મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધ પછી ઈઝરાયલ-લેબેનોન વચ્ચે યુદ્ધ વિરામ
- વિશ્વભરમાંથી થઈ રહેલા દબાણને લીધે આ યુદ્ધ વિરામ થયો છે, આમ છતાં ગાઝામાં તો હમાસ-ઈઝરાયલ યુદ્ધ ચાલુ જ રહ્યું છે
નવી દિલ્હી : ઈઝરાયલ-લેબેનોના (હિઝબુલ્લાહ) વચ્ચે યુદ્ધ વિરામ થયો છે. વૈશ્વિક દબાણને લીધે આ યુદ્ધ વિરામ કરવો પડયો છે, તેમ છતાં ગાઝામાં તો ઈઝરાયલ-હમાસ યુદ્ધ ચાલુ જ રહ્યું છે.
ઈઝરાયલ કેબિનેટે આ યુદ્ધ વિરામ માટે મંજૂરી આપી છે. અમેરિકા-ફ્રાંસના પ્રયાસોથી આ યુદ્ધ વિરામ થઈ શક્યો છે. તે અંગે ઈઝરાયલી કેબિનેટે ૧૦ વિ. ૧થી મંજૂરી આપી દીધી છે.
૧૯૯૦થી લેબેનોનની 'સિવિલ વોર'ના ફળસ્વરૂપે જન્મેલા હિઝબુલ્લાહ જૂથે શાંતિ મંત્રણામાં સીધો ભાગ લીધો ન હતો પરંતુ લેબેનોનની સંસદના અધ્યક્ષ નબીહ બેરી હીઝમુલ્લાહના પ્રતિનિધિ તરીકે મંત્રણામાં હાજર રહ્યા.
ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂએ કહ્યું હતું કે આ મંત્રણા છતાં હીઝબુલ્લાહ જો યુદ્ધ વિરામનો ભંગ કરશે તો તેને યુદ્ધ સમાન જ ગણવામાં આવશે.
આ તબક્કે તો ઈઝરાયલ સમક્ષ ઊભી થયેલી ઈરાનની ભીતિ દૂર થઈ છે, હીઝબુલ્લાહ તો ચિત્રમાં જ નથી. હીઝબુલ્લાહ સામેનાં યુદ્ધમાંથી નવરૂં પડેલું ઈઝરાયલ હવે હમાસ ઉપર પૂરી તાકાતથી તૂટી પડી શકશે. તે ઉપર અમારૂં દબાણ વધી શકશે તેમ નેતન્યાહૂએ જણાવ્યું હતું.
નેતાન્યૂહુએ વધુમાં જણાવ્યું હતું કે હવે અમે ગાઝામાંથી હમાસને સંપૂર્ણ રીતે ઉખેડી નાખવાના શપથ લીધા છે અને તે જોવા માંગીએ છીએ કે હમાસ હવે કદી ઈઝરાયલ માટે ભયરૂપ ન બની શકે. અમે તે પણ ઈચ્છીએ છીએ કે અમારા ઉત્તર ભાગે જે નાગરિકો પહેલા રહેતા હતા, ત્યાં ફરી પાછા સલામત રીતે રહી શકે.
આ યુદ્ધ વિરામની શરતો પ્રમાણે લેબોનીઝ દળો લેબેનોનનાં દક્ષિણ ભાગમાં કેટલાક કી.મી. પાછા હઠી જાય તો જ અમે અમારા ઉત્તરના ભાગેથી પાછા હઠીશું.
આ યુદ્ધ વિરામ શરૂ થયો તેના આગળના દિવસે જ ઈઝરાયલે દક્ષિણ બૈરૂત ઉપર પ્રચંડ મિસાઇલ હુમલા કર્યા હતા તેમજ હવાઈ હુમલા પણ કર્યા હતા. તેના બે કલાક પૂર્વે ઈઝરાયલે દ.બૈરૂત ખાલી કરવા નાગરિકોને જણાવી દીધું હતું.
મધ્ય-પૂર્વમાં આ યુદ્ધમાં ઈઝરાયલ અને ઈરાન સમર્પિત હીઝબુલ્લાહ કે હિઝબુલ્લાહ સમર્થિત હમાસ જ સંડોવાયેલા નથી, હવે તો ઈઝરાયલ ઈરાન યુદ્ધની ભીતિ ઉપસ્થિત થઈ છે.
પ્રમુખ પાયડેને એવી આશા વ્યક્ત કરી હતી કે આ યુદ્ધ વિરામ વાસ્તવમાં 'કાયમી યુદ્ધ' વિરામ બની રહે તે દ્રષ્ટિએ જ કરાવાયો છે.
અમેરિકી અધિકારીએ કહ્યું હતું કે, આ યુદ્ધ વિરામ ગાઝામાં પણ યુદ્ધ વિરામ કરાવી બંદીબાનોની મુક્તિ માટેનું પગથિયું બની રહેશે.