પુરાવા વગર ભારત વિરૂદ્ધ ટ્રમ્પના સતત પાંચ નિવેદન પછી પણ કેન્દ્ર મૌન
- ભારતમાં મતદાન માટે અમેરિકાએ કરેલુ 2.1 કરોડ ડોલરનું અનુદાન
- કોંગ્રેસ-ભાજપના સામસામા આક્ષેપ વચ્ચે, કોને દાન મળ્યું, કેવી રીતે દાન મળ્યું તેની વિગતો જાહેર થવી જરૂરી
નવી દિલ્હી : ટ્રમ્પના સાથે અને ચૂંટાયા નહીં હોવા છતાં વધારે સત્તા ભોગવી રહેલા અબજોપતિ ઈલોન મસ્કના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિસિયન્સી (ડોજે)ના એક ટ્વીટ ઉપરથી વિવાદનો વંટોળ શરૂ થયો છે. ડોજેએ અમેરિકાના યુએસએઇડ વિભાગ દ્વારા આપવામાં આવેલા એક કાર્યક્રમના કુલ દાનમાંથી ૨.૧ કરોડ ડોલર ભારતને મતદાન કે ચૂંટણી સહાય તરીકે આપવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. મસ્કે આ અંગે બીજી કોઈ વિગત કે પુરાવા આપ્યા નથી.
પરંતુ, પુરાવા વગરના આ ટ્વીટ ઉપર રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાંચ નિવેદન કર્યા છે. દરેકમાં ભારતની ટીકા કરી છે અને ભારતને આવી મદદની કોઈ જરૂર ન હોવા છતાં બાયડેન વહીવટી તંત્ર કેમ મદદ કરી રહ્યું છે એવા સવાલ ઉઠાવ્યા છે. શરૂઆતના નિવેદનનો સૂર હતો કે ભારતમાં સત્તા પરિવર્તન માટે આ નાણા ખર્ચાયા છે. સત્તા પક્ષ ભાજપે કોંગ્રેસની આકરી ટીકા કરી ભારતમાં વિદેશી શક્તિઓ સામે વિરોધીઓ ઘૂંટણ ટેકવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
તેમના પ્રથમ નિવેદનનો અર્થ એવો હતો કે પૂર્વ વહીવટીતંત્રએ ભારતમાં સત્તા ઉપર રહેલી સરકાર સામે કોઈ અન્યને મદદ કરેલી. આ નિવેદન પછી સત્તા પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ શરૂ થયો હતો. ટ્રમ્પના એક નિવેદનમાં સીધો ઈશારો સત્તા પક્ષ તરફ થયો છે. તેમના નિવેદનમાં કથિત દાનની રકમમાં ફેરફાર પણ જોવા મળી રહ્યા છે. ટ્રમ્પ આવા નિવેદન શેના માટે કરી રહ્યા છે તે અકળ કોયડો છે.
બીજી તરફ, ભારતમાં મતદાન માટે દાન આવ્યું છે કે નહીં તે અંગે કોઈ જાણકારી નથી. નાણામંત્રાલયે યુએસએઈડ તરફથી ભારતમાં ચાલતા પ્રોજેક્ટની વિગતો જાહેર કરી છે જેમાં રાજકરણ, ૬ મતદાન કે ચૂંટણી વિષે કોઈ પ્રોજેક્ટ નથી એવી સ્પષ્ટતા કરી છે. ઇન્ડિયન એક્સપ્રેસ અને વોશિંગ્ટન પોસ્ટના અન્ય એક અહેવાલ અનુસાર, ૨૦૨૩માં કરવામાં આવેલું દાન ભારતમાં નહીં પણ પાડોશી બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતાઓની ચળવળ માટે કરવામાં આવેલું હોવાના પુરાવા પણ મળ્યા છે. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર સામે વિદ્યાર્થીઓના વિરોધ પછી સત્તા પરિવર્તન જોવા મળેલું, કેટલાક વિદ્યાર્થી નેતાઓની અમેરિકામાં નવાજેશ પણ કરવામાં આવી હોવાનું દુનિયા જાણે છે. છેલ્લા ૨૪ કલાકમાં આ વિદ્યાર્થી નેતાએ મોહમ્મદ યુનીસની નવી સરકારના સલાહકાર તરીકે રાજીનામું આપી દીધાના અહેવાલ આવી રહ્યા છે.
શું 186 કરોડ ભારતમાં ચૂંટણી પરિણામ બદલી શકે?
કથિત રીતે ૨.૧ કરોડ ડોલર કે રૂ.૧૮૬ કરોડના દાનથી ભારતની ચૂંટણી પ્રક્રિયામાં શું મોટો ફરક પડે? ભારતમાં ચૂંટણીનો ખર્ચ રૂ.૧.૩૫ લાખ કરોડ છે એટલે કે ૦.૧૪ ટકા નાણાથી શું ફરક પડી શકે ખરો. ૯૭ કરોડ મતદારો ઉપર આટલી નાની રકમ કેવી રીતે અસર કરી શકે, મતદાનની ટકાવારી (ભારત કરતા અમેરિકામાં મતદાન ઓછું થાય છે)માં કેવી રીતે ફરક પડી શકે એ પણ મોટા સવાલો છે.
અમેરિકાના દાન અંગે ભાજપનું કોંગ્રેસ ઉપર નિશાન
બાયડેન વહીવટીતંત્ર ઇચ્છતું હતું કે ભારતમાં સત્તા પરિવર્તન થાય એટલે ૨.૧ કરોડ ડોલર આપવામાં આવ્યા હોય, એવું ટ્રમ્પ બોલ્યા એટલે ભારતના રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો. ભાજપે તક ઝડપી સીધું કોંગ્રેસ ઉપર નિશાન તાક્યું હતું. કોર્પોરેટ ગૃહ અદાણી સામે શોર્ટ સેલર હિન્ડેનબર્ગના આક્ષેપો બાદ એવી સતત દલીલ થઇ રહી હતી કે, કોંગ્રેસ દેશ વિરોધી શક્તિઓ સાથે મળી અર્થતંત્રને બરબાદ કરવા માટે મથી રહી છે, જ્યોર્જ સોરોસ જેવા સત્તા વિરોધી લોકો સાથે હાથ મિલાવી અસ્થિરતા પેદા કરી રહી છે. ભાજપે ટ્રમ્પના ૨.૧ કરોડ ડોલરના અનુદાનને તેની સાથે જોડી દીધું હતું.
ભારતના અપમાન સામે સરકાર કેમ ચૂપત કોંગ્રેસ
શરૂઆતના નિવેદનો બાદ કોંગ્રેસે ભાજપના આક્ષેપો નકારી આ અંગે કેન્દ્ર સરકરે શ્વેતપત્ર બહાર પાડી દરેક વિગતો જાહેર કરવા માંગ કરી હતી. પછી નરેન્દ્ર મોદીના નામે ટ્રમ્પ બોલ્યા ત્યારે કોંગ્રેસે વધારે આક્રમકતા સાથે આ નિવેદનોને ભારતના અપમાન તરીકે લેખાવ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઈલોન મસ્ક ભારતનું સતત અપમાન કરી રહ્યા છે અને આવા કોઈ દાન મળ્યું નહીં હોવા છતાં તેનો પુનરોચ્ચાર કરી રહ્યા છે ત્યારે વિદેશ મંત્રી અને વડાપ્રધાને તેનો વળતો જવાબ આપવા માંગ કરી છે.
નાણા મંત્રાલયની સ્પષ્ટતા, વિદેશ મંત્રાલયની તપાસ
ભારતના નાણા મંત્રાલય સત્તાવાર રીતે અમેરિકન એજન્સી યુએસએઇડ તરફથી દાન દર વર્ષે મળતું હોવાનું સ્વીકાર કરેલો છે પણ તેના પ્રોજેક્ટમાં એકપણ રાજકીય કે મતદાન સંબંધિત પ્રોજેક્ટ નથી એવી વિગતો જાહેર કરી છે. મંત્રાલય જણાવે છે કે યુએસઈડ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી ભારતમાં વિવિધ ૫૫૫ પ્રોજેક્ટમાં ૧૭ અબજ ડોલર અમેરિકાએ આપ્યા છે. અત્યારે ૭.૫ કરોડ ડોલરના સાત પ્રોજેક્ટ અમલી છે અને બીજા ૯.૭ કરોડ ડોલરની જાહેરાત થઇ છે. પણ, આ દાન પર્યાવરણ, શિક્ષણ જેવા વિવિધ પ્રોજેક્ટ માટે મળ્યું હોવાના પુરાવા રજૂ કરેલા છે. આ મામલો વધુને વધુ જટિલ બની રહ્યો છે. આ ઉપરાંત, ભારત સરકારના વિદેશ મંત્રાલયે અમેરિકન દાવાની તપાસ કરવા માટે વિવિધ કામગીરી થઇ રહી હોવાની જાહેરાત પણ કરી છે.
ખરેખર ડીપ સ્ટેટનો હસ્તક્ષેપ?
અમેરિકન ડીપ સ્ટેટ (ચૂંટાયેલા નહીં પણ અંદરખાને અન્ય દેશોમાં રાજકીય અને અન્ય હસ્તક્ષેપ કરી અમેરિકાને ફાયદો થાય એવા નેટવર્ક)નો ભારત અને દુનિયાભરમાં હસ્તક્ષેપ નવી બાબત નથી. સામ, દામ, દંડ અને ભેદની નીતિથી અમેરિકા ભારતના વિકાસને આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્તરે કદ વિસ્તરે નહીં એ માટે કાર્યરત હોવાની અટકળોનો અનુભવ છે. ભારતના બે પરમાણુ ટેસ્ટ સમયે (ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી) સામે આક્રમક વલણ, બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં ભારત સામે લગભગ યુદ્ધ છેડવાની તૈયારી કરવી, રશિયન લશ્કરી મદદનો સતત વિરોધ જેવી ઘટનાઓ ભારતે જોઈ છે. પરંતુ, સીધા મતદાન કે રાજકીય પક્ષોને દાન આપવાની આ કદાચ આ પ્રથમ ચર્ચા છે.
ભારતમાં ચૂંટણીમાં કોર્પોરેટ કે લોબીઓનું પ્રભુત્વ જોવા મળે છે. પૈસાના જોરે ઉમેદવારી કરતા નેતાઓ જોવા મળે છે અને ઉમેદવારી બાદ પૈસાનો પ્રભાવ પણ જોવા મળ્યો છે. પરંતુ, સીધું અમેરિકા (કે અન્ય કોઈ દેશ) આવો હસ્તક્ષેપ કરે એ ગળે ઉતરે નહીં એવી વાત છે. એટલે જ તેની તપાસ થવી જોઈએ.
ટ્રમ્પનું વિરોધાભાસી વલણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોશીંગ્ટન મુલાકાત સમયે પત્રકારો સાથેની વાતચીતમાં બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનમાં અમેરિકાના ડીપ સ્ટેટની ભૂમિકા અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પને સવાલ થયો હતો. 'ડીપ સ્ટેટ એ દાયકાઓથી માત્ર એક વિચાર છે અને અમેરિકાનો કોઈ હસ્તક્ષેપ નથી,' એમ ટ્રમ્પે જણાવ્યું હતું. બીજી તરફ, બાંગ્લાદેશને આ મદદ મળી હોવાના સત્તાવાર પુરાવા બહાર આવ્યા છે. આ હસ્તક્ષેપ નથી તો શું એ સૌથી મોટો સવાલ છે. બીજું, ભારત પ્રત્યે માન છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્ર છે એવું વારંવાર કહેતા ટ્રમ્પ ભારત ઉપર આકરા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યા છે, ભારતના નાગરીકોને ગુનેગારની જેમ અમેરિકાથી પરત મોકલવામાં આવી રહ્યા છે. ટ્રમ્પનું વિરોધાભાસી વલણ પણ અનેક સવાલ ઉઠાવે છે.
પૈસા કેવી રીતે આવ્યા, કોને મળ્યાથ જવાબ ક્યારે મળશે?
સમગ્ર મામલામાં મોટો સવાલ છે કે આ કથિત રીતે ૨.૧ કરોડ ડોલર કે રૂ.૧૮૬ કરોડ રૂપિયા ભારતમાં કોને મળ્યા અને કેવી રીતે મળ્યા. યુએસએઇડ અમેરિકન સરકારનો ૧૯૬૧થી ચાલતો સત્તાવાર કાર્યક્રમ છે. આરોગ્ય, આર્થિક વિકાસ, લોકશાહીની રક્ષા અને શિક્ષણ તેમજ પર્યાવરણ જેવા કાર્યક્રમ માટે દ્વિપક્ષીય રીતે આ મદદ અમેરિકા કરતું આવે છે. એટલે સ્વાભાવિક છે કે તેનું દાન, એક મિનીટ માટે પણ માની લઈએ કે ભારતમાં મતદાન માટે કે રાજકીય પક્ષને મળ્યું હોય, તો તે હવાલા મારફત થયું ન હોય. આ એક સત્તાવાર નાણાની મદદ છે અને તે અંગે ચોક્કસ પુરાવા જાહેર થઇ શકે. અમેરિકા પાસે અને ઈલોન મસ્ક પાસે યુએસએઈડનો સંપૂર્ણ કબજો છે અને તેની વિગતો પળવારમાં જાહેર થાય તો તરત જ આ વિવાદનો અંત આવી શકે, ત્યાં સુધી ભારતે અપમાન સહન કરવાના બદલે સત્તાવાર રીતે અમેરિકાનો વિરોધ કરી વિગતો માંગવી જોઈએ.
મોદી દેશના અર્થતંત્રનો વિનાશ નોતરશે: કોંગ્રેસ
મોદી યુએસ પ્રોડક્ટ પર ટેરિફ ઘટાડશે તો દેશને નુકસાન થશે
ફ્રાન્સના પ્રમુખ મેક્રોએ ટ્રમ્પને જવાબ આપ્યો તે રીતે જવાબ આપવાની સરકાર હિંમત દાખવે
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ પર ભાર મૂકતા કોંગ્રેસે જણાવ્યું હતું કે મોદી સરકારે તેનો વિરોધ કરવો જોઈએ. તેમણે અમેરિકન સમકક્ષને જણાવી દેવું જોઈએ કે આ ભારત માટે સ્વીકાર્ય નથી. તેનાથી અમારા અર્થતંત્રને નુકસાન જશે. બારતીય અર્થતંત્રને મોટો ફટકો પડશે.
કોંગ્રેસના આગેવાન અજોયકુમારે આ અંગે ફ્રાન્સના પ્રમુખ મેક્રોનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે તેમણે ચાલુ પત્રકાર પરિષદે ટ્રમ્પનો હાથ પકડીને રીતસરની તેમની વાત સુધારી હતી અને તે ખોટા છે તેમ જણાવી દીધું હતું. બીજી બાજુએ ટ્રમ્પ સતત ભારતનું અપમાન કરતાં રહ્યા હતા તો પણ મોદી કશું બોલ્યા ન હતા.
ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવ્યું હતું, પણ નરેન્દ્ર મોદી ચૂપ હતા. એકબીજા ભાજપ દાવો કરે છે કે ટ્રમ્પ મોદીના શ્રેષ્ઠ મિત્ર છે, પરંતુ અહીં તો ટ્રમ્પ ભારતનું સતત અપમાન કરતા હતા. ભાજપ કહેતું ફરે છે કે મોદી વિશ્વગુરુ છે, બીજી બાજુ મોદી અમેરિકા ગયા તો ટ્રમ્પ મોદીને એરપોર્ટ પર મળવા પણ આવ્યા ન હતા.
તેમણે જણાવ્યું હતું કે હાલમાં શેરબજારની સ્થિતિ ખરાબ છે. લોકો હતા ત્યાં ઊભા છે. રેસિપ્રોકલ ટેરિફના લીધે દેશની જીડીપી પર ૦.૫થી ૦.૬ ટકા અસર પડશે. મોદી પહેલા નોટબંધી લાવ્યા અને અર્થતંત્રને ફટકો માર્યો, પછી ખામીવાળા જીએસટી પડે ઇકોનોમીને નુકસાન પહોચાડયુ. હવે રેસિપ્રોકલ ટેરિફનો મુદ્દો આવ્યો છે તે જોતાં મોદી દેશના અર્થતંત્રને ડૂબાડીને જ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.
ટ્રમ્પના વિવાદિત પાંચ નિવેદનો
તા. ૧૯ ફેબ્રુઆરી : ભારતમાં મતદાનની ટકાવારી માટે ૨.૧ કરોડ ડોલરનું દાન શેના માટે આપવું જોઈએ. ભારતમાં ટેરિફ બહુ ઊંચા છે. મને ભારત પ્રત્યે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બહુ માન છે.
તા. ૨૦ ફેબ્રુઆરી : ભારતમાં મતદાનની ટકાવારી માટે આપણે ૨.૧ કરોડ ડોલર ખર્ચવાની શું જરૂર, કદાચ એવું બને કે બાયડેન વહીવટીતંત્ર અન્ય કોઈ ચૂંટાઈ આવે એવો પ્રયત્ન કરતું હોય. આ અંગે ભારત સરકારને જાણ કરવી પડે.
તા. ૨૧ ફેબ્રુઆરી : ભારતમાં મતદાનની ટકાવારી માટે ૨.૧ કરોડ ડોલર. અમેરિકાને ભારતના મતદાન માટે શું ચિંતા? આપણી પોતાની સમસ્યાઓ છે. આપણે પણ મતદાનની તાકાવરી જોઈએ છે. આવા કિસ્સાઓ ઘણા છે મને લાગે છે આ એક પ્રકારની કટકી છે.
તા. ૨૨ ફેબ્રુઆરી: ભારતમાં મતદાનની ટકાવારી માટે મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૨.૧ કરોડ ડોલર ગયા છે. ભારતમાં ૨.૧ કરોડ ડોલર. આપણું શું, મને પણ મતદાનની ટકાવારી જોઈએ.
તા. ૨૪ ફેબ્રુઆરી: ભારતમાં ચૂંટણીમાં મદદ તરીકે અમેરિકાએ ૧.૮ કરોડ ડોલર ચૂકવ્યા છે. શેના માટે? આપણે ભારતને ચૂંટણી માટે નાણા ફાળવી રહ્યા છીએ, એમને પૈસાની જરૂર નથી.