ચીનમાં ભારે ગરમીના લીધે ગાડીઓ 'પ્રેગનન્ટ' થઈ ગઈ !
- કારને પેટ નીકળી આવતા લોકોની મજાક
- ગરમીના કારણે બોનેટ પરનો કલર ફૂલીને ફુગ્ગા જેવો થતાં સોશિયલ મિડિયામાં તસવીરો વાયરલ
નવી દિલ્હી : ચીનમાં લગભગ ૮૦ દિવસથી હીટવેવ ચાલી રહ્યો છે. તેના લીધે ૨૬૦થી વધુ વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર છે, પણ આ દરમિયાન બનેલી ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ચીનમાં કારોને પેટ ઉપસી આવ્યું છે. તેના લીધે કેટલાક તેને પ્રેગનન્ટ કાર તરીકે પણ બોલાવી રહ્યા છે.
વાસ્તવમાં કારને ઉપસી આવેલા પેટનું કારણ તેના પર લાગેલી પ્રોટેક્ટિવ પેઇન્ટ છે. તે ગરમીના લીધે ધાતુની સપાટી છોડીને ફૂલી જાય છે. કારના બોનેટ પર, સાઇડમાં પાછળ અને પાછળની ડિક્કી પર જાણે ફુગ્ગો ફૂલ્યો હોય તેવી આકૃતિઓ નીકળી આવી છે. આ જોઈ સમગ્ર વિશ્વના લોકો હેરાન છે. કારો પર લાગેલી પ્રોટેક્ટિવ ફિલ્મની તાપમાન સહન કરવાની ક્ષમતા હોય છે. જો ક્ષમતા કરતાં વધારે તાપમાન થાય તો આ રીતે તે ફૂલી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ પ્રકારના વિડીયોની ભરમાર છે. તેમા આ રીતે ફૂલેલી કાર જોવા મળે છે. લોકો તેને મજાકમાં પ્રેગનન્ટ કાર પણ કહે છે.
આવું ફક્ત ચીનમાં જ થયું છે તેવું નથી, જર્મનીમાં પણ આ પ્રકારની ઘટના બની છે. તેના લીધે ચીનના બજારમાં નકલી કાર પેઇન્ટ પ્રોટેકશન ફિલ્મ ચર્ચાનો વિષય બની છે. ચીનમાં પડેલી ભારે ગરમીના લીધે અત્યાર સુધી બેના મોત થયા છે અને અનેક લોકો બીમાર થયા છે.