યુરોપના 6 દેશોમાં આફત વરસી, 22થી વધુનાં મોતથી હાહાકાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
Europe Flood


Europe Flood Due To Heavy Rain: સેન્ટ્રલ યુરોપમાં ભારે વરસાદ કારણે પૂરની તારાજીના પગલે અત્યાર સુધીમાં 22થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. રોમાનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, ઓસ્ટ્રિયા જેવા દેશોની સ્થિતિ કથળી છે. અનેક શહેરો, નગરો અને ગામડાઓ નદીના પાણીમાં ડૂબી ગયા છે.



રોમાનિયાથી પોલેન્ડ સુધીના લગભગ 1200 કિલોમીટરના અંતર સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. પૂરને કારણે ચેક રિપબ્લિક, સ્લોવાકિયા, ઓસ્ટ્રિયા અને હંગેરી પણ પરેશાન છે. પૂરના કારણે મધ્ય યુરોપના છ દેશોમાં તબાહી સર્જાઈ છે. ચેક રિપબ્લિક અને પોલેન્ડની સરહદે આવેલા વિસ્તારો વધુ પ્રભાવિત છે. અહીં સપ્તાહના અંતે, નદીઓમાં પૂર આવતાં અનેક ઐતિહાસિક નગરો બરબાદ થઈ ગયા હતા. બ્રિજ તૂટી ગયા હતા. મકાનો પડી ગયા, વૃક્ષો અને છોડ પણ ધ્વસ્ત થયા હતાં.


રોમાનિયા અને પોલેન્ડમાં પૂરના કારણે સાત-સાત લોકોના મોત થઈ ચૂક્યા છે. ઓસ્ટ્રિયામાં પાંચ, ચેક રિપબ્લિકમાં ત્રણ લોકોના મોત થયા છે. એક ગુમ છે. હજારો ઘરોમાં વીજળી નથી. પોલેન્ડનું ત્રીજું સૌથી મોટું શહેર રોક્લો હાલમાં ઓડેર અને બિસ્ટ્રજિકા નદીઓના પૂરથી બચવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ શહેરનો અડધા ભાગ પૂરથી ભયભીત બન્યો છે, લોકોને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ મોસાદના પાંચ દિલધડક ઓપરેશન, લેબેનોનના પેજર બ્લાસ્ટથી માંડીને પરમાણુ વિજ્ઞાનીઓની હત્યા

પોલેન્ડમાં ઈમરજન્સી ટીમમાં રાહતકર્મી બનેલા 44 વર્ષીય આઈટી પ્રોગ્રામર માઈકલ નાકીવિઝે કહ્યું કે અહીં દરેક જણ એકબીજાને મદદ કરી રહ્યા છે. પછી તે નાનું બાળક હોય કે વૃદ્ધ વ્યક્તિ.  રોક્લો પ્રાણીસંગ્રહાલયના વહીવટીતંત્રે જાહેર જનતા પાસેથી મદદ માંગી જેથી પ્રાણીઓને પાણીથી બચાવવા માટે રેતીની થેલીઓ મૂકી શકાય. શહેરના મુખ્ય ચર્ચમાં હાજર 4.50 લાખ પુસ્તકોને બચાવવા માટે લોકોએ તેને ઊંચી જગ્યાઓ અને ફ્લોર પર શિફ્ટ કરી દીધી છે.

63 વર્ષીય મેરેક કારાએ કહ્યું કે 1997 પછી પ્રથમ વખત આ વિસ્તારમાં આટલો બધો વરસાદ અને પૂર જોયુ છે. પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે કહ્યું કે આગામી કેટલાક દિવસો ખૂબ જ ગંભીર છે. દરેકને સાવચેતી રાખવા અપીલ છે. ભારે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને રાતોરાત બહાર કાઢવામાં આવ્યા છે. સોમવારે પાણીનું સ્તર ઓછું થતાં કેટલાક લોકો પોતાના ઘરની સ્થિતિ જોવા ગયા હતાં. ખાલી પડેલા ઘરમાંથી કેટલાક લૂંટારુઓએ ચોરી કરી રહ્યા છે.


ચેક રિપબ્લિકમાં ગવર્નર જોસેફ બેલિકાએ કહ્યું કે 15 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હેલિકોપ્ટર સતત લોકોને રાહત સામગ્રી પહોંચાડી રહ્યા છે. લોકોને બચાવી પણ લેવામાં આવી રહ્યા છે. વીમા કંપનીઓનું માનવું છે કે અહીં 63,040 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હંગેરીના વિસેગ્રાડ અને ઝેન્ટેન્ડ્રેમાં ભારે વિનાશ સર્જાયો છે. ડેન્યુબ નદીના પૂરને રોકવા માટે મોબાઈલ ડેમ સ્થાપિત કરવામાં આવ્યા છે. બુડાપેસ્ટ પણ પાણીના સ્તરમાં વધારો ટાળવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે. સ્લોવાકિયાના પર્યાવરણ મંત્રી ટોમસ ટેરાબાએ કહ્યું કે ત્યાંની ડેન્યુબ નદીનું સ્તર રાતોરાત 32.81 ફૂટ વધ્યું છે. જેના કારણે પૂરને કારણે લગભગ રૂ. 187 કરોડનું નુકસાન થયું છે.

યુરોપના 6 દેશોમાં આફત વરસી, 22થી વધુનાં મોતથી હાહાકાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી 2 - image


Google NewsGoogle News