Get The App

બાંગ્લાદેશમાં શેખ હસીના સામે હત્યાના આરોપનો કેસ નોંધાયો, FIRમાં અનેક નેતાઓના નામ પણ સામેલ

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં શેખ હસીના સામે હત્યાના આરોપનો કેસ નોંધાયો, FIRમાં અનેક નેતાઓના નામ પણ સામેલ 1 - image


Image Source: Twitter

Murder Case Filed Against Sheikh Hasina: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલી ઓછી નથી થઈ રહી. હવે બાંગ્લાદેશમાં શેખ હસીના સામે કેસ નોંધાવાની શરુઆત થઈ ગઈ છે. જોકે, હાલમાં તેમની સામે કરિયાણાની દુકાનના માલિકની હત્યાનો કેસ નોંધાયો છે. 19 જુલાઈના રોજ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના મોહમ્મદપુર વિસ્તારમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. 

એક અહેવાલ પ્રમાણે ફાયરિંગમાં મોહમ્મદપુરના કરિયાણાની દુકાનના માલિક અબૂ સઈદનું મોત થઈ ગયું હતું. આ મામલે જ હવે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને આરોપી બનાવવામાં આવ્યા છે. આ કેસમાં શેખ હસીના ઉપરાંત 6 અન્ય આરોપી પણ છે. 

શેખ હસીનાની પાર્ટીના નેતા પણ આરોપી

પૂર્વ પીએમ શેખ હસીના ઉપરાંત તેમની પાર્ટી આવામી લીગના જનરલ સેક્રેટરી ઓબૈદુલ કાદેર, પૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલ, પૂર્વ પોલીસ મહાનિરીક્ષક (IGP) ચૌધરી અબ્દુલ્લા અલ મામૂન, ડિટેક્ટીવ બ્રાંચના પૂર્વ ચીફ હારુનોર રશીદ, ડીએમપી પોલીસના પૂર્વ કમિશ્નર હબીબુર રહેમાન સાથે પૂર્વ ડીએમપી જોઇન્ટ કમિશ્નર બિપ્લબ કુમાર સરકારને પણ આ મામલે આરોપી બનાવવામાં આવ્યા છે.

સરકારી અધિકારીઓ સામે પણ કેસ નોંધાયો

માત્ર શેખ હસીના અને તેમની પાર્ટીના લોકો જ નહીં પરંતુ પોલીસના અનેક અધિકારીઓ ઉપરાંત સરકારી અધિકારીઓ પણ આ હત્યા મામલે આરોપી છે. હત્યાનો કેસ મોહમ્મદપુરના નિવાસી આમિર હમઝા શાતિલે ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાજેશ ચૌધરીની કોર્ટમાં નોંધાવ્યો છે. 

અનામત વિરોધી આંદોલન પર કર્યું હતું ફાયરિંગ

હત્યા સાથે સબંધિત આ મામલો અનામત વિરુદ્ધ બાંગ્લાદેશમાં થયેલા ફાયરિંગ સાથે સબંધિત છે. 19 જુલાઈના રોજ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના બોસિલા વિસ્તારમાં અનામત વિરુદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યું હતું. આંદોલન સમર્થક આ દરમિયાન એક વિશાળ રેલી કરી રહ્યા હતા. આ રેલી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં અબૂ સઈદનું મોત થઈ ગયું હતું. હવે આ મામલે જ શેખ હસીના સહિત તમામ સરકારી અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે. 


Google NewsGoogle News