયા રિપોર્ટ મુજબ ભારત વિદેશની ધરતી પર પ્રથમ વખત કોઈ પોર્ટનું નિયંત્રણ પોતાના હાથમાં લેશે. ચાબહાર પોર્ટ દ્વારા ઈરાન અને મધ્ય એશિયા સહિત યુરેશિયન ક્ષેત્રમાં ભારતની કનેક્ટિવિટી મજબૂત થશે.

ભારત પાકિસ્તાન-ચીનને આપશે જોરદાર ટક્કર

ભારત ચાબહાર પોર્ટ થકી પાકિસ્તાનના ગ્વાદર બંદર અને ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને ભરપૂર ટક્કર આપી શકશે. ભારત ચાબહાર પોર્ટથી અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવા માટે પાકિસ્તાનને બાયપાસ કરવામાં સક્ષમ બની જશે. આ પોર્ટને આવનારા સમયમાં INSTC (આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર) સાથે જોડવામાં આવશે, ત્યારબાદ ભારતની પહોંચ છેક રશિયાના સેંટ પીટર્સબર્ગ સુધી વધશે.

વડાપ્રધાન મોદીએ પોર્ટનો વિકાસ કરવા કરાર કર્યા હતા

ચાબહાર પ્રોજેક્ટ ભારત સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2016માં ઈરાનની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે ચાબહાર પોર્ટનો વિકાસ કરવા માટેના કરાર કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2018માં ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ભારત આવ્યા હતા. તેમણે નવી દિલ્હીમાં ચાબહાર બંદર પર ભારતની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી.

શાહિદ બેહિશ્તી ટર્મિનલ પર ભારતનું નિયંત્રણ

ભારત-ઈરાન વચ્ચે 10 વર્ષ માટેનો નવા સમજૂતી કરાર થશે અને તેને આગળ પણ વધારવામાં આવી શકે છે. આ કરાર હેઠળ ભારતને માત્ર શાહિદ બેહિશ્તી ટર્મિનલનું નિયંત્રણ મળ્યું છે. આ પોર્ટમાં અફઘાનિસ્તાન પણ ભાગીદાર છે. ભારતે વર્ષ 2016માં શાહિદ બેહિશ્તી ટર્મિલનો વિકાસ કરવા માટે ઈરાન અને અફઘાનિસ્તાન સાથે ત્રિપક્ષીય કરાર કર્યા હતા.

ચાબહાર પોર્ટનું મહત્વ

ચાબહાર પોર્ટ ઓમાનના ખાડી સાથે જોડાયેલું તેમજ ઈરાનનું પ્રથમ ડીપ વોટર પોર્ટ છે. આ પોર્ટ દરિયાઈ માર્ગે ઈરાનને અન્ય દેશો સાથે જોડે છે. આ પોર્ટ ઈરાનની સરહદને પાકિસ્તાન સાથે પણ જોડે છે. પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટના નિર્માણની કામગીરી ચીનના હાથમાં છે. ચાબહાર એરપોર્ટ ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)નો ભાગ છે. તે હિંદ મહાસાગર અને પર્સિયન ગલ્ફને કેસ્પિયન સમુદ્રથી ઈરાન અને ઉત્તર યુરોપથી રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ થઈને જોડતો પ્રોજેક્ટ છે.


Google NewsGoogle News