ટેક્સાસમાં કાર અકસ્માત : ભારતીય પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચનાં મોત
- કારનું ટાયર ફાટતા બીજી કાર સાથે ટકરાતા દુર્ઘટના
- મૃતક દંપતિનો ૧૪ વર્ષીય પુત્ર એડિરયાન કારમાં ન હોવાથી બચી ગયો ઃ તેની મદદ માટે સાત લાખ ડોલરથી વધુ રકમ એકત્ર
- મૃતકોમાં ૪૫ વર્ષીય અરવિંદ મણી, ૪૦ વર્ષીય પત્ની પ્રદીપા,૧૭ વર્ષીય પુત્રી એન્ડ્રિલનો સમાવેશ
(પીટીઆઇ) હ્યુસ્ટન: અમેરિકામાં ટેક્સાસ રાજ્યમાં એક કાર અકસ્માતમાં ભારતીય મૂળના એક પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે તેમ મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર આ ઘટના ટેક્સાસના લેમ્પાસસ કાઉન્ટીની પાસે થઇ હતી.
ઓસ્ટિન અમેરિકન સ્ટેટ્સમેનના રિપોર્ટ અનુસાર ૪૫ વર્ષીય અરવિંદ મણી, તેમના ૪૦ વર્ષીય પત્ની પ્રદીપા અરવિંદ અને તેમની ૧૭ વર્ષીય પુત્રી એન્ડ્રિલ અરવિંદનું કાર અકસ્માતમાં મોત થયું છે. આ તમામ લિએન્ડરના રહેવાસી હતાં.
મૃતક દંપતિનું ૧૪ વર્ષીય પુત્ર એડિરયાન આ દરમિયાન કારમાં ન હોવાથી તે બચી ગયો છે. હવે તે આ પરિવારનો એક માત્ર જીવિત સભ્ય બચ્યો છે. જીવિત બાળકની સહાયતા માટે હવે અનેક લોકો અને સંગઠનો સામે આવ્યા છે.
આર્થિક સહાયતા માટે બનાવવામાં આવેલા પેજથી અત્યાર સુધી સાત લાખ ડોલરથી વધુની રકમ એકત્ર કરવામાં આવી છે. જે સમયે આ અકસ્માત સર્જાયો ત્યારે અરવિંદ અને તેમના પત્ની પોતાની પુત્રીને ઉત્તરી ટેક્સાસમાં કોલેજ લઇ જઇ રહ્યાં હતાં. ૧૭ વર્ષીય તેમની પુત્રીએ તાજેતરમાં જ હાઇસ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યુ હતું અને તે ડલાસ યુનિવર્સિટીમાં એડમિશન લેવા જઇ રહી હતી. જ્યાંથી તેણે કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવાની યોજના બનાવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસારર અકસ્મતમાં કારના ડ્રાઇવર સહિત પાંચ લોકોનાં મોત થયા છે. સ્થાનિક મીડિયા અનુસાર ઘાયલોની બચવાની કોઇ આશા નથી.
૨૬ વર્ષોમાં જોવા મળેલા ભીષણ અકસ્માતો પૈકીનો આ એક છે.
ટેક્સાસ ડિપૈાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી (ડીપીએસસી)ના જણાવ્યા અનુસાર ટાયર ફાટી જવાને કારણે બે કાર વચ્ચે ટક્કર થઇ હતી.
જે પૈકી એક કારની ઝડપ ૧૬૧ કિમી પ્રતિ કલાક અને બીજી કારની ઝડપ ૧૧૨ કિમી પ્રતિ કલાક હોવાનો અંદાજ છે.
આ ઘટના સવારે ૬ વાગ્યાની આસપાસ યુએસ હાઇવે ૨૮૧ પર બની હતી.
આ અકસ્માત એ સમયે સર્જાયો જ્યારે દક્ષિણ તરફ જઇ રહેલી ૨૦૦૪ની કેડિલેક સીટીએસનો પાછળનો ટાયર ફાટી ગયો. જેના કારણે કારે નિયંત્રણ ગુમાવી તે સામેથી આવતા ટ્રાફિકમાં ઘૂસી ગઇ હતી.
તે સમયે તેની ટક્કર ઉત્તર તરફ જઇ રહેલ ૨૦૨૪ની કિઆ ટેલુરાઇડ સાથે થઇ હતી. કિઆ ટેલુરાઇડ કાર અરવિંદ મણિ ચલાવી રહ્યાં હતાં. જ્યારે કેડિલેક સીટીએસ કાર ટેક્સાસના કોપરસ કોવના ૩૧ વર્ષીય જેૈસિંટો ગુડિનો ડુરાન ચલાવી રહ્યાં હતાં. આ કારમાં એક મહિલા પણ સવાર હતી.